Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

રાજકોટ સિવિલમાં કોરોના કાળમાં 81 કોવિડ પોઝીટીવ સગર્ભા બહેનોએ બાળકોને જન્‍મ આપ્‍યોઃ સિવિલમાં સારવારની પદ્ધતિથી માતાઓ ખુશખુશાલઃ 13 પોઝીટીવ સગર્ભાને સિઝેરીયનથી ડિલીવરી કરાઇ

રાજકોટ: રાજકોટની સિવિલ હોસ્પિટલના કોવિડ વોર્ડના મેટરનિટી વિભાગમાં થતો “ફર્સ્ટ ક્રાય”નો અવાજ માનવજાતમાં કોરોના સામે લડવાની અને જીતવાની આશાનું એક નવુ કિરણ જગાડે છે. માર્ચ મહિના 2002 થી અત્યાર સુધીમાં રાજકોટ જિલ્લાની ડેડિકેટેડ કોવિડ હોસ્પિટલમાં કુલ 81 જેટલી કોવિડ પોઝિટિવ સગર્ભાઓને સારવાર આપવામાં આવી છે. જે પૈકી 15 જેટલી કોવિડ પોઝિટિવ સગર્ભા માતાઓની ડિલીવરી કરાવવામાં આવી છે. જેમાં 13 કોવિડ પોઝીટીવ સગર્ભા માતાઓની ડિલીવરી સિઝેરિયન પધ્ધતિ મારફતે કરાવવામાં આવી છે.

કોરોના સંક્રમિત માતા અવની બહેન પારેખ જણાવે છે કે, હું અહીંયા આવી પછી ઘણો બધો સપોર્ટ મળ્યો છે. ડોક્ટરોનો, નર્સનો, સ્ટાફનો વગેરેનો. અહીંયા લોકો મારી ખૂબ જ કાળજી લે છે. મારું અહિંયા સિઝેરિયન થયું છે અને મને કોઈ પણ મુશ્કેલી નથી પડી. ડોક્ટરોની સારવારથી મેં એક બાળકને જન્મ આપ્યો છે. જેનું વજન પણ પોણાચાર કિલો જેટલું છે. તે એકદમ તંદુરસ્ત છે. હું એકદમ ખુશ છું કેમ કે મારી સારવાર માટે ખાનગી હોસ્પિટલે ખુબ જ વધારે ચાર્જ કહ્યો હતો. જે તમામ સારવાર મને અહીંયા એકપણ રૂપિયો ખર્ચ્યા વગર મળી છે.

જ્યારે કે અવનીબેનના પતિ જેનિષભાઈ પારેખ જણાવે છે કે, મારી પત્નીને પ્રેગ્નેન્સી હતી અને તેની સારવાર અમે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા, ત્યારે કોવિડ-19નો રીપોર્ટ પોઝિટિવ આવતા અમે થોડા ગભરાયા હતા. સરકારની ગાઈડલાઈન મુજબ ખાનગી હોસ્પિટલ કોરોના પોઝિટિવ માતાઓની પ્રસૃતિ કરાવી શકતું નથી. તેથી તાત્કાલિક અમે સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ થઈ ગયા. મારી પત્નીનો કેસ ક્રીટીકલ હતો. તે હાલ ડાયાબિટીસ, બી.પી., હાયપર ટેન્શન, થાઈરોઈડ અને કોવિડ પોઝિટિવ જેવી બીમારીઓ સામે લડી રહી છે. આવી અનેક સમસ્યાઓમાં તેના મદદગાર થઈને સિવિલ હોસ્પિટલના ડોક્ટરોએ ઉત્તમોત્તમ સારવાર આપી છે. અત્યારે મારી પત્ની અને બાળકની તબિયત એકદમ તંદુરસ્ત છે. જેનો મને ખુબ આનંદ છે.

રાજકોટ સિવિલમાં કોવિડ બિલ્ડીંગમાં એક અલગ ઓપરેશન થિયેટર બનાવવામાં આવ્યું છે. જેમાં માત્ર કોવિડના દર્દીઓના જ ઓપરેશન કરવામાં આવે છે. જે સૌરાષ્ટ્રમાં એકમાત્ર રાજકોટમાં જ આવી સુવિધા છે. જેમાં અદ્યતન સાધનો, મલ્ટીએરા મોનિટરીંગ સિસ્ટમ, એનેસ્થેસિયા મશીન, અત્યાધુનિક વેન્ટીલેટર સહિતની તમામ સુવિધા ઉપલબ્ધ છે. આ ઓપરેશન થિયેટરમાં અત્યાર સુધીમાં કુલ 14 પોઝિટિવ દર્દીઓના ઓપરેશન કરવામાં આવ્યા છે. જે પૈકી 13 જેટલા સિઝેરીયન કરવામાં આવ્યા છે.

(5:30 pm IST)