Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

સાધુ વાસવાણી રોડ પર મામલતદાર ત્રાટકયા : ૧૫ કરોડની જમીન ખુલ્લી

૧૫૦૦ ચો.મી. (ટીપી-૪)ની જમીન ઉપર ઉભા થઇ ગયેલા કોમર્શિયલ દબાણો હટાવાયા : લોકોના ટોળા : બાદશાહ ડાન્સ સ્કુલ - કપડાનું સેલ - વચ્છરાજ ટી સ્ટોલ - બાલમુકુંદ ગેરેજ - મદ્રાસ કાફે - ત્રણ ઓરડી ઉપર બુલડોઝર ફેરવી દેવાયુ : ત્રણ દબાણ તો જયેશ ઠાકોર નામની વ્યકિતના : મામલતદાર ભગોરા - સર્કલ ટીંબડીયાનું સુપર ઓપરેશન : તમામ સામે કડક પગલા લેવા કલેકટરને રીપોર્ટ

સાધુ વાસવાણી મેઇન રોડ ઉપર સાધુ વાસવાણી સ્કુલ સામે ૧૫૦૦ ચો.મી. સરકારી જમીન ઉપર ઉભા થઇ ગયેલા દબાણો આજે પશ્ચિમ મામલતદારશ્રી ભગોરા અને તેમની ટીમે દુર કર્યા - બુલડોઝર ફેરવી દીધુ તે નજરે પડે છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૨૩ : રાજકોટ જિલ્લા કલેકટર રેમ્યા મોહનની સૂચના અને એડી. કલેકટરશ્રી પરિમલ પંડયાના માર્ગદર્શન હેઠળ આજે સાધુ વાસવાણી રોડ પર સ્કુલની સામે આવેલ અંદાજે ૧૫ કરોડની ૧૫૦૦ ચો.મી. સરકારી જમીન કે જે ટી.પી. નં. ૪ (રૈયા) અને એફ.પી. નં. ૧૬૭ની લગડી જમીન છે, તેની ઉપર પશ્ચિમ મામલતદાર શ્રી ભગોરા, સર્કલ ઓફિસર શ્રી ટીંબડીયાએ પોલીસ બંદોબસ્ત - જીઇબીની ટીમ સાથે ત્રાટકી ઓપરેશન હાથ ધરી ૧૦થી વધુ કોમર્શિયલ દબાણો - ત્રણ ઓરડી તોડી પાડતા સન્નાટો પ્રસરી ગયો હતો, ઓપરેશન સમયે લોકોના ટોળા એકઠા થયા હતા.

પશ્ચિમ મામલતદાર કચેરીમાંથી મળતી વિગતો મુજબ ઉપરોકત રૈયા સર્વે નં. ૩૧૮ની ટી.પી. નં. ૪ની ૧૫૦૦ ચો.મી. જમીન ઉપર દબાણ થયાનું મામલતદાર શ્રી ભગોરાના ધ્યાને આવતા તેમણે તમામને નોટીસો ફટકારી હતી, આમ છતાં દબાણો દૂર નહિ થતા કલેકટરની મંજૂરી લઇ આજે ૧૫ કરોડની કિંમતી જમીન ઉપર ઉભા થઇ ગયેલા દબાણો ઉપર બુલડોઝર ફેરવી દેવાયું હતું.

જે લોકોએ દબાણ કર્યું હતું તેમાં જયેશ ઠાકોરની માલીકીની બાદશાહ ડાન્સ સ્કુલ, કપડાનું સેલ, ત્રણ ઓરડી ઉપરાંત જયેશ ગમારાનો વચ્છરાજ ટી સ્ટોલ, તુલસીભાઇનું બાલમુકુંદ ગેરેજ, રાજુભાઇ નામના વ્યકિતનું મદ્રાસ કાફે વિગેરેનો સમાવેશ થાય છે. આમાં ત્રણ દબાણો તો જયેશ ઠાકોરના નીકળી પડયા છે. તમામ દબાણોકારો સામે અતિકડક પગલા લેવા મામલતદારશ્રી ભગોરાએ કલેકટરને રીપોર્ટ કર્યો છે. દબાણ હટાવ સમયે તલાટીઓ સત્યમ શેરસીયા, મયુર વઢવાણા, શૈલેન્દ્રસિંહ રાણા વિગેરે પણ હાજર રહ્યા હતા.

(2:48 pm IST)