Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

અઠવાડિયા બાદ આધાર કાર્ડની કામગીરી શરૂ કરવા કવાયત

મ્યુ. કોર્પોરેશનનાં ત્રણેય ઝોનમાંજ કામગીરી થશેઃ ફોનથી એપોઇન્ટમેન્ટ-ટોકન નંબર તારીખ અને સમય અપાય ને સમયેજ અરજદારે જવાનું રહેશેઃ દરરોજ મર્યાદિત સંખ્યામાંજ ટોકન અપાશેઃ મેડીકલ સ્ક્રીનિંગ અને સોશ્યલ ડીસ્ટન્સનું પાલન ચુસ્ત પણે કરવામાં આવશે

રાજકોટ તા. ર૩: માર્ચ મહિનાથી મ્યુ. કોર્પોરેશનમાં આધાર કાર્ડની કામગીરી કોરોનાં સંક્રમણને કારણે બંધ છે. એટલે કે છેલ્લા છ મહિનાથી આ કામગીરી બંધ છે. જેનાં કારણે લોકોનાં અનેક મહત્વનાં કાર્યો જેવા કે સ્કુલ એડમીશન, વિમા પોલીસી, દસ્તાવેજ વગેરે થઇ શકતાં નથી દરમિયાન હવે સરકારે જે-તે શહેરોમાં કોરોના સંક્રમણની સ્થાનિક પરિસ્થિતિ જોઇને આધારકાર્ડ સુધારા-વધારા અને નવા કાર્ડ કાઢવાની કામગીરી શરૂ કરાવવાની છુટ આપતાં રાજકોટ મ્યુ. કોર્પોરેશન દ્વારા આ બાબતની કવાયત શરૂ કરી છે.

આ અંગે સત્તાવાર સુત્રોનાં જણાવ્યા મુજબ છેલ્લા છ મહિનાથી આધાર કાર્ડની કામગીરી બંધ છે. ઓપરેટરો પણ કોરોના સબંધી ફરજમાં રોકાયેલા છે. ત્યારે હવે જયારે સરકારે આધાર કાર્ડની કામગીરી શરૂ કરવા છુટ આપી છે ત્યારે હાલ તુરંત ત્રણેય ઝોન કચેરીમાંજ આધારની કામગીરી શરૂ કરવા વિચારાઇ રહ્યું છે.

કોરોનાં સંક્રમણને ધ્યાને લઇ સાવચેતી અને સુરક્ષાનાં તમામ પગલાઓ સાથે જ આધારની કામગીરી શરૂ કરાશે.

આ માટે દરેક અરજદારને ફોનથી જ આધાર કાર્ડમાં સુધારા-વધારા કે નવું કાઢવા માટે ટોકન નંબર, તારીખ અને સમય ફાળવવામાં આવશે અને તે મુજબ જ અરજદારે આધાર કેન્દ્ર પર નિયત દિવસે અને નિયત સમયે પહોંચવું ફરજીયાત રહેશે.

જો તારીખ અને સમય મુજબ અરજદાર હાજર નહીં રહે તો ફરીથી એપોઇન્ટમેન્ટ લેવી પડશે.

આ ઉપરાંત દરરોજ મર્યાદિત સંખ્યામાં જ ટોકન અપાશે અને એક સમયે ૪ થી પ અરજદારોજ સ્થળ પર હાજર રહે તે પ્રકારે જ ટોકન નંબર ફાળવાશે.

આધાર કાર્ડ કઢાવવા આવનાર અરજદારનું મેડિકલ સ્ક્રીનીંગ કરવામાં આવશે અને સંપૂર્ણ સ્વસ્થ અરજદારને જ પ્રવેશ અપાશે. આ માટે થર્મલ ગનથી અરજદારનું ટેમ્પરેચર ત્થા ઓકસી મીટરથી ઓકસીજન લેવલી વગેરેની તપાસણી થશે.

આમ સંપૂર્ણ તકેદારી અને સુરક્ષા સાથે સંભવિત આવતાં અઠવાડીયાથી આધાર કાર્ડની કામગીરી શરૂ થશે. જેનાં ટોકન લેવા માટેનાં ફોન નંબર વગેરેની સતાવાર જાહેરાત ટૂંક સમયમાં થશે.

(2:57 pm IST)