Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

કોરોનાની સારવારમાં ઉપયોગી

'રેમડેસિવિર' ઇન્જેકશનનો રાજકોટમાં પૂરતો સ્ટોક ઉપલબ્ધ

*આજે ૭૦૦ ઇન્જેકશન રાજકોટને આપવામાં આવ્યા * સમગ્ર ગુજરાતમાં જરૂરીયાતમંદ દર્દીઓ માટે 'રેમડેસિવિર' ઉપલબ્ધ હોવાનો તંત્રનો દાવો

રાજકોટ, તા.૨૩: દેશ-વિદેશમાં તથા ગુજરાત-સૌરાષ્ટ્રમાં વૈશ્વિક મહામારી કોરોનાએ હાહાકાર મચાવ્યો છે ત્યારે કોરોનાની સારવારમાં દર્દીઓને અપાતા 'રેમડેસિવિર' ઇન્જેકશન હાલમાં રાજકોટમાં પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ હોવાનું જાણવા મળે છે. કેમીસ્ટ એસોસીએશન રાજકોટના પ્રમુખ મયુરસિંહ જાડેજા તથા મંત્રી અનિમેષભાઇ દેસાઇએ અકિલાને જણાવ્યું હતું કે 'રેમડેસિવિર'ના ૭૦૦ ઇન્જેકશન આજે રાજકોટને આપવામાં આવ્યા છે. જેની સામે હાલમાં ૧૨૦ જેટલા કોરોનાગ્રસ્ત દર્દીઓને 'રેમડેસિવિર'ની જરૂર પડે તેવું લાગી રહ્યું છે. સામાન્ય રીતે એક પેશન્ટને સમયાંતરે 'રેમડેસિવિર' છ ડોઝ આપવામાં આવતા હોય છ.ે  ત્રણેક દિવસ પહેલા પણ રાજકોટને એક હજાર જેટલા 'રેમડેસિવિર' ઇન્જેકશન આપવામાં આવ્યા હોવાનું હોદેદારો જણાવી રહ્યા છે.

દરમ્યાન સમગ્ર ગુજરાતના મેડીકલ ક્ષેત્રમાં રાજયના ફુડ એન્ડ ડ્રગ ડીપાર્ટમેન્ટના નામથી સોશ્યલ મીડિયામાં 'અખબારી યાદી' રૂપે ગઇકાલ રાતથી એક મેસેજ ફરી રહ્યો છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે કોરોનાની સારવાર માટે વપરાશમાં લેવાતા 'રેમડેસિવિર' ઇન્જેકશનનો પૂરતો જથ્થો રાજયમાં ઉપલબ્ધ છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તેમજ કેન્દ્ર સરકારના સંયુકત પ્રયાસોથી ફુડ એન્ડ ડ્રગ ડીપાર્ટમેન્ટ દ્વારા રાજયની તમામ સરકારી તથા કોવિડ હોસ્પિટલોમાં હજારોની સંખ્યામાં 'રેમડેસિવિર' ઇન્જેકશન ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યા છે. જેથી ગભરાટ ન રાખવો, તેવી અપીલ કરવામાં આવી છે.

(4:29 pm IST)