Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

કલેશના ૨૮ કલાક...પરિવારનો માળો ખલ્લાસઃ ચાર-ચાર હત્યા કરી ઇમરાન પઠાણ સળગી મર્યો

રાજકોટના ભગવતીપરામાં રહેતાં ફિરોઝાબેન ૨૧મીએ બપોરે ૧૨ વાગ્યે થોરાળા પોલીસ સ્ટેશન સામે મનહરપરામાં દિકરીના ઘરે ગયા ત્યારે શરૂ થયેલો કલેશ ગઇકાલે ૨૨મીએ બપોરે ૧૨ વાગ્યે વકર્યો અને સાંજે ચાર પછી મહિલા પોલીસ સ્ટેશને મામલો ખતમ થયો પછી ખેલવામાં આવ્યો ખૂની ખેલ : જમાઇ ઇમરાન વિરૂધ્ધ રજૂઆત કરી ફિરોઝાબેન પોતાની દિકરી નાઝીયા, ભાઇ નઝીરભાઇ અને દોહિત્રી અલવીરાને રિક્ષામાં બેસાડી મહિલા પોલીસ સ્ટેશનેથી નીકળ્યા ત્યાં રૂખડીયાના ફાટક પાસે ઇમરાન કાળ બનીને ત્રાટકયોઃ સાસુ-મામાજીને પહેલા ઘા ઝીંકયા, પછી પત્નિ પર તૂટી પડ્યોઃ એક તરફ પત્નિ-મામાજીએ દમ તોડ્યો, બીજી તરફ ઇમરાને ઘરે જઇ પુત્ર ઇકાન (ઉ.૬) અને પુત્રી અલવીરા (ઉ.૪)ને જીવતા સળગાવી પોતે પણ સળગ્યોઃ સાસુ ફિરોઝાબેન સિવાય પાંચેયના મોતઃ હત્યાના બબ્બે ગુના પ્ર.નગર અને થોરાળા પોલીસમાં નોંધાયા : હત્યાની ઘટના બાદ પોલીસની ટુકડીઓ આરોપી ઇમરાનને શોધવા તેના ઘર તરફ દોડી ગઇ ત્યાં જ ઇમરાન તેના બે બાળકો સાથે સળગેલી હાલતમાં હોસ્પિટલમાં પહોંચ્યોઃ એક પછી એક ત્રણેયએ દમ તોડી દીધો : પાંચ મોતથી માતમના માંડવા

ઇમરાને કર્યો પરિવારનો માળો વેરાનઃ કલેશ, ક્રોધની આગમાં ઇમરાન પઠાણે પત્નિ નાઝીયા, મામાજી નાઝીરખાન તથા પોતાના પુત્ર-પુત્રીના જીવ લઇ લીધા અને પોતે પણ સળગીને મરી ગયો હતો. તસ્વીરમાં તેનો એક સમયે ખુશખુશાલ પળમાં દિકરી સાથે લેવાયેલો ફોટો તથા તેની પત્નિ નાઝીયા, મામાજી નાઝીરખાનના મૃતદેહ (ઉપર), નીચે ઇમરાનનો સળગેલો મૃતદેહ તથા તેના પુત્ર-પુત્રીના ભડથું થઇ ગયેલા દેહ જોઇ શકાય છે. સોૈથી નીચેની તસ્વીરમાં ઘટના સ્થળે મામાજી નાઝીરખાનનો મૃતદેહ કઇ રીતે દિવાલના ટેકે પડ્યો હતો તે દ્રશ્ય તથા હોસ્પિટલે અને ઘટના સ્થળે ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ડી. વી. બસીયા, એસીપી પી. કે. દિયોરા, પીઆઇ એલ. એલ. ચાવડા, પીઆઇ વી. કે. ગઢવી, પીઆઇ આર.વાય. રાવલ સહિતનો કાફલો અને સોૈથી છેલ્લે ઘટના સ્થળે નાઝીયા અને તેના મામા નાઝીરખાના મૃતદેહ જે રીતે પડ્યા હતાં તે (રાઉન્ડ કર્યા છે તે) જોઇ શકાય છે : ઘટનાની માહિતી આપી રહેલા ડીસીપી ઝોન-૨ મનોહરસિંહ જાડેજા, એસીપી કે. પી. દિયોરા અને પ્ર.નગર પીઆઇ એલ. એલ. ચાવડા : ઇમરાન પઠાણનું ઘર (ફોટોઃ સંદિપ બગથરીયા) 

રાજકોટ તા. ૨૩: ઘર-પરિવારોમાં કલેશની આગ કેવું ગંભીર અને પરિવારના માળા પીંખી નાંખનારૂ પરિણામ લાવી શકે તેનો પુરાવો આપતી હત્યાની ઘટનામાં ૨૮ કલાકથી વકરેલા કલેશમાં પાંચ-પાંચ જિંદગી ખતમ થઇ જતાં મુસ્લિમ સિપાહી પરિવારનો આખો માળો ખલ્લાસ થઇ ગયો છે. થોરાળા પોલીસ સ્ટેશન સામે મનહરપરામાં રહેતાં ઇમરાન અલ્તાફભાઇ પઠાણે પોતાના વિરૂધ્ધ મહિલા પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરીને નીકળેલા સાસુ, પત્નિ અને મામાજી સસરાની રિક્ષાને રૂખડીયા કોલોનીના ફાટક પાસે આંતરી ખચાખચ છરીના ઘા ઝીંકી દેતાં પત્નિ-મામાજીની લોથ ઢળી ગઇ હતી અને સાસુ હોસ્પિટલના બિછાને પહોંચી ગયા હતાં. ક્રોધ-કલેશની આગ અહિ પણ બુઝાઇ નહોતી...ઇમરાને પછી પોતાની ઘરે જઇ માસુમ દિકરા-દિકરીને આગ ચાંપી દઇ પોતે પણ સળગી ગયો હતો. હોસ્પિટલમાં આ ત્રણેયે પણ રાતથી વહેલી સવાર સુધીમાં દમ તોડી દેતાં કલાકોમાં પાંચ-પાંચ જીવ ખતમ થઇ જતાં માતમના માંડવા ખડા થયા હતાં. ઘટનામાં પ્ર.નગર અને થોરાળા પોલીસે હત્યાના બબ્બે ગુના મારનાર-મરનાર ઇમરાન સામે નોંધ્યા છે.

આ ઘટનામાં થોરાળા પોલીસ સ્ટેશન સામે મનહરપરા-૧૧માં રહેતી નાઝીયા ઇમરાન પઠાણ (ઉ.વ.૨૮), બેડીપરા ફાયર બ્રિગેડ પાસે રહેતાં તેણીના મામા નઝીરખાન અખ્તરખાન પઠાણ (ઉ.વ.૪૭) તથા નાઝીયાની દિકરી અલવીરા (અલુ) (ઉ.વ.૪) અને દિકરો ઇકાન (ઉ.વ.૬) તથા પતિ ઇમરાન અલ્તાફભાઇ પઠાણ (સિપાહી) (ઉ.વ.૩૧) એમ પાંચના મોત થયા છે. ઇમરાને પહેલા સાસુ, પત્નિ, મામાજી સસરાને છરીના ઘા ઝીંકયા તેમાં પત્નિ અને મામાજીના મોત થયા. એ પછી ઇમરાને પોતાની ઘરે જઇ પુત્ર-પુત્રીને સળગાવ્યા અને પોતે પણ સળગી ગયો. સારવારમાં ઇમરાન અને તેના બે બાળકોના પણ મોત થયા. આમ કલાકોમાં જ પરિવારનો માળો પિંખાઇ ગયો હતો.

હોસ્પિટલના બિછાને રહેલા ઇમરાનના સાસુ ભગવતીપરા ભારત પાન પાસે ભરડીયામાં રહેતાં ફિરોઝાબેન નુરમહમદભાઇ પઠાણ (ઉ.વ.૪૫)એ સમગ્ર ઘટનાની વિગતો જણાવતાં કહ્યું હતું કે-હું એકલી રહી નિવૃત જીવન જીવુ છું. મારા પતિ ત્રેવીસ વર્ષ પહેલા ગુજરી ગયા છે. સંતાનમાં બે પુત્રી છે. જેમાં મોટી રિઝવાના અને નાની નાઝીયા છે. બંનેના લગ્ન થઇ ગયા છે. તા.૨૧/૧૦/૨૦ના બપોરે બારેક વાગ્યે હું મારી નાની દિકરી નાઝીયા કે જે ભાવનગર રોડ થોરાળા પોલીસ સ્ટેશન સામે મનહપરા-૧૧માં સાસરે છે તેની ઘરે હું ગઇ હતી. નાઝીયા તેના પતિ ઇમરાન અને બે સંતાન અલવીરા તથા ઇકાન સાથે રહેતી હતી. હું દિકરીના ઘરે રોકાઇ હતી. સાંજના સમયે જમાઇ ઇમરાન ઘરમાંથી બહાર જતાં દિકરી નાઝીયા એકલી હોઇ તેણે મને વાત કરી હતી કે ઇમરાન મને ખુબ જ મારકુટ કરે છે અને માનસિક ત્રાસ આપે છે, જેથી તું મને અહિથી લઇ જા. આ વાત સાંભળી મેં દિકરીને આશ્વાસન આપ્યું હતું કે આવતીકાલે (ગુરૂવારે) હું મહિલા પોલીસ સ્ટેશને જઇ અરજી આપીશ. એ પછી હું સાંજે મારા ઘરે આવી ગઇ હતી.

ત્યારબાદ ગુરૂવારે (૨૨મીએ) બપોરે બારેક વાગ્યે હું મહિલા પોલીસ સ્ટેશને ગઇ હતી અને મારી દિકરી નાઝીયાને તેનો ધણી મારકુટ કરી ત્રાસ આપે છે તેવી રજૂઆત કરતાં પોલીસવાળા બહેને કિદરીના ઘરે જઇ ૧૮૧માં ફોન કરજો એટલે ગાડી આવી જશે તેવી વાત કરતાં હું પોલીસ સ્ટેશનેથી નીકળી બેડીપરા ફાયર બ્રિગેડ પાસે રહેતાં મારા ભાઇ નઝીરખાન અખ્તરખાન પઠાણને મારી સાથે લઇ દિકરી નાઝીયાના ઘરે ગઇ હતી અને ૧૮૧ને ફોન કરતાં પોલીસની ગાડીમાં બે મહિલા પોલીસવાળા આવ્યા હતાં. તેની સાથે દિકરીના ઘરે જતાં મારો જમાઇ ઇમરાન પણ ઘરે હતો. હું, મારો ભાઇ અને દિકરી નાઝીયા મહિલા પોલીસ સ્ટેશને ગયા હતાં.

થોડીવાર પછી મારો જમાઇ ઇમરાન તેના દિકરા અને દિકરીને બાઇકમાં બેસાડીને પોલીસ સ્ટેશને આવ્યો હતો. અહિ ઇમરાન તેની દિકરી અલવીરાને અમારી પાસે મુકી દિકરા ઇકાનને લઇ મારા વકિલને બોલાવીને આવું છું, તેમ કહી નીકળી ગયો હતો. એ પછી ઇમરાનને અમે ફોન કરતાં તેણે 'હું હવે પોલીસ સ્ટેશને આવવાનો નથી, તમે મારી દિકરીને મારા ઘરે મુકી જજો' એમ કહી ફોન કાપી નાંખ્યો હતો.

ફિરોઝાબેને આગળ જણાવ્યું હતું કે, એ પછી સાંજે ચારેક વાગ્યા બાદ હું, મારી દિકરી નાઝીયા અને ભાઇ નાઝીરખાન રિક્ષા ભાડે કરી ભગવતીપરાના મારા ઘરે જવા નીકળ્યા હતાં. નાઝીયાના ખોળામાં તેની દિકરી અલવીરા બેઠી હતી. અમારી રિક્ષા સવા ચાર પછી કોઠી કમ્પાઉન્ડથી સામેના ભાગે રૂખડીયા રેલ્વે ફાટક પાસે પહોંચી ત્યાં મારો જમાઇ ઇમરાન તેના છોકરા ઇકાનને મોટર સાઇકલમાં બેસાડીને આવ્યો હતો અને અમારી રિક્ષા આડે તેનું બાઇક રાખી રિક્ષા ઉભી રખાવી હતી. એ પછી તેણે પેન્ટના નેફામાંથી છરી કાઢી અમારી રિક્ષા પાસે આવી મને અને મારા ભાઇ નાઝીરખાનને બહાર કાઢી ઘા મારવા માંડતાં મને કેડમાં ડાબી બાજુ એક ઘા વાગ્ી ગયો હતો અને લોહી નીકળવા માંડ્યા હતાં. એ પછી મારા ભાઇને પણ ઘા મારતાં તે પણ પડી ગયેલ. ત્યારબાદ ઇમરાને નાઝીયાના ખોળામાં બેઠેલી તેની દિકરી અલવીરાને ખેંચીને રિક્ષાની બહાર કાઢી તેની પત્નિને રિક્ષા અંદર જ ત્રણ ચાર ઘા મારી દીધા હતાં અને બાદમાં તેના દિકરા ઇકાન અને દિકરી અલવીરાને બાઇકમાં બેસાડી ત્યાંથી ભાગી ગયો હતો.

એ પછી કોઇએ ૧૦૮ને ફોન કરતાં અમને ત્રણેયને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જ્યાં મારી દિકરી અને મારા ભાઇ નાઝીરખાનના મોત થઇ ગયાની મને જાણ થઇ હતી. મારી દિકરીને જમાઇ ઇમરાન ત્રાસ આપતો હોઇ હું દિકરીને લઇ મહિલા પોલીસ સ્ટેશનમાં ઇમરાન વિરૂધ્ધ રજૂઆત કરવા ગઇ હોઇ તેનો ખાર રાખી ઇમરાને અમારા પર હુમલો કરી મારી દિકરી-ભાઇની હત્યા કરી હતી અને મને મારી નાંખવાનો પ્રયાસ કર્યો હતો.

પીઆઇ એલ. એલ. ચાવડા, પીએસઆઇ બી. વી. બોરીસાગર, સંજયભાઇ દવે સહિતે ફિરોઝાબેનના ઉપરોકત કથન મુજબ ઇમરાન સામે આઇપીસી ૩૦૨, ૩૦૭, ૧૩૫ મુજબ ગુનો નોંધ્યો હતો અને ડી. સ્ટાફને એક ટીમ આરોપી ઇમરાનને શોધવા નીકળી પડી હતી. ત્યાં જ ઇમરાન  અલ્તાફભાઇ પઠાણ (ઉ.વ.૩૧) તથા તેનો દિકરો ઇકાન (ઉ.વ.૬) અને દિકરી અલવીરા (અલ્લુ) (ઉ.વ.૪) ગંભીર રીતે દાઝેલી હાલતમાં સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા હતાં. અહિ ઇમરાને પોતે જ બાળકોને સળગાવ્યા પછી પોતે સળગી ગયાનું કહ્યું હતું.

ઇમરાન સામે થોરાળા પોલીસે બીજો ગુનો નોંધ્યો

આ ઘટનામાં થોરાળા પીઆઇ જી. એમ. હડીયા, અજીતભાઇ ડાભી અને કેલ્વીનભાઇ સાગર સહિતે ઇમરાન વિરૂધ્ધ તેના બનેવી નવા થોરાળા રામનગર-૨માં રહેતાં ટ્રક ડ્રાઇવર અયુબભાઇ ઇબ્રાહીમભાઇ પઠાણ (ઉ.વ.૩૮)ની ફરિયાદ પરથી આઇપીસી ૩૦૭ મુજબ બે બાળકોને સળગાવી હત્યાનો પ્રયાસ કરવાનો ગુનો નોંધ્યો હતો. બાળકોના મોત થતાં કલમ ૩૦૨નો ઉમેરો કરાયો હતો.

અયુબભાઇ પઠાણે પોલીસને જણાવ્યું હતું કે મારા સસરા અલ્તાફભાઇ અને સાસુ જેતુનબેન ગુજરી ગયા છે. મારે બે સાળા અને એક સાળી છે. મારી સાળી યાસ્મીન હબીબ સદરમાં રહે છે અને સાળો ઇમરાન ચુનારાવાડ ચોક પાસે મનહરપરા-૧૧માં રહ છે. બીજો સાળો બશીરભાઇ ચાર વર્ષ પહેલા ગુજરી ગયો હતો. ગુરૂવારે સાંજે  સાડા ચારેક વાગ્યે મારા સાળા ઇમરાનની બાજુમાં રહેતાં મારા મામાજીના દિકરા ચાંદ કેસરભાઇએ ફોન કરી મને જાણ કરી હતી કે ઇમરાન અને તેનો દિકરો ઇકાન તથા દિકરી અલવીરા દાઝી ગયા છે. આથી હું તાત્કાલીક ત્યાં ગયો હતો અને ત્રણેયને હોસ્પિટલમાં ખસેડ્યા હતાં. અહિ બાળકો ઇકાન અને અલવીરાને પુછતાં આ બંનેએ કહ્યું હતું કે અમને પપ્પાએ સળગાવ્યા છે. એ પછી મેં સાળા ઇમરાનને પુછતાં તેણે કહેલું કે-મારે જીવવું નહોતું, મારા પછી મારા છોકરાઓને કોણ સાચવે? એથી મેં તેને ઘરમાં જાતે સળગાવ્યા છે અને હું પણ મરી જવા જાતે સળગ્યો છું. તેવી વાત કરી હતી.

એ દરમિયાન મને ખબર પડી હતી કે ઇમરાન અને તેની પત્નિ નાઝીયા વચ્ચે ઘરકંકાસ ચાલતો હોઇ જેથી ઇમરાને તેની પત્નિ નાઝીયા, સાસુ ફિરોઝાબેન અને મામાજી નઝીરભાઇ પર હુમલો કર્યો છે અને તેમાં તેની પત્નિ અને મામાજીના મોત થયા છે. ઇમરાન અને નાઝીયા વચ્ચે અવાર-નવાર કજીયા થતાં હોઇ તેના કારણે આ ઘટના બની હોવાનું મને જાણવા મળ્યુ઼ હતું. તેમ અયુબભાઇએ જણાવતાં પોલીસે ઇમરાન વિરૂધ્ધ હત્યાની કોશિષનો ગુનો નોંધ્યો હતો. તેનું અને બાળકોનું સારવાર દરમિયાન મોત નિપજતાં આ ગુનામાં કલમ ૩૦૨નો ઉમેરો થતાં ઇમરાને સામે હત્યાનો બીજો ગુનો નોંધાયો હતો. જો કે સારવાર દરમિયાન પહેલા દિકરી અલવીરા રાતે દસ આસપાસ, પછી ઇમરાન પોતે રાતે બાર આસપાસ અને એ પછી દિકરો ઇકાન વહેલી સવારે પોણા પાંચે મોતને ભેટ્યા હતાં. આમ કલાકોમાં પાંચ પાંચ જીવ ખત્મ થઇ ગયા હતાં અને પરિવારોમાં માતમ છવાયો હતો.

આમ તો નાઝીયા અને ઇમરાન વચ્ચેનો કલેશ છેલ્લા કેટલાક વર્ષોથી સતત ચાલતો હતો. પરંતુ અઠ્યાવીશ કલાક એટલે કે બુધવાર બપોરના ૧૨થી ગુરૂવાર બપોરના ૧૨ સુધી અને બાદમાં સાંજના ચાર સુધીના ગાળામાં આ કલેશ વધુ વકર્યો હતો અને હર્યોભર્યો પરિવારનો આખો માળો ખતમ થઇ ગયો હતો.

ડીસીપી મનોહરસિંહ જાડેજા, ડીસીપી પ્રવિણકુમાર મીણા, એસીપી પી. કે. દિયોરા, એસીપી એચ. એલ. રાઠોડની રાહબરીમાં પીઆઇ એલ. એલ. ચાવડા, પીઆઇ જી.એમ. હડીયા, પીએસઆઇ બોરીસાગર, પીએસઆઇ પટેલ, એએસઆઇ સંજયભાઇ દવે, એએસઆઇ અજીતભાઇ ડાભી, કેલ્વીનભાઇ સાગર, દેવશીભાઇ ખાંભલા સહિતે જરૂરી કાર્યવાહી કરી હતી.

માસુમ દિકરા-દિકરીની નજર સામે જ ઇમરાને ખૂની ખેલ ખેલ્યો

દિકરીને પત્નિ નાઝીયાના ખોળામાંથી ખેંચી લઇ બાદમાં રિક્ષા અંદર જ નાઝીયાને ઘા ઝીંકયા

. ઇમરાન એવો ક્રોધે ભરાયો હતો કે તેણે પત્નિ, સાસુ, મામાજીની રિક્ષાને બાઇકથી આંતરી ત્યારે આગળ તેનો દિકરો ઇકાન પણ બેઠો હતો. પહેલા સાસુ, મામાજીને છરીના ઘા ઝીંકયા પછી રિક્ષામાં પત્નિ નાઝીયાના ખોળામાં બેઠેલી દિકરી અલવીરાને ખેંચીને બહાર કાઢી લીધા બાદ નાઝીયાને રિક્ષા અંદર જ ત્રણ ચાર ઘા મારી દીધા હતાં. પછી દિકરા-દિકરીને લઇને ભાગી ગયો હતો.

ઇકાન-અલવીરાએ કહ્યું અમને પપ્પાએ સળગાવ્યાઃ ઇમરાને કહ્યું-મારા પછી આ બેયનું કોણ? એટલે મેં જ સળગાવ્યા

. ઇમરાન અને તેના પુત્ર ઇકાન તથા અલવીરાને સિવિલ હોસ્પિટલે બર્ન્સ વોર્ડમાં દાખલ કરાયા ત્યારે માસુમ સંતાનોને શું થયું? તે અંગે પુછાતાં બંનેએ કહ્યું હતું કે-અમને પપ્પાએ સળગાવી દીધા છે. એ પછી ઇમરાને પણ કબુલ્યું હતું કે-મારે જીવવું નહોતું, મારા પછી આ બાળકોનું કોણ? એટલે એને મારી નાંખવા મેં જ સળગાવી દીધા છે.

ઇમરાન મહિલા પોલીસ સ્ટેશનમાંથી નીકળ્યો ન હોત તો કદાચ હત્યાકાંડ સર્જાયો ન હોત

. ફિરોઝાબેન પોતાની દિકરી, ભાઇ સાથે મહિલા પોલીસ સ્ટેશને પહોંચ્યા એ પછી ઇમરાન પોતે પણ દિકરી-દિકરાને લઇને ત્યાં પહોંચ્યો હતો.  અહિ દિકરીને મુકીને દિકરાને સાથે લઇને હમણા વકિલને બોલાવીને આવું કહીને મહિલા પોલીસ સ્ટેશનેથી નીકળી ગયો હતો.  પછી તેને પોલીસ સ્ટેશને આવવા માટે ફોન કરાતાં તેણે  'હવે હું નહિ આવું મારી દિકરી અલવીરાને મારા ઘરે મુકી જજો' કહી ફોન કાપી નાંખ્યો હતો. એ પછી ફિરોઝાબેન, દિકરી નાઝીયા, ભાઇ નાઝીરખાન રિક્ષા બાંધી ઘરે જવા નીકળ્યા ત્યારે રસ્તામાં જ કાળઝાળ થઇ ઇમરાન તૂટી પડ્યો હતો. જો તે પોલીસ સ્ટેશનેથી નીકળ્યો ન હોત તો કદાચ હત્યાકાંડ સર્જાયો ન હોત.

જમાઇ મારી દિકરી પર સતત ખોટી શંકા કરી હેરાન કરતો'તોઃ પરમ દિ' દિકરીએ મને કહેલું કે-મા મને અહિથી લઇ જાવ નહિતર ઇમરાન મને મારી નાંખશે કાં હું મરી જઇશઃ ફિરોઝાબેન

. હોસ્પિટલના બિછાનેથી ફિરોઝાબેન પઠાણે કહ્યું હતું કે-પરમ દિવસે હું દિકરી નાઝીયાની ઘરે ગઇ ત્યારે જ તેણે કહ્યું હતું કે ઇમરાન મારા ચારિત્ર્ય પર શંકા કરી મને ખુબ ત્રાસ આપે છે, તમે મને અહિથી લઇ જાવ નહિતર એ મને મારી નાંખશે કાં હું મરી જઇશ. એ પછી ગુરૂવારે બપોર બાદ અમે મહિલા પોલીસ સ્ટેશને ગયા હતાં અને ત્યાંથી નીકળ્યા બાદ ઇમરાને અમારી રિક્ષા આંતરી છરીના ઘા ઝીંકયા હતાં. ઇમરાન અને દોહિત્ર-દોહીત્ર પણ હયાત નહિ રહ્યાની વાતથી સવારે ફિરોઝાબેનને અજાણ રખાયા હતાં.

સારવારમાં રહેલા ફિરોઝાબેન જમાઇ, દોહિત્ર-દોહિત્રી પણ મોતને ભેટ્યાની વાતથી અજાણ

દિકરી, ભાઇ અને દોહિત્ર-દોહિત્રી ગુમાવનારા ફિરોઝાબેન નુરમહમદભાઇ પઠાણ સારવાર હેઠળ છે. એમને આજ સવાર સુધી એ નહોતી ખબર કે ખૂની ખેલ ખેલનારો જમાઇ ઇમરાન પણ મોતને ભેટ્યો છે અને દોહિત્ર-દોહિત્ર પણ હયાત રહ્યા નથી. કલાકોમાં પાંચ-પાંચ સ્વજન ખોઇ બેઠેલા ફિરોઝાબેનને જમાઇ ઇમરાને કમરના ભાગે છરી ઝીંકી હતી.

ભાણેજ સાથે હત્યાનો ભોગ બનેલા નાઝીરભાઇ કારખાનામાં કામ કરતાં હતાં: બે પુત્રોએ પિતાનું છત્ર ગુમાવ્યું

ભાણેજ નાઝીયા સાથે હત્યાનો ભોગ બનેલા મામા નાઝીરખાન અખ્તરખાન પઠાણ બે બહેન અને ત્રણ ભાઇમાં ત્રીજા હતાં અને સાડીના કારખાનામાં કામ કરતાં હતાં. તેને સંતાનમાં બે પુત્ર છે. આ બંનેએ પિતાની છત્રછાંયા ગુમાવી છે.

ઇમરાનના મોટા ભાઇએ પણ આત્મહત્યા કરી હતીઃ  ફિરોઝાબેને જમાઇ ઇમરાન વિરૂધ્ધ દસેક વખત અરજીઓ કરી હતી

હત્યા નિપજાવી પોતે આપઘાત કરી લેનાર ઇમરાન બે ભાઇ અને એક બહેનમાં નાનો હતો અને રિક્ષા હંકારી ગુજરાન ચલાવતો હતો. ઇમરાનના મોટા ભાઇ બશીરભાઇએ પણ ચારેક વર્ષ પહેલા સળગીને આત્મહત્યા કરી લીધી હતી. ઇમરાનના માતા-પિતા પણ હયાત નથી. એક તબક્કે ઇમરાને પણ સાસુ અને પત્નિના ચારિત્ર્ય વિશે આક્ષેપો કર્યા હતાં. તેમજ સાસુ ફિરોઝાબેનની સતત ચઢામણી હોવાનું પણ રટણ કર્યુ હતું. જો કે પોલીસ સમક્ષ આવી વિગતો જણાવી નહોતી. બીજી તરફ ફિરોઝાબેને હોસ્પિટલના બિછાનેથી કહ્યું હતું કે-દિકરી નાઝીયાને ઘણા વર્ષથી જમાઇ ઇમરાન ખોટી શંકા કરી ત્રાસ આપતો હતો અને એ કારણે મેં દસેક વખત પોલીસમાં અરજીઓ કરી હતી.

ચાર-ચાર હત્યા કરી આપઘાત કરનાર ઇમરાન ફેબ્રુઆરીમાં વેશ્યાવૃતિના ગુનામાં પકડાયો'તો

સહદેવ ગોસ્વામી અને તેની પત્નિ તનુજા સહિત ૪ વિરૂધ્ધ થોરાળા પોલીસે કાર્યવાહી કરી હતી

ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી પી. કે. દિયોરા અને પીઆઇ એલ. એલ. ચાવડાએ બનાવની વિગતો આપતાં જણાવ્યું હતું કે ચાર ચાર હત્યા કરી આત્મહત્યા કરી લેનારા ઇમરાન અલ્તાફભાઇ પઠાણ વિરૂધ્ધ તા.૨૬/૦૨/૨૦૨૦ના રોજ થોરાળા પોલીસ સ્ટેશનમાં ઇમ્મોરલ ટ્રાફિક પ્રિવેન્શન એકટની કલમ ૩, ૪, ૫ મુજબ વેશ્યાવૃતિ કરાવવાનો ગુનો નોંધાયો હતો. પોલીસે તે વખતે ભાવનગર રોડ લાખાજીરાજ ઉદ્યોગનગરના સહદેવ ઉર્ફ શૈલેષ હરિભાઇ ગોસ્વામી, તેની પત્નિ તનુજા સહદેવ ગોસ્વામી, ઇમરાન અલ્તાફભાઇ પઠાણ અને બ્રિજેશ શ્રીમથુરાપ્રસાદ પાલ વિરૂધ્ધ ગુનો નોંધ્યો હતો. સહદેવ અને તેની પત્નિ   બહારની ચાર યુવતિઓને રૂમમાં રાખી તેની પાસે લોહીનો વેપલો કરાવતાં હતાં. જ્યારે ઇમરાન દલાલ તરીકે કામ કરતો હતો. પોલીસે દરોડો પાડ્યો ત્યારે ઇમરાનના ખિસ્સામાંથી રૂ. ૭૫૦ મળ્યા હતાં. જે શરીર સુખ માટે આવેલા ગ્રાહકો પાસેથી મેળવ્યાનું તેણે તે વખતે કબુલ્યું હતું. દરોડામાં પકડાયેલો બ્રિજેશ ગ્રાહક તરીકે આવ્યો હતો. પોલીસે એક સ્કોપિર્યો ગાડી, રોકડા મળી કુલ રૂ. ૧૦,૦૦,૭૫૦નો મુદ્દામાલ ત્યારે કબ્જે કર્યો હતો. પીએસઆઇ પી. ડી. જાદવે એ ગુનાની તપાસ પીઆઇ જી. એમ. હડીયાની રાહબરીમાં કરી હતી.

(3:13 pm IST)