Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

યોગીધામના ત્યાગવલ્લભ સ્વામિનો પ્રેરક સંદેશો

આપણી સમજણ અને સકારત્મક દ્રષ્ટીકોણ જ કોરોનાને હરાવવાનો શ્રેષ્ઠ અને કારગત ઉપાય

રાજકોટ,તા. ૨૩: કોરોના મહામારીના સમયમાં લોકોમાંથી કોરોનાનો ભય દૂર થાય તે માટે રાજકોટ યોગીધામના ત્યાગવલ્લભ સ્વામી તેમનો પ્રેરક સંદેશ આપતા કહે છે કે, આજના આ મહામારીના સમયમાં આપણી સમજણ અને સકારાત્મક દ્રષ્ટીકોણ જ કોરોનાને હરાવવાનો શ્રેષ્ઠ અને કારગત ઉપાય છે.

અત્યારના સમયમાં કોરોના કરતાં પણ વધુ ભયજનક છે કોરોનાનો ભય. હાલમાં સોશ્યલ મિડીયામાં કોરોનાની માહિતી અને તેના ઉપચાર અંગે ઘણાબધા સમાચારો ફરતા રહે છે. તે પોતાના માટે જ છે તેવું સ્વીકારીને ચાલતાં લોકો આ ભયનો વિશેષ કરીને ભોગ બનતા હોય છે.

આપણી આસપાસમાં કોઈને પણ વાયરસની અસર થઈ છે તો એવું જરૂરી નથી કે દરેક વ્યકિત તેનો ભોગ બને. જે સમજણપૂર્વકની સાવધાની રાખે છે, તેને કોઈ જ ચિંતા કરવાની જરૂર નથી. એવા ઘણા તબીબો કે પેરામેડીકલ સ્ટાફ છે જેઓ સતત કોરોના પ્રભાવિત લોકો વચ્ચે ઘણા મહિનાઓથી સેવા કરે છે, પણ કોરોનાની અસર તેમને થઈ શકી નથી.

જે લોકોની રોગપ્રતિકારક શકિત સારી છે. સાફ - સફાઈનું જેઓ ધ્યાન રાખે છે, માસ્ક પહેરે છે, અનિવાર્ય કાર્ય સિવાય બહાર જવાનું ટાળે છે, નિયમિત નાસ લે છે, ગરમ પાણી પીવાની ટેવ રાખે છે, વ્યસનોથી દૂર રહે છે, અને યોગાભ્યાસ કરે છે. તેવા લોકો આ મહામારીથી અવશ્યપણે બચી જાય છે.

અત્યારે સોશ્યલ મિડીયામાં કોરોના અંગેના સાચા - ખોટા સમાચારો ઉપરાંત તેના ઉપચારો અંગેના અનેક કલીપીંગ્સ વાયરલ થતાં હોય છે. દરેક ઉપચાર ફાયદો કરે તેવું નથી હોતું. કયારેક નૂકશાન પણ કરી શકે છે. અણસમજણમાં આવા ઉપચારો પરનો વિશ્વાસ આફત ન નોતરે તેનું પણ આપણે સૌએ ધ્યાન રાખવાનું છે.

ખાસ યાદ રાખવા જેવી બાબત તો એ છે કે, તહેવારો તો દર વર્ષે આવે છે. આ વર્ષે ઘરમાં જ રહીને પરિવાર સાથે તહેવારોની ઉજવણી કરીશું તો આવતા વર્ષે પુનઃઉત્સાહપુર્વક સૌની સાથે હળી મળીને ઉત્સવની ઉજવણી કરવાની તક આપણને સૌને મળશે. આપણી સમજણ અને સકારાત્મક દ્રષ્ટીકોણ જ કોરોનાને હરાવવાનો સૌથી શ્રેષ્ઠ અને કારગત ઉપાય છે. આપણે અભય થઈને કોરોનાને મ્હાત આપીએ. કોરોનાને હરાવવાની સમજ સૌને પ્રભુ આપે અને વિશેષ કરીને મારા વ્હાલા રાજકોટવાસીઓને આપે તેવી પ્રાર્થના સાથે આપણે સૌ સંકલ્પ કરીએ કે, 'હારશે કોરોના, જીતશે રાજકોટ'.

(1:18 pm IST)