Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

કોરોના મૃતકોના સ્વજનોને સંભાળવાની કામગીરી પિડાજનકઃ ડો. રાજ મિશ્રા

રાજકોટ : કોરોનાના ગંભીર દર્દીઓના મૃત્યુ બાદ સૌથી કપરી કામગીરી તેમના પરિવારજનને તેમનું સ્વજન હવે નથી રહ્યું તે જણાવવાની છે. કમનસીબે આ વેદનાયુકત કામ મારે ભાગે આવ્યું, જે મારા જીવનની સૌથી પીડાજનક બાબત બની રહી છે. તેમ ફોરેન્સિક વિભાગના સહાયક પ્રોફેસર ડો. રાજ મિશ્રા કહે છે.

રાજકોટ સિવિલમાં કોવીડ વિભાગમાં દર્દીના મૃતદેહ મેનેજમેન્ટની કપરી કામગીરી વિષે વાત કરતાં તેઓ જણાવે છે કે, સૌથી પહેલા મૃતકના પરિવારજનને ફોન કરી પરિસ્થિતિની જાણ કરીએ ત્યારે જ અનેક પ્રશ્નોનો સામનો કરવો પડે છે.

પરંતુ ડેડબોડીની પોસ્ટ કામગીરી ચોક્કસ સમયમાં પૂર્ણ કરવાની હોઈ અમે તેમને ખુબ જ ધૈર્યપૂર્વક સાંભળી સત્ય હકીકત જણાવીએ છીએ.

ડો. રાજનો પરિવાર જામનગર ખાતે રહે છે. કોરોના સમયમાં જ હજુ ૧૫ મી ઓગસ્ટના ડો. રાજના લગ્ન થયા. પરંતુ કોરોના વિભાગની ડ્યુટીને ધ્યાને લઈ ડો. રાજ લગ્ન બાદ તુરત જ તેમની ફરજ પર હાજર થઈ ગયા. કોરોનાની કપરી ફરજના કારણે તેઓ હજુ સુધી ઘર-પરિવારને મળવા પણ જઈ શકયા નથી. લગ્ન જીવનની ગાડી શરુ થાય તે પહેલા જ કોરોનાના દર્દીઓની સારવાર કરતા - કરતાં તેઓ પણ કોરોના સંક્રમિત થયા, અને જયાં તેઓ દર્દીઓની સારવાર કરતા ત્યાં ખુદ પોતે જ દર્દી બની સારવાર મેળવી. કોરોના મુકત બન્યા બાદ હોમ આઇસોલેશનમાં રહ્યા.

છેલ્લા બે માસ દરમ્યાન સિવિલ તેમજ સમરસ ખાતે દર્દીઓની સારવાર કરીને હાલમાં પોસ્ટમોર્ટમ વિભાગમાં ફરજ બજાવી રહેલા ડો. મિશ્રા કહે છે કે, કોરોના મહામારીમાં ફ્રન્ટલાઈન પર આરોગ્યકર્મીઓ પી.પી.ઈ. કીટ ભેખ ધારણ કરી કોરોનાના દર્દીઓની સારવારની કપરી કામગીરી નિભાવી રહ્યા છે.

(1:20 pm IST)