Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

વિજયા દશમીએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો સ્થાપનાદિન

૧૯૨૫ માં નાગપુરમાં શરૂ થયેલ સંઘ આજે દેશના ૯૫ % જિલ્લામાં કામ કરે છે : ૩૭૧૯૦ સ્થાનો પર લાગે છે નિત્ય શાખા : ૧.૫૦ લાખ સ્વયંસેવકો કાર્યરત

રાજકોટ : આજે પુરા વિશ્વમાં આર.એસ.એસ.ને જાણવા લોકો ઇચ્છા દર્શાવી રહ્યા છે. રાષ્ટ્રના કોઇપણ પ્રશ્નમાં વિકટ પરિસ્થિતિમાં પણ સંઘ આગળ વધતો જાય છે. આજકાલ ઇન્ટરનેટના યુગમાં આંગળીના ટેરવે યુવાનો નેટ દ્વારા સંઘને જાણી રહ્યા છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના ૧૯૨૫ માં વિજયા દશમીના દિવસે નાગપુરમાં મોહીતેવાડ મેદાન ખાતે થયેલ. આજે પુરા ભારતના ૯૫% જિલ્લાઓમાં સંઘનું કામ ચાલુ છે. દેશમાં ૩૭,૧૯૦ સ્થાનો ઉપર ૫૮,૯૬૭ નિત્ય શાખા, ૧૬,૪૦૫ સાપ્તાહિક મિલન અને ૭,૯૭૬ સંઘ મડળી કાર્યરત છે. આમ કુલ ૮૩,૩૪૮ સ્થાનો પર સંઘની ગતિવિધી ચાલે છે. શાખા દ્વારા સંઘના ૧.૫૦ લાખ સ્વયંસેવકો સેવાકાર્યોમાં લાગેલા છે. ગમે તેવી આફતોમાં સંઘનું કાર્ય નિરંતર આગળ વધી રહ્યુ છે.

સંઘના પ્રથમ સ્થાપક ડો. કેશવરાવ બલીરામ હેડગેવાર છે. ડો. હેડગેવારજીએ પથ્થરોમાં પ્રાણ પુરવાનું કાર્ય કરેલ. માટીમાંથી મર્દો પેદા કર્યા. રાષ્ટ્રના ઉત્થાન માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું અનુપમ સંગઠન ઉભુ કર્યુ. ૧૯૨૫ માં વિજયા દશમીના દિવસે નાગપુરમાં અનેક વિરોધ - અવરોધોને પાર કરીને સંઘને બીજમાંથી વટવૃક્ષ સમાન વિસ્તાર્યો. હજારો સ્વયંસેવકોની ફોજ દેશ સેવા માટે ઉભી કરીને તપસ્વી ડો. હેડગેવારજી માતૃભુમિની પ્રાર્થના કરતા ગયા અને અનેકને જોડતા ગયા.

દ્વીતીય સરસંઘચાલકજી પૂ. માધવરાવ સદાશિવરાવ ગોલવલકર (ગુરૂજી) ના જીવનકાળમાં દૈનિક શાખાઓ શરૂ થઇ. તેઓ નાગપુર બનારસ હિન્દુ વિશ્વ વિદ્યાલયમાં બે વર્ષ અધ્યાપક કાર્ય કરી વિદ્યાર્થી પ્રિય બન્યા હતા. વિદ્યાર્થીઓ તેમને લાડથી 'ગુરૂજી' કહેતા. આ હુલામણુ નામ પછી સૌના હોઠે અને હૈયે ચડી ગયુ. તેમણે ૩૩ વર્ષના પ્રદીર્ઘ કાલખંડમાં બે વખત સંપૂર્ણ દેશનો પ્રવાસ ખેડેલો. સ્વહસ્તે હજારો પત્રો લખ્યા. હજારો લોકોનો વ્યકિતગત સંપર્ક કર્યો અને દેશભરના હજારો કાર્યકર્તા પરિવારોના આદરણીય સભ્ય બની રહ્યા.

સંઘના તૃતીય સરસંઘચાલક શ્રી પૂ. મધુકર દતાત્રેય દેવરસ (બાળા સાહેબ દેવરસ) ના સમયમાં ત્રીજો ભાગ શરૂ થયો ત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘએ સાબિત કર્યુ કે રાષ્ટ્ર ઉપર આવેલ લોકતાંત્રિક અથવા ભૌગોલિક સંકટોના સમયે એકસાથે મળીને દેશ અને સમાજની રક્ષા માટે પોતાની મહત્વપૂર્ણ ભુમિકા ભજવી શકે છે. કટોકટી વિરૂધ્ધનો સફળ સંઘર્ષ અને પ્રાકૃતિક મુશ્કેલીઓના સમયે સમાજે સેવાના માધ્યમથી આ સિધ્ધ થયેલ. વિશ્વના આમ સંઘના 'મૈ નહીં તુ' ના આદર્શ સંસ્કારોની પ્રેરણા આખા વિશ્વને આપી.

ચતુર્થ સરસંઘચાલક પ્રો. રાજેન્દ્રસિંહ જેઓને ગામના વડીલો, વૃધ્ધો અને સગાસંબંધીઓ રજજુ તરીકે સંબોધતા અને સંઘમાં રજ્જુભૈયા નામે લોકપ્રિય થયા. અલ્હાબાદ વિશ્વ વિદ્યાલયમાં ભૌતિકશાસ્ત્રના પ્રોફેસર અને પરમાણુ  ભૌતિકીના સુવિખ્યાત વિદ્વાન હતા. અત્યંત કઠીન પરિસ્થિતીમાં પણ શાંત અને સૌમ્ય અને સંતુલનનો ઋષિતુલ્ય વ્યવહાર તેમની વિશિષ્ટતા હતી.

પાંચમાં સરસંઘચાલક કુ.સી. સુદર્શનજીનો જન્મ મધ્યપ્રદેશના રાયપુર શહેરમાં થયેલો. નાનપણથી જ મેઘાવી હતા. શૈક્ષણિક ક્ષેત્રે ટેલી કોમ્યુનિકેશનમાં એન્જીનીયરીંગની પદવી મેળવી હતી. ભર યુવા વયે ૧૯૫૪ માં ૨૩ વર્ષની ઉંમરે સંઘના પ્રચારક તરીકે નીકળી પડયા હતા. સુદર્શનજી સંઘ કાર્યના વિસ્તાર માટે સતત પ્રવાસો કરતા રહ્યા.

છઠ્ઠા સરસંઘચાલક મોહનભાગવતજીનો જન્મ મહારાષ્ટ્રના વિદર્ભના ચંદ્રપૂર ગામે થયો હતો. તેમના પિતા મધુકરરાવજી ભાગવત ૧૯૪૪ થી ૧૯૫૧ સુધી ગુજરાતમાં સંઘના પ્રાંત પ્રચારક હતા. તેમની મિષ્ટવાણી અને મિષ્ટ વ્યવહારે આ છ વર્ષના ગાળામાં ગુજરાતમાં લગભગ ૧૧૫ ગામોમાં સંઘ કાર્યની શાખાઓની જાળ પાથરી દીધી હતી. તેઓએ પંજારાવ કૃષિ વિદ્યાપીઠમાંથી વેટરનરી ડોકટરની ઉપાધી મેળવી હતી. ઘરમાં સંઘનું જ વાતાવરણ બહેતુ. માતાજી પણ રાષ્ટ્રસેવિકા સમિતિનું કામ કરતા. આમ શીશુવયથી જ મોહનજી સંઘમાં ઓતપ્રોત બન્યા હતા. વર્ષ ૧૯૭૫ માં સંઘના પ્રચારક તરીકે તેઓ નિકળી પડેલા. ૨૦૦૯ સુધી તેમણે અખિલ ભારતીય સરકાર્યવાહની જવાદારી નિભાવેલ.

આમ ૧૯૨૫ થી ૨૦૨૦ સુધીમાં સંઘે વિવિધ ક્ષેત્રમાં સંઘના સ્વયંસેવક દ્વારા અભૂતપૂર્વ કામ શરૂ કરેલ છે. જેવી કે રાજકીય ક્ષેત્રે ભારતીય જનતા પક્ષ, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ, વિદ્યાભારતી ઇતિહાસ સંકલન સમિતિ, નેશનલ મેડીકલ ઓર્ગેનાઇઝર, પંડીત દિનદયાલ પરિષદ, રાષ્ટ્રીય સેવીકા સમિતિ, સંસ્કાર ભારતી, પૂર્વ સૈનિક સેવા પરિષદ, ભારતીય વિચાર મંચ, અખિલ ભારતિય સાહિત્ય પરિષદ, સહકાર ભારતી, વનવાસી કલ્યાણ પરિષદ, ભારતીય કિશાન સંઘ, રાષ્ટ્રીય શીખ સંગત, ભારતીય શિક્ષણ મંડળ, ભારતીય મજદુર સંઘ, ભારતીય અધિવકતા પરિષદ, લઘુઉદ્યોગ ભારતી, સંસ્કૃત ભારતી જેવા પરિવાર ક્ષેત્રોમાં નવા નવા લોકોને જોડી દેશભકિતના સંસ્કારમાં પ્રવૃત્તમય કરવાનું કાર્ય કરેલ છે. આજે વિશ્વને પોતાની તાકાતનો પરચો દેખાડી દીધો છે.

વર્તમાન સંજોગોમાં પણ પુરા વિશ્વમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો છે. ત્યારે સંઘના સ્વયંસેવકોએ વિવિધ સેવા કાર્યો સંભાળી લઇ અદ્દભૂત કુનેહ બતાવી છે. તમામ કાર્યમાં સંઘના સ્વયંસેવકો રાષ્ટ્રભાવ વ્યકત કરી રહ્યા છે.

- જયેશ સંઘાણી, મો.૯૪૨૮૨ ૦૦૫૨૦

(3:10 pm IST)