Gujarati News

Gujarati News

News of Monday, 23rd November 2020

બંગાળની ખાડીની સિસ્ટમ્સ મજબૂત બનશે : કાલ સુધીમાં વાવાઝોડુ બનશે

આવતીકાલ સુધી ઠંડીની અસર : બુધવારથી ઓછી થશે : વેધરએનાલીસ્ટ અશોકભાઈ પટેલનો નિર્દેશ : આ વાવાઝોડાનું નામ હશે 'નિવાર' : શ્રીલંકા, તામિલનાડુમાં મુખ્ય વરસાદ પડશે : તા.૨૬,૨૭ મહારાષ્ટ્રમાં પણ વરસાદ ખાબકશે

રાજકોટ, તા. ૨૩ : વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે 'અકિલા' સાથેની વાતચીતમાં જણાવ્યુ છે કે દક્ષિણ બંગાળની ખાડીવાળી સિસ્ટમ્સ વધુ મજબૂત બનશે અને આવતીકાલ ૨૪મી નવેમ્બર સુધીમાં વાવાઝોડામાં પરિવર્તિત થશે. વાવાઝોડુ બનશે ત્યારે તેનું નામ 'નિવાર' રાખવામાં આવશે. આ વાવાઝોડુ તામિલનાડુ તરફ ગતિ કરે છે. આ વાવાઝોડાની અસરથી શ્રીલંકા અને તામિલનાડુમાં વરસાદી માહોલ જોવા મળશે. જેમાં મુખ્યત્વે તા.૨૪-૨૫ મુખ્ય વરસાદ પડશે. આ સિસ્ટમ્સની અસર તા.૨૬, ૨૭ના મહારાષ્ટ્ર ઉપર પણ જોવા મળશે.

સૌરાષ્ટ્ર - કચ્છ - ગુજરાત અંગે અશોકભાઈ પટેલ કહે છે કે સૌરાષ્ટ્ર - ગુજરાતમાં આવતીકાલ સુધી ઠંડીની અસર જોવા મળશે. ત્યારબાદ ન્યુનતમ તાપમાન થોડુ ઉંચકાશે. તા.૨૩ થી ૩૦ નવેમ્બર દરમિયાન ન્યુનતમ તાપમાન નોર્મલ નજીક એટલે કે ૧૫ થી ૧૯ ડીગ્રી વચ્ચે જોવા મળશે. જેમાં તા.૨૮ થી ૩૦ નવેમ્બર દરમિયાન ન્યુનતમ તાપમાન નોર્મલથી નીચુ જોવા મળશે.

દક્ષિણ પશ્ચિમ અરબી સમુદ્રમાં ગતિ નામનું વાવાઝોડુ ગઈકાલે સોમાલીયા નજીક હતું. તે સોમાલીયા ઉપર ત્રાટકયુ અને નબળુ પડ્યુ. ભારતથી તે ઘણુ દૂર હોવાથી ભારતને કોઈ અસર કરશે નહિં તેમ છતાં વાવાઝોડુ હોય ત્યારે બંદરો ઉપર સીગ્નલો રાખવામાં આવતા હોય છે.

દક્ષિણ બંગાળની ખાડીમાં હાલ એક સિસ્ટમ્સ છે. જે આજે બપોરે ૧ વાગ્યે ૯.૮ ડિગ્રી નોર્થ, ૮૩.૮ ઈસ્ટ ઉપર કેન્દ્રીત હતું. પવનની ઝડપ ૫૦ થી ૬૦ કિ.મી.ની હતી. ઝાટકાના પવન ૭૦ કિ.મી., પોન્ડીચેરીથી ૫૦૦ કિ.મી. પૂર્વ દક્ષિણ પૂર્વ તેમજ ચેન્નાઈથી ૫૪૦ કિ.મી. પૂર્વે કેન્દ્રીત હતું. આ સિસ્ટમ્સ હજુ મજબૂત બનશે અને આવતીકાલ સુધીમાં વાવાઝોડામાં પરિવર્તિત થઈ જવાની શકયતા છે. જેનું નામ 'નિવાર' રાખવામાં આવશે. જે તામિલનાડુ તરફ ગતિ કરે છે.

તેના અનુસંધાને શ્રીલંકા, તામિલનાડુમાં આવતા ચારેક દિવસ વરસાદી માહોલ રહેશે. જેમાં ૨૪,૨૫ મુખ્ય વરસાદ પડશે. આ સિસ્ટમ્સની અસર મહારાષ્ટ્ર ઉપર તા.૨૬,૨૭ના વાવાઝોડા અથવા સિસ્ટમ્સ અંગે હવામાન ખાતાની સુચનાને અનુસરવું.

સૌરાષ્ટ્ર - કચ્છ - ગુજરાતમાં થોડા દિવસથી ઠંડીનો માહોલ જોવા મળે છે. નોર્મલ ન્યુનતમ તાપમાનથી આજે સવારનું તાપમાન ૧ થી ૪ ડિગ્રી નીચુ જોવા મળેલ. જેમ કે રાજકોટ ૧૨.૪ (નોર્મલથી ૪.૫ ડિગ્રી નીચુ), ગાંધીનગર ૧૩, અમદાવાદ ૧૩.૩ (નોર્મલ થી ૨ ડિગ્રી નીચુ), કેશોદ ૧૨.૪ (૩.૫ ડિગ્રી નીચુ). તા.૨૩ થી ૩૦ (૨૮ થી ૩૦ ફરી નોર્મલથી નીચુ જશે)

આવતીકાલ સુધી ઠંડીની અસર જોવા મળશે.  ત્યારબાદ ન્યુનતમ તાપમાન થોડુ ઉંચકાશે એટલે નોર્મલ નજીક (૧૫ થી ૧૯ રેન્જ). હાલમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે. જેથી ઉત્તર ભારતમાં વરસાદ અને બરફવર્ષા તા.૨૩ થી ૨૫-૨૬ નવેમ્બર પડશે.

(3:03 pm IST)