Gujarati News

Gujarati News

News of Monday, 23rd November 2020

રાત્રીનાં લગ્ન પ્રસંગમાંથી આવતા લોકોને ખોટી કનડગત બંધ કરો : કોંગ્રેસની રજુઆત

લગ્નમાં વહેલી કામગીરી આટોપી લેવા પોલીસ કમિશ્નરની તાકીદઃ દીકરીવાળા, દીકરાવાળા, કર્મકાંડી, બ્રાહ્મણો, કેટરર્સ, બેન્ડવાજા, ઢોલી, મંડળ સર્વિસ, કેમેરામેન, ફોટોગ્રાફર વગેરેને રાત્રે ૯ વાગ્યા પછી આવવા -જવામાં પોલીસ હેરાન ન કરે : ડાંગર, સાગઠીયા, રાજપૂત, વાઘેલા, જાડેજા, મારૂ

રાજકોટ,તા.૨૩:  શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ રાજકોટ પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલ સાહેબને રાત્રી લગ્ન પ્રસંગ બાબતે રજુઆત કરવામાં આવેલ હતી આ રજૂઆતમાં રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ શ્રી અશોકભાઈ ડાંગર, રાજકોટ મનપાના વિરોધપક્ષના નેતા વશરામભાઈ સાગઠીયા, રાજકોટ શહેર કોંગ્રેસ પૂર્વ પ્રમુખ  મહેશભાઈ રાજપૂત, ગુજરાત મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાદ્યેલા, કોર્પોરેટર નીલેશભાઈ મારૂ, ઘનશ્યામસિંહ જાડેજા અને અનુસુચીતજાતી વિભાગના પ્રમુખ નરેશભાઈ સાગઠીયા દ્વારા પોલીસ કમિશ્નરને રજૂઆત કરવામાં આવી હતી.

જેમાં રાત્રી સમયે લગ્ન પ્રસંગ / રિસેપ્શન પૂર્ણ થયા બાદ દીકરી વાળા, દીકરા વાળા, કર્મકાંડી બ્રાહ્મણો, કેટરર્સ વાળા, બેન્ડવાજા વાળા , ઢોલી વાળા, મંડપ સર્વિસ વાળા, કેમેરામેન, ફોટોગ્રાફર, મજુરો વગેરેને શહેરમાં આવવા જવામાં પોલીસ કયાય રોકે નહી તેમજ કોઈપણ ને ખોટીરીતે હેરાન પરેશાન કરે નહી તે માટે રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા રજૂઆત કરવામાં આવેલ હતી તેમજ રજૂઆત પરત્વે સત્વરે વ્યવહારુ ઉકેલ લાવવા પણ પોલીસ કમિશ્નરશ્રીને તાકીદ કરી હતી અને આ પ્રશ્નનો ઉકેલ થાય ત્યાં સુધી કોઈપણને પોલીસ ખોટીરીતે હેરાન પરેશાન ન કરે તેવી રજૂઆત પણ કરવામાં આવી હતી.

રજૂઆત સંદર્ભે પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલ સાહેબે જણાવ્યું હતું કે શહેરમાં રાત્રી લગ્ન પ્રસંગો વહેલા પૂર્ણ કરવા અને સમયસર ઘરે પહોંચવા તેમજ કેટરર્સ વાળાએ પણ સમયસર નીકળી જવા અને કોઈપણ વ્યકિતને લગ્ન ના નામે કે કેટરર્સના નામે ખોટી રીતે બહાર ન ફરવા જણાવેલ છે અને કોઈપણ વ્યકિતને પોલીસ ખોટી રીતે હેરાન નહી કરે, સાચી હકીકતોને ધ્યાનમાં રાખી પોલીસ કોઈપણને હેરાન નહી કરે, તેમજ નજીકના પોલીસ સ્ટેશનની મંજૂરી લેવી પડશે આમાં લગ્ન પ્રસંગ વાળા તમામને શકય હોય તેટલું વહેલું ઘરે પહોંચી જવા તેમજ પ્રજાજનો અને લોકો આ મહામારી સમયે પુરો સાથ સહકાર પોલીસને આપે અને સરકારી નીતીનીયમો અને ગાઈડલાઈનનો અમલ કરે તેવું જણાવેલ છે વધુમાં જો કોઈ લગ્ન કે કેટરર્સના બહાને ખોટીરીતે બહાર ફરતા હશે કે રખડતા હશે તો તેની ઉપર સખ્ત કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવેલ છે.

આ રજૂઆતમાં અશોકભાઈ ડાંગર, મહેશભાઈ રાજપૂત, વશરામભાઈ સાગઠીયા, ગાયત્રીબા વાઘેલા, ઘનશ્યામસિંહ જાડેજા, નીલેશભાઈ મારૂ, નરેશભાઈ સાગઠીયા દ્વારા રજૂઆત કરવામાં આવી હતી તેવું કોંગ્રેસ કાર્યાલય મંત્રી વિરલ ભટ્ટે જણાવ્યું છે.

(3:34 pm IST)