Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

કાલે પં.દીનદયાળજીનો જન્મદિનઃ એકાત્મ માનવવાદની વિચારધારા આજે પણ ધબકે છે

રાજકોટઃ તા.૨૪, સદીઓ વર્ષો ની પરાધીનતા બાદ સ્વતંત્રતા -લોકશાહી મેળવનાર ભારત એકતા અખંડિતતા જાળવી શકિતશાળી બને તેના સ્વપ્નદ્રષ્ટા તથા લોકોની ઉન્નતિના વિચાર થકી સમસ્ત વિશ્વના માનવ ઉત્કર્ષ માટેના દ્વાર ખોલી આપનાર મહામાનવ પંડિત દીનદયાળ ઊપાધ્યાયનો ૨૫મી સપ્ટેમ્બરે જન્મદિવસ છે. એમના જન્મના ૧૦૪ વર્ષ પછી પણ એમણે બતાવેલો માર્ગ એવો ને એવો છે. ભારતીય જનતા પાર્ટીની સરકાર કોઇ રાજયમાં કે પછી કેન્દ્રમાં જે કામ કરે છે તેના મૂળમાં, પાયામાં પંડિતજીનો વિચાર રહેલો છે. તેમ ભાજપના પ્રવકતા અને પંડીતજીના વિચારોથી અત્યંત પ્રભાવિત   રાજુભાઇ ધ્રુવે જણાવ્યું છે.

 પંડીત દીનદયાળજીને ભાવાંજલી આપતાં તેઓએ જણાવ્યું કે ભારતીય જનતા પક્ષના અધ્યક્ષ કે એક રાજનીતિજ્ઞ હોવા ઉપરાંત તેમણે ભારતની સનાતન વિચારધારાને આધુનિક સમયને અનુરુપ પ્રસ્તુત કરી હતી.  આદર્શ મહાપુરુષોમાં એમની ગણના થાય છે.

  દેશભકિતની સાથે જ એમની દુરંદેશી પણ એવી જ હતી.એકાત્મ માનવવાદનો વિચાર એમના તરફથી દેશને મળેલી ભેટ છે. ભારતના ભૂતકાળમાં એ વિચારના મૂળ છે અને તેના ફળ વર્તમાન અને ભવિષ્યમાં લોકોને મળી શકે તેમ છે.

  માત્ર આર્થિક વિકાસ એજ માપદંડ ન હોઇ શકે, મનુષ્યનો અધ્યાત્મિક વિકાસ પણ અનિવાર્ય છે. આજે દેશમાં નરેન્દ્રભાઇ મોદીની સરકાર છેલ્લા સવા વર્ષથી બીજી વાર આરુઢ થઇ છે ત્યારે એ સ્પષ્ટ છે કે ગરીબો, છેવાડાના લોકોનું ચિંતન અને ચિંતા આ સરકાર સતત કરે છે. એમનું હિત સરકારના હૈયે છે.  એના મૂળમાં પણ આ એકાત્મ માનવવાદના બીજ છે.

  ૨૫મી સપ્ટેમ્બર ૧૯૧૬ ના રોજ ભગવતીપ્રસાદ અને રામપ્યારીજીને ત્યાં, મથુરા જિલ્લાના નગલા ચંદ્રભાન ગામે જન્મેલા પંડીત દીનદયાળ ઉપાધ્યાયના જીવનમાં સંદ્યર્ષ નાનપણથી જ હતો. સાત વર્ષની વયે તેઓ માતા-પિતા બન્નેના પ્રેમથી વંચિત થઇ ગયા. તેમના મામાએ તેમનો ઉછેર કર્યો. પિલાની, આગ્રા તથા પ્રયાગમાં શિક્ષણ મેળવ્યું. વિદ્યાર્થી જીવનથી જ તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવક બન્યા હતા. ૧૯૬૪ માં એકાત્મ માનવવાદ જનસંદ્યના ગ્વાલિયર અધિવેશનમાં પ્રસ્તુત કરવામાં આવ્યો.

૧૯૫૧માં ભારતીય જનસંદ્યની સ્થાપના બાદ તેમને સંગઠન મંત્રી બનાવાયા. ૫૩માં તેઓ જનસંઘના મહામંત્રી તરીકે વરાયા. ડીસેમ્બર ૧૯૬૭ માં ભારતીય જનસંઘના અધ્યક્ષ પણ બન્યા આ તમામ કાર્યકાળ દરમિયાન તેમણે પક્ષનો પાયો મજબૂત કર્યો. કાર્યકર્તાઓનું ઘડતર કર્યું. સિધ્ધાંતોનું સિંચન કર્યું. દેશ માટે મરી ફિટનાર હજારો લાખો મૂલ્યનિષ્ઠ સિદ્ઘાંતનિષ્ઠ દેશભકત લોકશાહીના પુરસ્કર્તા લોકો નું નિર્માણ કર્યું

 ૧૧મી ફેબ્રુઆરી ૧૯૬૮ના રોજ તેમનું અવસાન થયું. જો કે સદેહે એ જતા રહ્યા છતાં માનવતા, માનવ ઉત્કર્ષ અને એવા સિધ્ધાંતોને લીધે આજે પણ તેઓ જીવંત છે  રાજુભાઇએ જણાવ્યું છે.

(12:56 pm IST)