Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

બળાત્કાર ગુજારવાના ગુનામાં પકડાયેલ આરોપીની જામીન અરજીને ફગાવી દેતી કોર્ટ

નોકરી આપવાની લાલચ આપી યુવતિને હોટલમાં લઇ જઇને..

રાજકોટ, તા ર૪ :  બળાત્કાર અને વિશ્વાસઘાતની ફરીયાદમાં જામીન રદ કરતા રાજકોટ સેશન્સ કોર્ટ હુકમ કર્યો હતો.

બનાવની ટુંક હકિકત એવી છે કે આ કામમાં ભોગ બનનારને નોકરીની જરૂરીયાત હોય આરોપી ઇમરાન હનીફભાઇ ડેલા, રહે. ખોડીયારનગર, રાજકોટવાળાએ ફરીયાદી / ભોગ બનનારને ફોન કરીને કહેલ કે તમે નોકરી ગોતો છો તો અમારી પાસે એક નોકરી છે અને મારી ઓફીસ બીગબઝાર પાસે આવેલ છે. જેથી આ કામના ફરીયાદી / ભોગ બનનાર બીગબઝાર પાસે બપોરના સમયે ર વાગ્યો બીગબઝાર પાસે મળવા ગયેલા.

ત્યારબાદ મારૂતિ સ્વીફટ કારમાં એક ઇસમ આવેલ અને પોતાનું નામ ઇમરાન હનીફભાઇ ડેલા જણાવેલ અને કહેલ કે મારી ગાડીમાં બેસી જાવ આપણે ઓફીસે જઇએ. રાજકોટ શહેરમાં બે થી ત્રણ કલાક ફરીયાદી/ ભોગબનનારને ગાડીમાં ફેરવેલ અને તમામ માહિતી મેળવી લીધેલ અને ત્યારબાદ ત્રિકોણબાગ પાસે આવેલ ધનરાજ હોટલમાં લઇ ગયેલ અને હોટલના રૂપમમાં ધાકધમકી આપી ફરીયાદી/ ભોગ બનનારની મરજી વિરૂદ્ધ દુષ્કર્મ આચરેલ.  તેમજ એક યા બીજી રીતે ફરીયાદી પાસેથી રૂ. ૧૯,૧ર,૦૦૦/- (ઓગણીસ લાખ બાર હજાર) તેમજ રૂ. ૮,૦૦,૦૦૦/- (આઠ લાખના) કુલ બે ચેક પડાવી લીધેલ. અને જો પોલીસ ફરીયાદ કરે તો ખોટા કેસમાં કીટ કરાવી દેવાની ધમકી આપેલ.

આરોપી દ્વારા ડીસ્ટ્રીકટ કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી પર મુકતા થવા અરજી કરેલ હતી. જે સબબ સરકારી વકીલશ્રીની દલીલો તથા મુળ ફરીયાદી વતી વકીલ રોકાયેલ. જેમાં વકીલશ્રી દ્વારા વાંધા રજુ થયેલા. તેમજ ગુજરાત હાઇકોર્ટ તથા સુપ્રિમ કોર્ટના આધારે રાજકોટના સ્પેશ્યલ જજ (પોકસો એન્ડ સ્પેશ્યલ ફાસ્ટ ટ્રેક કોર્ટ) અને ત્રીજા એડીશ્નલ સેશન્સ જજશ્રી કે.ડી. દવેએ જામીન અરજી રદ કરતો હુકમ કરેલ હતો.

હાલના કામે સરકારી વકીલશ્રી દિલીપ એમ. મહેતા તેમજ મુળ ફરીયાદી વતી ભૂમિકા એન. દેસાઇ, બલરામ એસ. પંડિત તથા ગુજરાત હાઇકોર્ટના એડવોકેટ ભાવિકા સામાણી ફરીયાદી વતી એડવોકેટ રોકાયેલ હતા.

(4:17 pm IST)