Gujarati News

Gujarati News

News of Friday, 24th September 2021

ન્યારી-૨ ડેમનું અશુધ્ધ પાણી પીવા લાયક બનાવાશે

રાજકોટ માટે પાણીનો નવો સ્ત્રોત વિકસાવાશે : અમિત અરોરાએ સ્થળ નિરિક્ષણ કર્યું : હાલમાં વોંકળાના પાણી ન્યારી-૨ ડેમમાં આવતા હોવાથી આ જળજથ્થો પીવાના ઉપયોગમાં લઇ શકાય એમ નથી : ભવિષ્યમાં વોંકળાઓને ભૂગર્ભ ગટર સાથે જોડી તેના પાણી ડેમમાં આવતા અટકાવવા અંગે વિચારણા

રાજકોટ તા. ૨૪ : દિવસે ને દિવસે વિકસી અને વિસ્તરી રહેલા રાજકોટ શહેરમાં ભવિષ્યની વસતિ માટેની પીવાના પાણીની સંભવિત જરૂરિયાતને નજર સમક્ષ રાખી અત્યારથી જ પીવાના પાણી માટેના નવા સોર્સ ઉભા કરવાની દિશામાં પ્રયાસના ભાગરૂપે રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર અમિત અરોરાએ આજે તા.૨૪ના રોજ ન્યારી-૨ ડેમની મુલાકાત લીધી હતી.

આ સ્થળ મુલાકાત અંગે વાત કરતા મ્યુનિ. કમિશનરશ્રીએ એમ જણાવ્યું હતું કે, રાજકોટની પાણીની ભાવી જરૂરિયાતનો અત્યારથી જ વિચાર કરવો જરૂરી છે. મહાનગરપાલિકાએ પાણીના નવા સોર્સ ઉભા કરવા પણ જરૂરી બને છે. આ પ્રયાસના એક ભાગરૂપે આજે ન્યારી-૨ ડેમની મુલાકાત લીધી હતી. અત્યારે આ જળાશયમાં વોંકળાઓના પાણી પણ આવી રહયા હોવાથી ડેમનું પાણી પીવાના ઉપયોગમાં લઈ શકાય એમ નથી. ભવિષ્યની વાત કરીએ તો, હાલ જે વોંકળાઓમાંથી ડેમમાં પાણી આવે છે તે તમામ વોંકળાઓને ભૂગર્ભ ગટર સાથે જોડી દઈ તેના પાણીને ડેમમાં આવતા રોકવા અંગે ચર્ચા વિચારણા ચાલી રહી છે. આ યોજનાની વાસ્તવિક સંભાવનાઓ ચકાસવામાં આવી રહી છે.  કમિશનર અમિત અરોરાએ વધુમાં ઉમેર્યું હતું કે, ન્યારી-૨ ડેમણા નીરને પ્રદૂષિત કરતા વોંકળાનાં પાણીને અન્યત્ર વાળવામાં આવે તો ડેમમાં ધીમે ધીમે ચોખ્ખું પાણી આવી શકે છે. આ માટે વરિષ્ઠ અધિકારીશ્રીઓ પાસેથી ફિઝીબિલીટી રીપોર્ટ માંગવામાં આવેલ છે. આ રીપોર્ટ રજુ થયે આગળની કઈ કાર્યવાહી કરી શકાય એમ છે તે નક્કી કરવામાં આવશે.

દરમ્યાન કમિશનરે ન્યારી-૨ ડેમના નીરને શુધ્ધ કરવા માટે ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને આર.ઓ. ટ્રીટમેન્ટ પ્લાન્ટનાં  વિકલ્પ અને સંભાવનાઓ ચકાસવા માટે પણ અધિકારીઓને સૂચના આપી હતી.

કમિશનરશ્રીની આ સ્થળ મુલાકાત દરમ્યાન નાયબ કમિશનરો આશિષ કુમાર, ચેતન નંદાણી અને એ.આર. સિંહ, સિટી એન્જિનિયરો એમ.આર.કામલિયા, એચ.યુ.દોઢિયા, કે.એસ.ગોહેલ, વાયકે.ગૌસ્વામી, એચ.એમ.કોટક, પી.એ.(ટુ) કમિશનર રસિક રૈયાણી, ડેપ્યુટી એન્જિનિયરો કે.પી.દેથરીયા, સી.બી. મોરી, બી.ડી.ઢોલરિયા, એચ.એન.શેઠ અને એ.જી. પરમાર વગેરે હાજર રહયા હતાં.

(3:01 pm IST)