Gujarati News

Gujarati News

News of Tuesday, 24th November 2020

ગુજરાતમાં શિયાળુ પાકનું સૌથી વધુ સૌરાષ્ટ્રમાં ૪૨૫૨ હેકટરમાં વાવેતર

ઉત્તર ગુજરાતમાં ૩૧૨૫, મધ્યમાં ૧૨૫૬, દક્ષિણમાં ૧૪૯૧ હેકટર : રાજ્યમાં કુલ વાવેતર ૧૦૧૬૭ હેકટરમાં : સૌરાષ્ટ્રમાં ચણાની વાવણી (૧૭૩૦ હેકટર) નંબર વન પર : બીજા ક્રમે ઘઉં ૧૦૫૫ હેકટરમાં : જીરૂ ૪૨૯ હેકટરમાં : રાજ્યનું કુલ વાવેતર ૨૯.૫૭ ટકા : વાવણી ચાલુ

રાજકોટ તા. ૨૪ : રાજ્યમાં ગયા ચોમાસાનો વરસાદ સારો થતાં મગફળીનું ઉત્પાદન પુષ્કળ થયું છે. હવે ખેડૂતો રવિ પાક તરીકે ઓળખાતા શિયાળુ પાકની વાવણીમાં વ્યસ્ત છે. રાજ્યના તમામ ઝોનમાં રવિ પાકનું સૌથી વધુ વાવેતર સૌરાષ્ટ્રમાં થયું છે. કુવા - બોરમાં પાણી પુષ્કર હોવાથી શિયાળુ પાક મબલખ થવાની આશા છે. અત્યારે જેની વાવણી થઇ રહી છે તે પાક માર્ચ આસપાસ બજારમાં આવશે.

રાજ્યના કુલ વાવેતર વિસ્તારમાંથી ૧૦૧૬૭ હેકટર વિસ્તારમાં વાવેતર થઇ ગયું છે. ટકાવારીની દ્રષ્ટિએ તે ૨૯.૫૭ ટકા ગણાય છે. હજુ વાવણી ચાલુ છે. ઉત્તર ગુજરાતમાં ૩૧૨૫, મધ્ય ગુજરાતમાં ૧૨૫૬, દક્ષિણ ગુજરાતમાં ૧૪૯૧, કચ્છમાં ૪૨ અને સૌરાષ્ટ્રમાં ૪૨૫૨ હેકટરમાં વાવેતર થઇ ગયું છે. વાવણી ચાલુ હોવાથી હજુ વાવેતર વધશે.

સૌરાષ્ટ્રમાં સૌથી વધુ ૧૭૩૦ હેકટરમાં ચણા વાવવામાં આવ્યા છે. બીજા ક્રમે ૧૦૫૫ હેકટર સાથે ઘઉંનું વાવેતર થયું છે. જીરૂનું ૪૨૯ હેકટરમાં અને ધાણાનું ૨૩૪ હેકટરમાં વાવેતર થયું છે. લસણ જેવા અન્ય કેટલાક પાકો પણ છુટાછવાયા વાવવામાં આવ્યા છે. રાજકોટ જિલ્લામાં પિયતના ૧૦૬ અને બિનપિયતના ૧૨૩ હેકટરમાં ઘઉં વાવવામાં આવ્યા છે. આ આંકડાઓ રાજ્યના કૃષિ વિભાગે ૧૭ નવેમ્બર ૨૦૨૦ની સ્થિતિએ જાહેર કર્યા મુજબના છે.

(12:00 pm IST)