Gujarati News

Gujarati News

News of Friday, 25th September 2020

પીજીવીસીએલના એમ.ડી.નું ૨૫ હજારનું બ્રેસલેટ પ્યુન મદીનાબેને ચોર્યુ...પાછુ આપવા પાંચ હજાર માંગ્યા!

લક્ષ્મીનગરમાં આવેલી કચેરીના એડી. જનરલ મેનેજરની ફરિયાદ પરથી પોલીસે પ્યુન સામે હાથ ધરી કાર્યવાહી

રાજકોટ તા. ૨૫: નાના મવા રોડ લક્ષ્મીનગરમાં આવેલી પીજીવીસીએલ કચેરીના એમ.ડી.નું રૂ. ૨૫ હજારનું બ્રેસલેટ ચોરાઇ જતાં અને આ બ્રેસલેટ પ્યુન મહિલા પાસે હોઇ તેણે પાછુ જોઇતું હોય તો રૂ. પાંચ હજાર આપવા પડશે તેમ અન્ય મહિલા કર્મચારીને કહેતાં આ અંગે મહિલા પ્યુન સામે પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે.

બનાવ અંગે માલવીયાનગર પોલીસે  નાના મવા રોડ પર આવેલી પીજીવીસીએલના એડીશનલ જનરલ મેનેજર અવિનાશભાઇ રૂપસિંહ કટારા (ઉ.વ.૪૭)ની ફરિયાદ પરથી આ કચેરીમાં જ પ્યુન તરીકે નોકરી કરતાં મદીનાબેન મકરાણી સામે આઇપીસી ૩૮૧ મુજબ ચોરીનો ગુનો નોંધી તેની પુછતાછ હાથ ધરી છે.

અવિનાશભાઇએ ફરિયાદમાં જણાવ્યું છે કે ૨૩/૯ના સાંજે સાતેક વાગ્યે અમારા એમ.ડી.ના એકઝીકયુટિવ આસીસ્ટન્ટે મને જણાવ્યું હતું કે આપણા એમ.ડી. સાહેબનું કાળા મોતીની ડિઝાઇનવાળુ અંદાજે ૨૫ હજારની કિંમતનું હાથમાં પહેરવાનું બ્રેસલેટ ગુમ થયું છે. સવારે તેઓ ઓફિસે આવ્યા ત્યારે હાથમાં હતું. આ બાબતે તપાસ કરવા કહેતાં સિકયુરીટી ગાર્ડ બ્રીજરાજસિંહ જાડેજાને આ અંગે મેં વાત કરતાં તેણે કહ્યું હતું કે આવું એક બ્રેસલેટ તેણે પ્યુન મદીનાબેન પાસે જોયું હતું.

આથી મેં મદીનાબેનને બ્રેસલેટ અંગે પુછતાં તેણે પહેલા તો ના પાડી હતી. પરંતુ  બાદમાં હા પાડી હતી. એ પછી બીજા કર્મચારી પ્રવિણાબેન પરમારને મદીનાબેને કહ્યું હતું કે બ્રેસલેટ તો મારી પાસે જ છે, પરંતુ પાછુ જોઇતું હોય તો મને રૂ. ૫૦૦૦ આપે તો જ પાછુ આપીશ. અંતે તેના વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી. હેડકોન્સ. એ. જે. કાનગડે આરોપીની પુછતાછ કરવા તજવીજ હાથ ધરી છે.

(12:14 pm IST)