Gujarati News

Gujarati News

News of Friday, 25th September 2020

કોરોનાને હંફાવનારા કિશોરભાઇ પીપીઇ કીટ પહેરી સિવિલ હોસ્પિટલનો આભાર માનવા પોસ્ટર લઇને ફર્યા

કહ્યું-એકવાર પીપીઇ કીટ પહેરી જુઓ તો ડોકટર્સ-નર્સિંગ સ્ટાફની પરિસ્થિતિ સમજાશે

રાજકોટ તા. ૨૫ : કોરોનાના સંક્રમણને રોકવા વહીવટીતંત્ર અને આરોગ્ય તંત્ર દ્વારા સતત અને સઘન કામગીરી કરવામાં આવી રહી છે. કોરોના વોરીયર્સના અથાગ પરિશ્રમ અને સેવાભાવનાના પરિણામે કોરોનાને હરાવી સ્વસ્થ થનારા દર્દીઓ ડોકટર્સ સહિતના સ્ટાફનો આભાર માની રહ્યા છે. ત્યારે રાજકોટના કિશોરભાઈ સંચાણિયા સિવિલ હોસ્પિટલ તેમજ સમરસ કોવિડ કેર સેન્ટરના સ્ટાફનો આગવી શૈલીમાં આભાર વ્યકત કરી રહ્યા છે.

ફરસાણના વેપારી કિશોરભાઈનું ઓકિસજન લેવલ ખૂબ જ ડાઉન થઈ જતા તા. ૨૮ ના રોજ કોરોના રિપોર્ટ કરાવ્યો અને સિવિલમાં દાખલ થયા. ચાર દિવસ સુધી આઈ.સી.યુ.માં સારવાર બાદ તબિયતમાં સુધારો થતાં બે દિવસ નોર્મલ વોર્ડમાં રાખવામાં આવ્યા અને છેલ્લે પાંચ દિવસ સમરસ હોસ્ટેલમાં સારવાર બાદ હવે તેઓ સંપૂર્ણપણે સ્વસ્થ થઈ સિવિલ હોસ્પિટલ ખાતે ડોકટર્સ તેમજ અન્ય સ્ટાફગણનો આભાર માનવા આવી પહોંચ્યા હતા.

કિશોરભાઈએ પોતાની લાગણી વ્યકત કરતાં જણાવ્યું હતું કે, 'આજે હું સંપૂર્ણ તંદુરસ્ત છું તેનું બધું જ શ્રેય સિવિલ હોસ્પિટલ તેમજ સમરસ હોસ્ટેલ ખાતે કાર્યરત આરોગ્યકર્મીઓને જાય છે. અહીં ફરજ બજાવતાં નર્સિંગ સ્ટાફ, સફાઈકર્મીઓ અને તમામ લોકો કોરોનાના દર્દીઓને સાજા કરવા દિવસ-રાત સેવારત છે. ત્યારે એમનો આભાર તો માનવો જ જોઈએ.'

કિશોરભાઈએ આગવી રીતે આભાર પ્રગટ કરવા અને ડોકટર્સનો જુસ્સો બુલંદ કરવા પી.પી.ઈ. કીટ પહેરી અને પોસ્ટર લઇ રાજકોટના વિસ્તારોમાં ફરશે. કિશોરભાઈએ કહ્યું હતું કે, 'મારે પી.પી.ઈ. કીટ પહેરવાની કોઈ જરૂર નથી પરંતુ મેં એટલા માટે પહેરી છે કે લોકોને ખ્યાલ આવે કે માત્ર એક કલાક પી.પી.ઈ. કીટ પહેરવાથી પરસેવે તરબોળ થઈ જવાય છે, એ કીટ પહેરી ડોકટર્સ સતત કામ કરી રહ્યા છે. આ કીટ પહેરી હોય ત્યારે ખૂબ જ પરસેવો થતા પાણીની તરસ લાગે છે પરંતુ તમે પી નથી શકતા.'

સિવિલ હોસ્પિટલ ખાતે ફરજ નિભાવતા થર્ડ યર રેસિડેન્ટ ડોકટર સુરભી ચાવડાએ કહ્યું હતું કે,'સિવિલ હોસ્પિટલમાં સારવાર બાદ કિશોરભાઈ હવે એકદમ સ્વસ્થ થઈ ગયા છે અને અમારો આભાર માનવા હોસ્પિટલ આવ્યા છે. જયારે દર્દીઓ કોરોનામાંથી સાજા થઈ ઘરે પરત ફરે છે ત્યારે અમને પણ ખૂબ ખુશી થાય છે.' હાલ કોરોનાના હાહાકાર વચ્ચે નાગરિકોના સ્વાસ્થ્યને સાચવતાં કાર્યરત કોરોના વોરીયર્સ દેવદૂત સાબિત થઈ રહ્યાં છે.

(1:29 pm IST)