Gujarati News

Gujarati News

News of Friday, 25th September 2020

ધી કરૂર વૈશ્ય બેંક વિરૂદ્ધ ત્રણ લાખ ૬૧ હજારની લેણી રકમ વસુલવા કોર્ટમાં દાવો

રાજકોટ તા. રપ : ધી કરૂર વૈશ્ય બેંક લી. વિરૂદ્ધ રૂ. ૩,૬૧,૯૭૬/-ની લેણી રકમ વસુલ મળવા અંગે કોર્ટ સમક્ષ દાવો દાખલ કરવામાં આવેલ છે.

આ કેસની ટુંકમાં હકીકત એવી છે કે, આ કામના વાદી મે.હાઇટેક સીરામીક ઇન્ડસ્ટ્રીઝના નામે વર્ષોથી સીરામીકને લગતી આઇટમના ઉત્પાદનને લગતો વેપાર-ધંધો કરે છે. વાદીને તેમના વેપાર-ધંધા માટે નાણાંની જરૂરીયાત હોવાથી તેઓએ પ્રતિવાદી નં.૩ ધી કરૂર વૈશ્ય બેંક લી.,રાજકોટ બ્રાંચ પાસેથી લોન મેળવવા માટે અરજી કરેલ હતી. સદરહું અરજીના અનુસંધાને પ્રતિવાદી નં. ૩ ધી કરૂર વૈશ્ય બેંક લી., રાજકોટ બ્રાંચ દ્વારા રૂ.૪૦,૦૦,૦૦૦/- અંકે રૂપિયા ચાલીસ લાખ પુરાની એસ.ઓ.ડી.૧-વર્ષ માટે તથા રૂ.૭૪,પ૦,૦૦૦/-અંકે રૂપીયા ચુમોતેર લાખ પચાસ હજાર પુરાની મશીનરી લોન ૬૩-મહીના માટે તથા રૂ. ૧ર,૦૦,૦૦૦ અંકે રૂપિયા બાર લાખ પુરાની બેંક ગેરેંટી ૧-વર્ષ માટે તા. ર૮/૦૯/ર૦૧૭ ના રોજથી મંજુર કરવામાં આવેલ હતી. જે પૈકી વાદીએ રૂ.૭૪,પ૦,૦૦૦/- અંકે રૂપિયા ચુમોતેર લાખ પચાસ હજાર પુરાની મશીનરી લોનનો ઉપયોગ કરેલ  હતો તથા પ્રતિવાદી દ્વારા જે એસ.ઓ.ડી.સેકશન કરેલ હતી તે જરૂરીયાત મુજબ વાદીએ તેનો ઉપયોગ કરેલ હતો. સદરહું લોનના હપ્તા વાદી નીયમીત રીતે ભરપાઇ કરતા હતા.

ત્યારબાદ વાદીએ પ્રતિવાદી પાસેથી જે લોન લીધેલ હતી તે સંપૂર્ણ લોન વાદીએ ભરપાઇ કરી આપેલી. જે સંબંધે પ્રતિવાદી દ્વારા વાદીને એન.ઓ.સી.પણ આપવામાં આવેલ છે ત્યારબાદ વાદીએ કોઇપણ પ્રકારની લોન આ કામના પ્રતિવાદી પાસેથી મેળવેલ નથી. પરંતુ પ્રતિવાદી દ્વારા વાદીના ખાતામાંથી વાદીની કોઇપણ પ્રકારની પરવાનગી મેળવ્યા વગર તથા વાદીની જાણ બહાર અલગ-અલગ પ્રકારના ખોટા ચાર્જીસ  લગાડી કુલ રકમ રૂ.૩,૬૧,૯૭૬ અંકે રૂપિયા ત્રણ લાખ એકસઠ હજાર નવાસો છોતેર પુરા ગેરકાયદેસર રીતે ઉધારવામાં આવેલ છે સદરહું રકમ વસુલ મેળવવા સંબંધે વાદી દ્વારા પ્રતિવાદીને કાનુની નોટીસ પણ પાઠવવામાં આવેલ છે સદરહું કાનુની નોટીસનો પ્રતિવાદી દ્વારા ખોટી અને બનાવટી હકીકતોવાળો જવાબ પાઠવવામાં આવેલ અને પ્રતિવાદીએ વાદીને તેમની લેણી રકમ ચુકવેલ ન હોય જેથી વાદીની પ્રતિવાદી પાસેથી કાયદેસરની લેણી નીકળતી રકમ રૂ.૩,૬૧,૯૭૬/ અંકે રૂપિયા ત્ર લાખ એકસઠ હજાર નવસો છોતેર પુરા વસુલ મળવા અંગે રાજકોટના ચીફ સ્મોલ કોઝ કોર્ટ જજની કોર્ટમાં દાવો દાખલ કરેલ છે. સદરહું દાવો હાલ સબ-જયુડીસ પેન્ડીંગ છે.

આ કામમાં વાદી મે. હાઇટેક સીરામીક ઇન્ડસ્ટ્રીઝ તરફે રાજકોટના ધારાશાસ્ત્રી સંદીપ જોષી રોકાયેલા છે.

(3:38 pm IST)