Gujarati News

Gujarati News

News of Friday, 25th September 2020

બિલ્ડીંગ પ્લાન સહિતની કામગીરી કોર્પોરેશનના બદલે રૂડા કચેરીના ગળે પડી !

માધાપર સહિતના ગામો રાજકોટમાં ભળ્યાનું જાહેરનામું કાગળ ઉપર હોય તેવી સ્થિતિ : બે કચેરી વચ્ચે ફાઇલો ગોથા ખાઇ છે ! : રાજય સરકારના જાહેરનામા અન્વયે રૂડાએ સે.બોર્ડમાં ઠરાવ કરી રેકર્ડ મહાનગરપાલીકાને સોંપી આપ્યું પણ સરકાર દ્વારા કોઇ આદેશ ન આવતા કામગીરી રૂડા કચેરીમાં થાય છે અને રેકર્ડ મહાનગરપાલીકા પાસે છે! : રૂડા કચેરીમાં નવા બિલ્ડીંગ પ્લાન કે કંમ્પ્લીશન માટે અરજી કરાઇ'તો રૂડા કચેરીના સ્ટાફે રેકર્ડ માંગવા મહાનગરપાલિકા પાસે જવું પડે છે ! : ઓછા સ્ટાફ વચ્ચે વધારાના બોજાથી સ્ટાફમાં કચવાટ

રાજકોટ, તા. ર૪ :  શહેરની ભાગોળે આવેલ માધાપર સહિતના ગામો રાજકોટ મ્યુ. કોર્પોરેશનની હદમાં ભળ્યાની ત્રણ-ત્રણ મહિના વિત્યા છતાં બિલ્ડીંગ પ્લાન સહિતની કામગીરી મહાનગરપાલિકામાં થવી જોઇએ. તેના તાલ સર્જાયો છે. સરકારની ઢીલી નીતિના કારણે રાજકોટનું હદય વધ્યાનું જાહેરનામું કાગળ ઉપર હોય તેવી સ્થિતિ સર્જાઇ છે. અને બે કચેરી વચ્ચે બિલ્ડીંગ પ્રોજેકટોની ફાઇલો ગોથા ખાઇ રહી છે.

રાજય સરકારે ગત તા. ૧૮ જુનનાં રોજ રાજકોટના ભાગોળે આવેલ માધાપર, ઘંટેશ્વર તથા મોટા મોવા ગામને રાજકોટ મહાનગરપાલીકાની હદમાં સમાવિષ્ટ કરતું જાહેરનામું બહાર પાડયું હતું. રૂડાની હદમાં આવતા આ ત્રણેય ગામોમાં મસમોટા બિલ્ડીંગ પ્રોજેકટ કાર્યરત હોય અને આ ત્રણેય ગામોનો રાજકોટ મહા નગરપાલિકાની હદમાં સમાવેશ થતા બિલ્ડરો રાજીરાજી થઇ ગયા હતા.

રાજય સરકારે માધાપર સહિતના ગામોને રાજકોટ મહાનગરપાલીકામાં સમાવિષ્ટ કરતુ જાહેરનામું બહાર પાડયા બાદ રાજકોટ શહેરી વિકાસ સતામંડળ (રૂડા) એ ગત તા. ૪ જુલાઇના સોશ્યલ બોર્ડની બેઠક બોલાવી આ બોર્ડમાં માધાપર સહિતના રાજકોટમાં ભળેલ ગામોની ટાઉનપ્લાન એકટ મુજબની થતી કામગીરી રાજકોટ મહાનગરપાલીકાને સોંપવા ઠરાવ કર્યો હતો અને આ ઠરાવની નકલ રાજય સરકારને મોકલી આપી હતી. તેમજ માધાપર સહિતના ત્રણેય મહાનગરપાલિકા કચેરીને મોકલી આપ્યું હતું.

રૂડા બોર્ડના ઠરાવ અન્વયે રાજય સરકાર દ્વારા આજદિન સુધી કોઇ આદેશ ન થતા ટાઉનપ્લાનીંગ એકટ હેઠળ નવા બિલ્ડીંગ પ્લાન કે કંમ્પલીશન સહિતની કાર્યવાહી મહાનગરપાલીકા કચેરીમાં થવી જોઇએ. તેના બદલે હજુ રૂડા કચેરીના ગળે પડી હોય તેવી સ્થિતિ સર્જાઇ છે. રાજય સરકાર દ્વારા કોઇ સ્પષ્ટ  આદેશ ન થતા રૂડા કચેરીમાં રજુ થતા નવા બિલ્ડીંગ  પ્લાન કે કંમ્પ્લીશન અરજી થાય તો રૂડા કચેરી દ્વારા આ અરજી સ્વીકારાઇ છે. પણ તમામ રેકર્ડ મહાનગરપાલીકાને સોંપી આપ્યું હોય રેકર્ડ માટે રૂડા કચેરીના સ્ટાફે મહાનગરપાલીકામાં ફાઇલ માંગવા જવું પડે છે.

માધાપર સહિતના ગામો રાજકોટની હદમાં ભળ્યાને ત્રણ-ત્રણ મહિના વિતયા છતા નવા બિલ્ડીંગ પ્લાન સહિતની કામગીરી રાજકોટ મહાનગરપાલિકાએ કરવી જોઇએ તેના બદલે રૂડા કચેરીના ગળે પડતા રૂડાના સ્ટાફ ફરજીયાત આ કામગીરી કરવી પડે તેવી સ્થિતિ સર્જાઇ છે. રૂડા કચેરીમાં એક તો સ્ટાફની ખેંચ છે. ઓછા સ્ટાફ વચ્ચે ઉકત ત્રણેય ગામોના રેકર્ડ માટે મહાનગરપાલીકા પાસે વારંવાર નવું પડતું હોય સ્ટાફમાં પણ કચવાટ ફેલાયો છે.

માધાપર-ઘંટેશ્વર સહિતના ગામોનું રેકર્ડ મહાનગરપાલીકા પાસે હોય અને કામગીરી રૂડા કચેરીમાં થતી હોય બિલ્ડીંગ પ્રોજેકટની ફાઇલો બે કચેરીઓ વચ્ચે ગોથા ખાઇ રહી છે. બિલ્ડીંગ પ્રોજેકટરો માટે તો માધાપર સહિતના ગામો રાજકોટમાં ભળ્યાનું જાહેરનામું કાગળ ઉપર હોય સ્થિતિ સર્જાઇ છે.

રૂડા કચેરી દ્વારા નવા બિલ્ડીંગ પ્લાન સહિતની કામગીરી નિત્યક્રમ મુજબ ચાલુ જ છે. પણ મહાનગરપાલિકામાં ભળેલ ગામોથી કામગીરી રૂડા કચેરીને ગળે પડી હોય તેવો ઘાટ ઘડાયો છે. રાજય સરકાર આ પ્રશ્ને ત્વરીત ઘટતી કાર્યવાહી કરે તેવી બાંધકામ વ્યવસાય સાથે સંકળાયેલા લોકોમાં માંગણી ઉઠી છે.

(3:43 pm IST)