Gujarati News

Gujarati News

News of Wednesday, 25th November 2020

લોધીકા - પડધરીના ૭ ગામો 'હોટસ્પોટ' હોય રૂરલ પ્રાંત દ્વારા ડોર ટુ ડોર સર્વે : કેસ નહિવત પણ અવરજવર વધુ

માસ્ક વિના ફરતા ૭૦ લોકો સામે તવાઇ દરેકને સ્થળ ઉપર ૧ હજાર દંડ ફટકારાયો : IEC એકટીવીટી પણ વધારાઇ : પડધરી - સરપદડ - તરઘડી - મોવૈયા - લોધિકા - ખીરસરા - પારડીમાં ટીમો ઉતારાઇ

રાજકોટ તા. ૨૫ : રાજકોટ રૂરલ પ્રાંત શ્રી દેસાઇએ આજે 'અકિલા' સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, પોતાના વિસ્તારના લોધીકા - પડધરી બંને તાલુકામાં અને ગામોમાં કોરોના સામે અમે ખાસ ટીમો ઉતારી છે અને કાર્યવાહી પણ શરૂ કરી દેવાઇ છે.

તેમણે જણાવેલ કે, ઉપરોકત બંને તાલુકાના ૭ જેટલા ગામો કે જે 'હોટસ્પોટ' સમાન છે, અને મોટા છે તેમજ લોકોની અવરજવર વધુ છે, અપડાઉન કરનારા વધુ છે, તે તમામ ૭ ગામો આઇડેન્ટીફાઇ કરી ત્યાં ડોર ટુ ડોર સર્વે કોરોના બાબતે શરૂ કરી દેવાયો છે, આ ૭ ગામોમાં પડધરી, સરપદડ, મોવૈયા, તરઘડી, લોધીકા, ખીરસરા અને પારડીનો સમાવેશ થાય છે.

શ્રી દેસાઇએ જણાવેલ કે, ઉપરોકત તમામ ગામોમાં ટીમો ઉતારી ડોર ટુ ડોર સર્વે શરૂ કરી દેવાયો છે, અને આઇસીઇ એકટીવીટી એટલે કે કોરોના સામે જાગૃતિ રાખવા માઇક સાથે રીક્ષા ફેરવવા, ઉકાળાનું વિતરણ વિગેરે ચાલુ કરાયું છે.

તેમણે જણાવેલ કે, ઉપરોકત ગામો હોટસ્પોટ છે, એટલે એવું નથી કે ત્યાં કેસો વધુ આવ્યા છે, કેસો નહિવત છે, ૧ થી ૨ કેસો મળી આવે છે, પરંતુ વધુ અવર-જવરવાળા ગામો હોય, અહીં ખાસ ઝુંબેશ શરૂ કરાઇ છે.

દરમિયાન માસ્ક વિના રખડતા લોકો સામે ચેકીંગ ડ્રાઇવ ચાલુ હોવાનું અને ત્રણ દિવસમાં ૭૦થી વધુ આવા લોકો પકડાતા સ્થળ ઉપર જ દરેક પાસેથી ૧-૧ હજારનો દંડ વસૂલ કરી લેવાયો હતો.

(3:22 pm IST)