Gujarati News

Gujarati News

News of Tuesday, 26th January 2021

રાજકોટમાં સોની વેપારીને લૂંટવાનું કાવત્રુ નિષ્ફળ બનાવતી એ-ડિવીઝન પોલીસઃ હકો અને કનકસિંહ પકડાયાઃ એરગન, છરી, માસ્ક, મરચાની ભુકી, હાથમોજા કબ્જે

પીએસઆઇ ભટ્ટ, હેડકોન્સ. હારૂનભાઇ ચાનીયા, કોન્સ. રામભાઇ વાંક, જગદીશભાઇ વાંકની બાતમી પરથી પીઆઇ સી. જી. જાષી અને ટીમે દબોચ્યાઃ રિમાન્ડની તજવીજ

રાજકોટઃ શહેરના રૈયાનાકા મેઇન રોડ પર સોની બજારમાં આવેલી ગીરધરલાલ હીરાલાલ હડાળાવાળાની પેઢીમાં ત્રાટકી લૂંટ ચલાવવાની ખોફનાક ઘટનાને બે શખ્સો અંજામ આપે એ પહેલા એ-ડિવીઝન પોલીસે દબોચી લઇ તેનું કાવત્રુ નિષ્ફળ બનાવી દીધુ છે. એ-ડિવીઝનના હેડકોન્સ. હારૂનભાઇ ચાનીયાની ફરિયાદ પરથી આજીડેમ ચોકડી હરસિધ્ધી સોસાયટી-૪માં રહેતાં હકા ગોકળભાઇ લાંબરીયા (ભરવાડ) (ઉ.વ.૪૨) તથા તેના મિત્ર વિશ્વનગર આવાસ ક્વાર્ટર બ્લોક નં. ૧૮/૨૧૨૭, વિક્રમભાઇના મકાનમાં ભાડેથી, મુળ મેઘપર તા. કાલાવડ) સામે આઇપીસી ૩૯૩, ૧૨૦ (બી), ૩૭ (૧) ૧૩૫ મુજબ ગુનો નોîધી ધરપકડ કરી તેની પાસેથી લોખંડની બે ધારદાર તણી, એક છરી, રિવોલ્વર જેવી એરગન, મરચાની ભુકી ૧૦૦ ગ્રામ જેટલી, ખાખી રંગની શેલો ટેપ, બે જાડી હાથમોજા તેમજ સીએનજી રિક્ષા જીજે૦૩-એયુ-૩૫૯૨ અને બાઇક જીજે-૦૩-સીજે-૦૮૯૫ કબ્જે કરવામાં આવ્યા છે.

પીઆઇ સી. જી. જોષી, પીએસઆઇ જે. એમ. ભટ્ટ અને ડી. સ્ટાફની ટીમ પોલીસ સ્ટેશને હતી ત્યારે પીએસઆઇ ભટ્ટ, હેડકોન્સ. હારૂનભાઇ ચાનીયા, કોન્સ. રામભાઇ વાંક અને જગદીશભાઇ વાંકને બાતમી મળી હતી કે હકો લાંબરીયા અને કનકસિંહ ચોહાણ સોની બજાર રૈયાનાકા ટાવર મેઇન રોડ પર ગીરધરલાલ હડાળાવાળાની દૂકાને લૂંટ કરવા પુરી તૈયારી સાથે આવ્યા છે. આથી તુરત જ ટૂકડી એ તરફ પહોચી હતી અને શોધખોળ શરૂ કરતાં બાતમી મુજબના બંને શખ્સ દિવાનપરા-૬ના ખુણેથી મળી આવ્યા હતાં.

આ બંને પાસેથી હથીયારો, લૂંટમાં ઉપયોગમાં લેવાની સાધન સામગ્રી, દળેલુ મરચુ, શેલો ટેપ, એક છરી, બે ધારદાર લોખંડની પટ્ટી, મોઢે બાંધવા ચાર રૂમાલ, માસ્ક, સહિત મળ્યા હતાં. દસેક દિવસ રેકી કર્યા બાદ બંને પેઢી ખાતે પહોચ્યા હતાં અને આટાફેરા શરૂ કર્યા હતાં. પણ લૂંટ કરી ભાગે એ પહેલા પોલીસે દબોચી લઇ બંનેના પ્લાન પર પાણીઢોળ કરી દીધો હતો. પૈસાની જરૂર હોવાથી બંને આ અવળા રસ્તે ચડ્યાનું રટણ કર્યુ હતું. અગાઉ બંને વિરૂધ્ધ કોઇ ગુના નોધાયા નથી. હકો ચા વેચતો હતો અને કનકસિંહ રિક્ષા હંકારતો હતો. લોકડાઉનમાં બંનેના ધંધા ઠપ્પ થતાં મુંજવણમાં હોવાથી લૂંટનો પ્લાન ઘડ્યો હતો.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, એસીપી એસ.આર. ટંડેલની રાહબરીમાં પીઆઇ સી. જે. જાષી, પીએસઆઇ જે. એમ. ભટ્ટ, એએસઆઇ બી.વી. ગોહિલ, ડી. બી. ખેર, હેડકોન્સ. હારૂનભાઇ ચાનીયા, વિરેન્દ્રસિંહ ઝાલા, રામભાઇ વાંક, મોલિકભાઇ સાવલીયા, જગદીશભાઇ વાંક, કોન્સ. મેરૂભા ઝાલા, નરેશભાઇ ઝાલા અને હોમગાર્ડ ચંદ્રેશ તેરૈયાએ આ કામગીરી કરીહતી. આરોપીઓને રિમાન્ડ માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવા તજવીજ થઇ હતી.

(12:20 pm IST)