Gujarati News

Gujarati News

News of Friday, 26th February 2021

૭૨ કરોડની ખંડણી માંગનાર કારખાનેદારનો બેકાર પુત્ર પારસ ઉર્ફ પારીયો મોણપરા નીકળ્યોઃ ક્રાઇમ બ્રાંચે દબોચ્યો

ભકિતનગર સોસાયટીના બિલ્ડરના વિધવા ભાભી સંગીતાબેનને વ્હોટ્સએપ પર ખંડણીનો મેસેજ મળ્યો હતોઃ તેમની દિકરી સાથે રાજકોટ હરિનગરનો યુવાન અમદાવાદ કોલેજમાં ભણ્યો હોઇ તેણીના પરિવારથી વાકેફ હતોઃ મોજશોખ માટે સરળતાથી પૈસા મળી જશે તેવી લાલચ હતી : પીઆઇ વી. કે. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ એચ. બી. ધાંધલ્યાની ટીમે ગુનો ડિટેકટ કર્યોઃ આરોપીના પિતાને વાવડીમાં સ્ક્રુનું કારખાનું : આને ૭૨ કરોડ જોઇતા'તાઃ ક્રાઇમ બ્રાંચે 'મેથીપાક' દીધો

રાજકોટ તા. ૨૬: શહેરની પોષ ગણાતી ભકિતનગર સોસાયટી-૧માં રહેતાં બિલ્ડર કિશોરભાઇ હંસરાજભાઇ પરસાણાના વિધવા ભાભી સંગીતાબેનના અજાણ્યા શખ્સે તેમના મોબાઇલ ફોન પર અજાણ્યા શખ્સે મેસેજ કરી '૭૨ કરોડ આપવા પડશે, નહિતર તમારી ત્રણેય દિકરીઓને જીવવા નહિ દઉ' તેવી ધમકી આપી ખંડણી માંગી હતી. ગભરાઇ ગયેલા પરિવારે પ્રારંભે તો ઘરની બહાર નીકળવાનું બંધ કરી દીધું હતું અને હાલ અમદાવાદ ભણતી એક દિકરીને રાજકોટ બોલાવી લીધી હતી. બીજી એક દિકરીને સાસરેથી ઘરે બોલાવી લીધી હતી. જ્યારે ત્રીજી દિકરી લંડન હોઇ ત્યાં સલામત હોવાની ખાત્રી કરી લીધી હતી. એ પછી મામલો ક્રાઇમ બ્રાંચમાં પહોંચતા તપાસ ઉચ્ચ અધિકારીઓની રાહબરીમાં તપાસનો ધમધમાટ શરૂ થયો હતો. કલાકોમાં જ ક્રાઇમ બ્રાંચે ભેદ ઉકેલી નાંખી યુનિવર્સિટી રોડ પર રહેતાં ૨૦ વર્ષના શખ્સને દબોચી લીધો છે. આ શખ્સ ફરિયાદીની ભત્રીજી સાથે ત્રણ વર્ષ પહેલા અભ્યાસ કરતો હોઇ તેણીને ઓળખતો હતો અને તેના પરિવારથી વાકેફ હતો. મોજશોખ માટે પૈસાની જરૂર હોઇ આ રીતે મેસેજ કરી ખંડણી માંગ્યાનું તેણે રટણ આદર્યુ છે.

આ બનાવમાં ક્રાઇમ બ્રાંચની ટીમે યુનિવર્સિટી રોડ પર હરિનગર મેઇન રોડ સિતારામ છાત્રાલય પાસે શ્રીરામ ખાતે રહેતાં પારસ ઉર્ફ પારીયો મહેન્દ્રભાઇ મોણપરા (પટેલ) (ઉ.વ.૨૦)ને દબોચી લીધો છે. તે હાલમાં બેકાર છે અને તેના પિતા મહેન્દ્રભાઇ મોણપરાને પુનિતનગર વાવડીમાં અમિધારા ફોર્જિંગ નામે સ્ક્રુનું કારખાનુ છે.

પોલીસ સુધી ખંડણીના મેસેજનો મામલો પહોંચતા આ અંગે ડીસીબી પોલીસે ભકિતનગર સોસાયટી-૧માં રહેતાં બિલ્ડર અને ખેડૂત કિશોરભાઇ હંસરાજભાઇ પરસાણા (ઉ.વ.૪૨)ની ફરિયાદ પરથી અજાણ્યા શખ્સ વિરૂધ્ધ આઇપીસી ૩૮૭, ૫૦૭ મુજબ વ્હોટ્સએપથી કિશોરભાઇના વિધવા ભાભીને મેસેજ મોકલી ૭૨ કરોડ નહિ આપો તો તમારા પરિવારની ૩ દિકરીઓને જીવવા નહિ દેવાય તેવી ધમકી આપવા સબબ ગુનો નોંધ્યો હતો.

કિશોરભાઇએ ફરિયાદમાં જણાવ્યું હતું કે અમે ત્રણ ભાઇઓ છીએ. મોટા ભાઇ ગોવિંદભાઇ સાથે રહે છે. નાના ભાઇ ભરતભાઇનું અવસાન થયું છે. તેમના પત્નિ સંગીતાબેન અમારી સાથે રહે છે. તેમને બે દિકરી ડેનીશા અને દ્રષ્ટી છે. સોૈથી નાનો હું છું. મારે એક દિકરો અને એક દિકરી છે. તા. ૨૨/૨/૨૧ના રોજ સાંજે સવા સાતેક વાગ્યે મારા ભાભી સંગીતાબેન મારી પાસે આવ્યા હતાં અને મોબાઇલમાં વ્હોટ્સએપથી અજાણ્યા નંબર પરથી આવેલો મેસેજ વંચાવ્યો હતો.

જેમાં રૂ. ૭૨ કરોડની ખંડણી નહિ આપો તો તમારા પરિવારની ત્રણેય દિકરીઓને જીવવા નહિ દે તેવી ધમકી મેસેજ કરનારે આપી હતી. આ ઉપરાંત મારા ભાભી સંગીતાબેનની દિકરી ડેનીશા અમદાવાદ ખાતે જીએલએસ કોલેજમાં અભ્યાસ કરે તેની પણ મેસેજ કરનારને જાણ હોવાનું તેણે કહ્યુ઼ હતું. આથી મારો ભત્રીજો કેવીન તુરત જ અમદાવાદ ગયો હતો અને ડેનીશાને રાજકોટ તેડી લાવ્યો હતો. બીજા દિકરી દ્રષ્ટી લંડન રહી અભ્યાસ કરતાં હોઇ તે ત્યાં સુરક્ષીત હોઇ તેને આ બાબતે જાણ કરી નહોતી. ગોવિંદભાઇના દિકરી માનસીબેન રાજકોટ સાસરે હોઇ તે અમારા ઘરે આટો મારવા આવ્યા હોઇ તેમને અહિ જ રોકી રાખ્યા હતાં. અમરે બધા સચેત થઇ ગયા હતાં અને બને ત્યાં સુધી કામ વગર ઘરની બહાર નીકળતા બંધ થઇ ગયા હતાં. અમે ખુબ ગભરાઇ ગયા હતાં. અંતે ગુરૂવારે મારા ભાઇ ગોવિંદભાઇ અને પરિવારજનોએ એકઠા થઇ પોલીસને જાણ કરવાનું નક્કી કર્યુ હતું અને ક્રાઇમ બ્રાંચમાં પહોંચી ફરિયાદ કરી હતી.

ઉપરોકત ફરિયાદ નોંધ્યા બાદ પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ ડી. વી. બસીયાએ બનાવને ગંભીર ગણી તુરત જ આરોપીને શોધી કાઢવા સુચના આપતાં પીઆઇ વી. કે.ગઢવીની રાહબરીમાં પીએસઆઇ એચ. બી. ધાંધલ્યા અને ટીમે તપાસ શરૂ કરી હતી અને આરોપી પારસ ઉર્ફ પારીયો મોણપરાને દબોચી લીધો હતો. પ્રારંભે તો તેણે પુછતાછમાં ગલ્લા તલ્લા કર્યા હતાં. પણ પોલીસનો આકરો મિજાજ જોતાં જ તેણે મેસેજ કર્યાની કબુલાત આપી દીધી હતી.

પારસ અને ફરિયાદીના ભાભી સંગીતાબેનની દિકરી ડેનીશા અગાઉ ૨૦૧૭માં અમદાવાદ સાથે અભ્યાસ કરતાં હોઇ પારસ ડેનીશા અને તેના પરિવારના બેગ્રાઉન્ડથી વાકેફ હતો. હાલમાં તેને મોજશોખ માટે પૈસાની જરૂર હોઇ આ રીતે ભય ફેલાવતો મેસેજ ડેનિશાના પરિવારને કરવાથી પૈસા મળી જશે તેવી લાલચે તેણે ડેનિશાના માતાના નંબર પોતાની પાસે હોઇ ફેક નંબરથી ખંડણીનો મેસેજ મોકલ્યો હતો.

પીઆઇ વી. કે. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ એચ. બી. ધાંધલ્યા, હેડકોન્સ. રાજેશભાઇ બાળા, રઘુવીરસિંહ વાળા, સિધ્ધરાજસિંહ જાડેજા, સુભાષભાઇ ઘોઘારી, પ્રદિપસિંહ જાડેજા, કોન્સ. અશોકભાઇ ડાંગર, શકિતસિંહ ગોહિલ સહિતે આ કામગીરી કરી હતી. પારસની વધુ પુછતાછ થઇ રહી છે.

(3:21 pm IST)