Gujarati News

Gujarati News

News of Monday, 26th October 2020

ભૂપત બાબુતર સહિત વિરૂધ્ધ દાખલ થયેલા ગુનાઓમાં રાજુ ગોસ્વામી સહિતના વિરૂધ્ધ વોરન્ટ મેળવવા કાર્યવાહી

આરોપીઓ ૭૦ મુજબના વોરન્ટ બાદ પણ નહિ મળે તો ભાગેડૂ જાહેર કરવાની અને મિલ્કતો ટાંચમાં લેવાની કાર્યવાહી થશે

રાજકોટ તા. ૨૬: વ્યાજખોરી અને જમીન કોૈભાંડ તેમજ બળજબરીથી નાણા કઢાવી લેવા મથતાં શખ્સો સામે પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે. આ મામલે ભૂપત બાબુતર સહિતના વિરૂધ્ધ ક્રાઇમ બ્રાંચ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાઓમાં નાસતા ફરતાં આરોપીઓને પકડી લેવા પોલીસે વિશેષ કાર્યવાહી હાથ ધરી છે. વ્યાજખોરી સહિતના બનાવોમાં ભોગ બનનારને ન્યાય મળી રહે તે માટે પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલની સુચના મુજબ એસીપી ક્રાઇમ ડી. વી. બસીયાની રાહબરીમાં પીઆઇ વી. કે. ગઢવી અને ટીમ તપાસ કરી રહી છે. દરમિયાન ભૂપત  સાથેના સહઆરોપીઓ કે જે ભાગતા ફરે છે તેના વિરૂધ્ધ કોર્ટમાંથી ૭૦ મુજબના વોરન્ટ મેળવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ડીસીબી પોલીસ સ્ટેશનમાં હોટેલ સંચાલક ધવલ ભરતભાઇ મિરાણી (રહે. પેડક રોડ શિવસૃષ્ટી પાર્ક)એ નોંધાવેલી ફરિયાદમાં ભૂપત બાબુતર સહિતે રૂ. ૭૦ લાખ બળજબરીથી કઢાવી લીધાનો આરોપ મુકાયો છે. આ મામલે આઇપીસી ૩૨૩, ૩૮૬, ૫૦૪, ૫૦૬ (૨), ૧૧૪ મુજબ ગુનો દાખલ થયો હતો. જેમાં ભૂપત બાબુતરની અગાઉ ધરપકડ થઇ ચુકી હતી. તેમજ રાજેશ ઉર્ફ રાજુ ભુંડીયા ઘોઘાભાઇ કાનાભાઇ સિંધવની ધરપકડ થઇ હતી. અન્ય આરોપીઓ ગેલા નાથા હાંસલા, મુકેશ કાનજીભાઇ વીરડીયા તથા તપાસમાં ખુલે તેને પકડવાના બાકી છે.

આ ઉપરાંત બેડીના રમેશભાઇ મોહનભાઇ અજાણીની ફરિયાદ પરથી પ્રમોદગીરી ઉર્ફ રાજુ પ્રેમગીરી ગોસ્વામી, હિતેષ ભગવાનગીરી ગોસ્વામી, મુકેશ બટુકભાઇ ઝાપડા, ભૂપત બાબુતર સહિતના વિરૂધ્ધ આઇપીસી ૪૦૬, ૪૨૦, ૫૦૪, ૫૦૬ (૨), ૩૮૫, ૩૮૬, ૪૪૭, ૧૧૪ અને મનીલેન્ડ એકટ હેઠળ નોંધાયેલા ગુનામાં ભૂપત અને મુકેશ ઝાપડા પકડાઇ ગયા છે. રાજુ, હિતેષ સહિતનાને પકડવાના બાકી છે. તેને શોધી કાઢવા તેના ઘર સહિતના સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતાં. પરંતુ તે હાથમાં આવ્યા નથી.

આ આરોપીઓને પકડી પાડવા કોર્ટમાંથી ૭૦ મુજબના વોરન્ટ મેળવવાની કાર્યવાહી ચાલુ છે. જો આરોપીઓ નહિ મળે તો સીઆરપીસી કલમ-૮૨ મુજબ ફરારીનું જાહેરનામુ મેળવી ભાગેડૂ જાહેર કરવાની કાર્યવાહી થશે. તેમજ કલમ ૮૩ મુજબ મિલ્કતો ટાંચમાં લેવાની કાર્યવાહી પણ કરવામાં આવશે. જો આ શખ્સોને કોઇ આશરો આપશે તેવું જણાશે તો તેની સામે પણ પોલીસ કાયદેસરની કાર્યવાહી કરશે. તેમ જણાવાયું છે. પીઆઇ વી. કે. ગઢવી, પીએસઆઇ વી. જે. જાડેજા, એસ. વી. સાખરા સહિતની ટીમ તપાસ કરી રહી છે.

(3:37 pm IST)