Gujarati News

Gujarati News

News of Thursday, 26th November 2020

કલેકટર કચેરી ISO-9008 વગરની : બે વર્ષથી રિન્યુ માટે કોઇ અરજી થઇ નથી : દરેક સ્થળેથી બોર્ડ ઉતારાયા

કોરોનાને કારણે હવે કયારે એપ્લાય કરાશે તે નક્કી નથી : ટીમો આવે તેવી કોઇ શકયતા નથી

રાજકોટ તા. ૨૬ : રાજકોટ શહેર-જિલ્લાની અદ્યતન અને કોર્પોરેટ ઓફિસ જેવી બનાવાયેલ નવી કલેકટર કચેરીએ ૫ વર્ષ પહેલા ISO-9008 સર્ટિફિકેટ મેળવ્યું હતું, જે દર વર્ષે રીન્યુ પણ થતું અને રાજ્યમાં આવું સર્ટિફિકેટ મેળવનાર રાજ્યની આ પ્રથમ કલેકટર કચેરી હતી.

આ ISO-9008 સર્ટીફિકેટ માટે અરજી કર્યા બાદ, આ સર્ટિફાઇડ કરતી ટીમ રાજકોટ આવે અને તમામ બાબતો ચકાસે, બાદમાં સર્ટિફિકેટ અપાય છે, આ ટીમ દ્વારા સફાઇ, સ્વચ્છતા, નિયમીતતા, ફાઇલોનો નિકાસ, કર્મચારીઓની હાજરી, અરજદારો સાથે વર્તન વિગેરે તમામ બાબતો જોવાય છે. પરંતુ હાલ રાજકોટ કલેકટર કચેરી ISO-9008 વગરની બની ગઇ છે, છેલ્લા બે વર્ષથી રિન્યુ માટે કોઇ અરજી થઇ નથી. પરિણામે કલેકટર કચેરીની દરેક બ્રાંચમાંથી આવા સર્ટિફિકેટના જે બોર્ડ લગાવાયા હતા તે ઉતારી લેવાયા છે.

સાધનોના ઉમેર્યા પ્રમાણે કલેકટર તંત્ર હવે કોરોના સંદર્ભે હવે કયારે અરજી કરશે, તે નક્કી નથી, એટલું જ નહી અરજી કર્યા બાદ ટીમો ચકાસણી માટે આવશે કે કેમ તેવી પણ શકયતા નથી.

જો કે, હાલ કલેકટર કચેરીની ત્રણેય માળ તથા ખૂણે ખાચરે કલેકટર રેમ્યા મોહનની શિસ્તપાલન અને સીસીટીવી કેમેરાને કારણે સ્વચ્છતા - સફાઇ - નિયમીતતા જોવા મળે છે, પરંતુ ISOનું સર્ટિફિકેટ તેનું બોર્ડ અલગ જ છાપ ઉપસાવે છે તે પણ હકીકત છે.

(3:27 pm IST)