Gujarati News

Gujarati News

News of Wednesday, 27th January 2021

રાજકોટમાં આજે યોજાનારી ગુજરાત કિસાન સંઘર્ષ સમિતીની સભા માટે પોલીસ દ્વારા મંજુરી ન અપાઇ

દિલ્હીમાં ગઇકાલે સર્જાયેલી પરિસ્થિતિને ધ્યાને રાખી તેમજ રાજકિય વ્યકિતઓ આવે તો આચાર સંહિતા ભંગ થાય ઉપરાંત કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે સહિતના કારોણસર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે લીધો નિર્ણયઃ અગાઉ પોલીસે ૨૨મીની મંજુરી આપી હતી

રાજકોટ તા.૨૭: આજે બુધવારે રાજકોટ ખાતે 'ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ' દ્વારા એક સભા યોજવા માટેની મંજુરી શહેર પોલીસ કમિશનર પાસે માગવામાં આવી હતી. પરંતુ ગઇકાલે ૨૬મીએ દિલ્હી ખાતે જે પરિસ્થિતિ સર્જાઇ તેને ધ્યાને રાખી તેમજ રાજકોટમાં હાલમાં ચૂંટણી આચારસંહિતા પણ લાગુ હોઇ તેમજ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે સહિતના કારણોને ધ્યાને રાખી રાજકોટ પોલીસે આજની સભાને મંજુરી આપી નથી. તેમ પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ અને ડીસીપી ઝોન-૨ મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું હતું.

ડીસીપીશ્રી મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે શહેર પોલીસ કમિશ્નરશ્રીને સંબોધીને અરજદાર પાલભાઇ રામભાઇ આંબલીયાએ તા.૨૭/૦૧ બપોરના ૧૨:૦૦ થી સાંજના  ૬:૦૦ સુધી ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના કન્વીનર નવા ૧૫૦ ફુટ રીંગ રોડ, લાયન કીંગ વોટર પાર્ક સામે આવેલ ખેતરમાં સૌરાષ્ટ્રના ખેડુતોની જાગૃતી માટે સભાનું આયોજન કરવાના હોઇ તે માટે મંજૂરી આપવા માંગણી કરી હતી.

હાલમાં કૃષી અંગે ત્રણ કાયદા પસાર થયેલા હોઇ તે અંગે માર્ગદર્શન તથા જાણકારી આપવાના ઇરાદે આ સભાનું આયોજન કરાયું હોવાનું અને તેમાં સૌરાષ્ટ્રના ખેડૂત આગેવાનો હાજર રહેવાના હોવાનું જણાવાયું હતું. તેમજ  આ સભા રાજકીય નહિ પરંતુ માત્ર ખેડુતોમાં જાગૃતી લાવવા માટેની જ હોવાનું તથા સભા દરમ્યાન કોઇ સુત્રોચારો કરવાના ન હોઇ અને હાલમાં કોરોના વાયરસ અન્વયે સરકાર તરફથી આપવામાં આવેલ ગાઇડલાઇનનું સંપુર્ણ પાલન કરવાના હોઇ જેથી સભા માટે મંજુરી આપવા અરજીમાં જણાવાયું હતું.

પરંતુ દિલ્હી ખાતે ૨૬મી જાન્યુઆરીએ ટ્રેકટર રેલી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી ખરાબ થઇ હોઇ તેમજ હાલમાં ગુજરાતમાં આચારસંહીતા અમલમા હોઇ તેમજ આ સભામાં રાજકીય વ્યકિત બીનરાજકીય મંચ ઉપર ભેગા થાય તો આચારસહીતાનો ભંગ થવાની પુરી શકયતા હોઇ તેમજ અરજદાર પાસેથી સભામાં આવનાર ખેડુતો કયા કયાથી આવનાર છે? વાહનો કેટલા? તેના નંબરો સહિતની માહિતી પોલીસે માંગી હતી. આ માહિતી પુરી પાડવામાં આવેલ ન હોઇ જેથી  કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને ધ્યાને રાખી સભાની મંજૂરી રદ કરવામાં આવી છે. તેમજ મંજૂરી રદ કરવામાં આવી તે બાબતે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતીના આગેવાનોને રૂબરૂ બોલાવી આ બાબતેની જાણ પણ કરવામાં આવી છે.

નોંધનીય છે કે અગાઉ ૨૨મીએ પણ આવી એક સભા રાજકોટ ખાતે યોજવામાં આવી હતી. જેની પોલીસે નિયમોનું પાલન કરવા સાથેની શરતોને આધીન મંજુરી આપી હતી.

(10:28 am IST)