Gujarati News

Gujarati News

News of Sunday, 27th September 2020

રાજકોટમાં પ્રથમ વખત ઇ-લોક અદાલત યોજાઇ

રાજકોટ શહેર અને જીલ્લાના મળી ૮૦૦ કેસો મુકાયા : આઇ.આઇ.સી.આઇ. લોમ્બાર્ડ ઇન્સ્પોરન્સ કંપનીએ વળતર કેસો સંબંધ ડીસ્ટ્રીકટ કોર્ટમાં એક કરોડનો ચેક જમા કરાવ્યો : બપોર સુધીમાં ર૦ ટકા સાંજ સુધીમાં પ૦ ટકા, કેસોનો નિકાલ કરાશે : વળતર કેસોમાં કરોડોનું વળતર

રાજકોટ, તા. ર૬ :  આજે રાજકોટ ખાતે પ્રથમ વખત ઇ-લોક અદાલત યોજાઇ હતી. આ લોક-અદાલતમાં કુલ ૮૦૦ કેસો રાજકોટ જીલ્લામાંથી મુકવામાં આવ્યા હતાં. આ લખાય છે ત્યારે બપોરના ૧ર કલાકે ૯ લોકો અદાલતને ભારે સફળતા મળી રહ્યાનું સુત્રો દ્વારા જાણવા મળેલ છે.

મળતી માહિતી મુખ્ય પ્રથમ બે કલાકમાં ર૦ ટકા જેટલા કેસોનો નિકાલ થયો હતો. અકસ્માત વળતરનાં કેસોમાં આજે આઇ.સી.આઇ.સી.આઇ. લોમ્બાર્ડ ઇન્સ્યોરન્સ કંપની વતી લીગલ ઓફીસર જીજ્ઞેશભાઇ રાવલ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓની કંપની સામે થયેલા વળતર કેસો સંબંધે તેઓએ એક કરોડ એક લાખનો ચેક ડીસ્ટ્રીકટ કોર્ટમાં જમા કરાવ્યો હતો.

આ ઉપરાંત એચ.ડી. એફ.સી. ટાટા એ.આઇ.જી. ગો-ડીઝીટ, સહિતની વિવિધ ઇન્સ્યોરન્સ કંપનીના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતાં. બપોર સુધીમાં અકસ્માત વળતરના કેસોમાં કરોડોનું વળતર મંજુર કરવામાં આવ્યું હતું. આજની લોક અદાલતમાં ૮૦૦ કેસો મુકાયા હતાં. જેમાં સાંજ સુધીમાં પ૦ થી ૬૦ ટકા કેસોનો નિકાસ કરવામાં આવશે તેમ જાણવા મળે છે.

ગુજરાત રાજય કાનૂની સેવા સતા મંડળ, ગુજરાત હાઇકોર્ટ, અમદાવાદના ઉપક્રમે જિલ્લા કાનૂની સેવા સતા મંડળ, રાજકોટ દ્વારા આજે તા. ર૬-૯-ર૦ર૦ ના રોજ રાજકોટ જિલ્લાની રાજકોટ જિલ્લા મથકે તથા તાલુકા મથકે આવેલા તમામ અદાલતોમાં ઇ-લોક-અદાલતનું આયોજન કરવામાં આવેલ. સદર લોક-અદાલતમાં કોર્ટમાં દાખલ થયેલ કેસો હાથ પર લેવામાં આવેલ હતાં.

સદર લોક-અદાલતમાં (૧) ફોજદારી સમાધાન લાયક કેસો, (ર) નેગ્રેશીએબલ એકટની કલમ-૧૩૮ (ચેક રીટર્ન અંગેના કેસો) હેઠળના કેસો (૩) બેન્ક લેણાના કેસો (૪) મોટર અકસ્માત વળતરને લગતા કેસો કપ) લગ્ન વિષયક કેસો (૬) મજુર અદાલતના કેસો (૭) જમીન સંપાદનને લગતા કેસો (૮) ઇલેકટ્રીકસીટી તથા પાણીના બીલોને લગતા કેસો (૯) રેવન્યુ કેસીસ (૧૦) દિવાની પ્રકારના કેસો (ભાડા, સુખાધિકારના કેસો, મનાઇ હુકમના દાવા, પાલનના દાવા) (૧૧) અન્ય સમાધાન લાયક કેસો મુકવામાં આવ્યા હતાં.

જિલ્લા કાનૂની સેવા સતા મંડળ, રાજકોટના ચેરમેનશ્રી તથા મુખ્ય જિલ્લા ન્યાયાધીશ ઉત્કર્ષ ઠાકોરભાઇ દેસાઇ સાહેબ દ્વારા તમામ પક્ષકારોને અનુરોધ કરવામાં આવેલ છે કે, ઇ-લોક અદાલતમાં તેઓના કેસ મુકી નિર્ણિત કરવામાં આવે તો બન્ને પક્ષકારોને લાભ કર્તા છે, બન્ને પક્ષકારો વચ્ચે સમાધાનથી કેસનો નિકાલ થાય છે. તથા કોઇનો વિજય નહીં તેમજ કોઇનો પરાજય નહીં તેવી પરિસ્થિતિ ઉદ્ભવે છે અને તે કારણસર પક્ષકારો વિવાદ મુકત બને છે તથા વૈમનસ્યથી મુકત થવાય છે તેમજ પક્ષકારોની સમજણ તથા સમજુતીથી કેસનો નિકાલ થયેલ હોય અપીલ થતી નથી જેથી ભવિષ્યના વિવાદથી પણ પક્ષકારોને છુટકારો મળે છે.  આજે યોજાયેલ લોક-અદાલતમાં વિમા કંપનીના વકીલોએ સુનિલ મોકા, જે.ટી. ગોંડલીયા, સરફરાજખાન પઠાણ, ત્થા અરજદારોના વકીલોમાં રાજેશભાઇ મહેતા, મુકેશભાઇ દેસાઇ, ગોપાલભાઇ ત્રિવેદી, ફારૂકભાઇ મોહન, ભાવેશ મકવાણા, પ્રિયાંક ભટ્ટ, કલ્પેશ વાઘેલા, પી.આર. દેસાઇ, નવીનભાઇ શાહ વિગેરે ઉપસ્થિત રહ્યા હતાં. તેમજ બાર એસો.ના પ્રમુખ બકુલભાઇ રાજાણી સેક્રેટરી જીજ્ઞેશભાઇ જોષી વિગેરેએ લોક અદાલતને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. (તસ્વીર : સંદિપ બગથરીયા )

(3:33 pm IST)