Gujarati News

Gujarati News

News of Tuesday, 27th October 2020

વહેલી સવારે ઠંડીનો ચમકારોઃ શિયાળાના આગમનના એંધાણ

જો કે સૂર્યનારાયણના દર્શન થતાની સાથે જ હુંફાળુ વાતાવરણઃ બપોરે અસહય ઉકળાટ

રાજકોટ, તા., ૨૭: રાજકોટ સહીત સૌરાષ્ટ્ર-કચ્છમાં વહેલી સવારે ઠંડીનો ચમકારો અનુભવાતા શિયાળાના આગમનના એંધાણ વર્તાઇ રહયા છે.

જો કે સવારે સૂર્યનારાયણના દર્શન થતાની સાથે જ હુંફાળુ વાતાવરણ છવાઇ જાય છે અને બપોરે અસહ્ય ઉકળાટનો અનુભવ થાય છે.

ઉતર ભાગમાંથી હવે ઠંડા પવન ફુંકાવાના શરૂ થયા છે જેના કારણે છેલ્લા કેટલાક દિવસોથી વાતાવરણ પલટાયું છે અને હવે શિયાળાનો પ્રારંભ દેખાઇ રહયો છે. જો કે બપોર દરમિયાન સામાન્ય ગરમી જોવા મળી રહી છે. પરંતુ મોડી રાતે અને વહેલી સવારે ફુલગુલાબી ઠંડીનો અહેસાસ અનુભવાઇ રહયો છે.

કાલે નલીયાનું લઘુતમ તાપમાન ૧૮.૪ ડીગ્રીએ પહોંચી જતા ફુલગુલાબી ઠંડી વર્તાઇ હતી. આ ઉપરાંત રાજયના વિવિધ શહેરના તાપમાન પણ ર૦ ડીગ્રીની આસપાસ પહોંચી જવાની સાથે વહેલી પરોઢે ફુંકાયેલા મંદ પવનથી ઠંડીનો માહોલ જામી રહયો હોય દેખાઇ રહયું છે.

શિયાળો હવે ધીરે ધીરે જામી રહયો હોય એમ ફુલગુલાબી ઠંડી પડવાનો પ્રારંભ થયો છે. સોમવારે પરોઢીયે જ ઠંડીનો ચમકારો દેખાયો હતો. સવારે ચાલવા નીકળેલા લોકોએ ઠંડા વાતાવરણનો આનંદ ઉઠાવ્યો હતો. ઠંડીને લીધે વહેલી પરોઢે પંખા બંધ કરવા પડયા હોવાનું તેમજ ઓઢવા માટે ચાદર, લેવી પડી હોવાનું લોકોએ જણાવ્યું હતું.આ માહોલ વચ્ચે દિવસે બપોરે તાપમાનનો પારો ૩૬ ડીગ્રી પર રહેતા ગરમીનો અહેસાસ લોકોએ કર્યો હતો. આમ છેલ્લા કેટલાક દિવસોથી બેવડી ઋતુનો અહેસાસ થતા લોકો રોગના ભોગ બન્યા છે. આગામી પાંચ દિવસમાં પારો હજુ ગગડશે એવી હવામાન ખાતા દ્વારા આગાહી વ્યકત કરાઇ છે. આજે રાજયના મોટા ભાગના શહેરના મહતમ તાપમાનમાં એકથી બે ટકા જેટલો ઘટાડો થયો હતો. આજે ૧૮.૪ ડીગ્રી સાથે નલીયા રાજયનું સૌથી ઠંડુ શહેર બન્યું હતું.

ગઇકાલે અમદાવાદ રર.૧ ડીગ્રી, ડીસા ૧૮.૬ ડીગ્રી, વડોદરા ર૦.૮ ડીગ્રી, સુરત રર.૪ ડીગ્રી, રાજકોટ રર.૦ ડીગ્રી, કેશોદ ર૦.૬ ડીગ્રી, ભાવનગર ર૪.૪ ડીગ્રી, પોરબંદર રર.૪ ડીગ્રી, ભુજ રર.૮ ડીગ્રી, નલીયા ૧૮.૪ ડીગ્રી, કંડલા ર૦.૧ ડીગ્રી, ગાંધીનગર ૧૯.પ ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.

(11:52 am IST)