Gujarati News

Gujarati News

News of Tuesday, 27th October 2020

બ્રાહ્મણીયાપરામાં ઓરિસ્સાના સોની કામના કારીગરે ફાંસો ખાઇ જીવ દીધો

પત્નિ-સંતાનોને દોઢેક વર્ષથી વતન મોકલી દીધા'તાઃ સાથે કામ કરતો કારીગર ઘરે આવ્યો ત્યારે બનાવની જાણ થઇઃ કારણ જાણવા તપાસ

રાજકોટ તા. ૨૭: સામા કાંઠે ગોવિંદપરા શાક માર્કેટ પાસે બ્રાહ્મણીયાપરા-૧માં શિવ પેલેસ પાસે રહેતાં ખેરૂસીંગ સંકીરનભાઇ પોંઢ (ઉ.વ.૪૯) નામના મુળ ઓરિસ્સાના સોની કામના કારીગર પ્રોૈઢે રૂમમાં ચારદર-લુંગી ભેગા કરી છતના હુકમાં બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી ગઇ હતી.

ખેરૂસીંગની સાથે સોની બજારમાં સોની કામ કરતાં કારીગર ઘરે આવ્યા ત્યારે રૂમ અંદરથી બંધ હોઇ બારીમાંથી હાથ નાંખી આગળીયો ખોલી અંદર જતાં ખેરૂસીંગ લટકતા જોવા મળતાં ૧૦૮ને જાણ કરી હતી. તેના ઇએમટી કોમલબેને તેને મૃત જાહેર કરતાં કન્ટ્રોલ ઇન્ચાર્જ ભુપેન્દ્રસિંહે જાણ કરતાં બી-ડિવીઝનના હેડકોન્સ. વિક્રમસિંહ સોલંકી અને કિશનભાઇએ જરૂરી કાર્યવાહી કરી હતી.

પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ આપઘાત કરનાર પ્રોૈઢ તેના શેઠના મકાનમાં બીજા કર્મચારી સાથે રહેતાં હતાં. અગાઉ તેના પત્નિ, પુત્ર, પુત્રી પણ અહિ જ રહેતાં હતાં. પણ દિકરાના લગ્ન નક્કી કરવાના હોઇ જેથી દોઢેક વર્ષથી પત્નિ-સંતાનોને વતન મોકલી દીધા હતાં. આપઘાતનું કારણ બહાર ન આવતાં તપાસ યથાવત રાખવામાં આવી છે.

(11:54 am IST)