Gujarati News

Gujarati News

News of Tuesday, 27th October 2020

સિવિલ કોવિડ હોસ્પિટલમાં બહારથી આવી સેવા આપે છે ડેન્ટીસ્ટ તબિબો

ત્રણ મહિનામાં ઘણું નવું શીખ્યાનો અને દર્દીઓના આશીર્વાદ મળ્યાનો ઉત્સાહઃ પ્રારંભે ડો. શિવાંગી કણસાગરા પોતે પણ સંક્રમિત થઇ ગયા'તા

રાજકોટઃ  જિલ્લામાં કોરોનાના દર્દીઓને અદ્યતન સારવાર આપવામાં આવી રહી છે. પીડીયુ કોવિડ હોસ્પિટલમાં દર્દીઓની સારવાર માટે ૨૪ કલાક તબીબો અને નર્સિંગ સ્ટાફ ફરજ બજાવે છે. દર્દીઓની સારવારમાં ડોકટરોને મદદ કરવા માટે પીડીયુ હોસ્પિટલમાં બહારગામથી આવેલા ડેન્ટિસ્ટ તબીબો પણ સેવા આપી રહ્યા છે.

અમદાવાદથી સેવા આવેલા ડેન્ટિસ્ટ ડો.આઝાદી ઝાલૈયાએ જણાવ્યું હતું કે હુ ત્રણ મહિનાથી સેવા આપુ છું. અમારે સારવાર આપતા તબીબની મદદમાં કામગીરી કરવાની હોય છે. આ સેવા દરમિયાન અમે ઘણું નવું શીખ્યા છીએ. શરૂઆતમાં અમારા માટે પણ આ સેવા નવી હતી પરંતુ બધાના સહકારથી અમે હવે દર્દીને સારી રીતે કેર કરી શકીએ છીએ.

દર્દીની સારવારમાં મદદ કરતા શરુઆતમાં પોતે સંક્રમિત થયેલા ડેન્ટિસ્ટ ડો. શિવાંગી કણસાગરાએ જણાવ્યું હતું કે હોસ્પિટલમાં દર્દીઓને સારામાં સારી સારવાર આપવામાં આવે છે અને અમને પણ જમવાની રહેવાની અને ટ્રાન્સપોર્ટેશનની સુવિધા પણ આપવામાં આવે છે. ડો. કોમલ જેઠવાએ જણાવ્યું હતું કે હોસ્પિટલમાં દર્દી પાસે એટેન્ડેન્ટ રાખવામાં આવે છે. હોસ્પિટલનું મેનેજમેન્ટ ખૂબ સારું છે અને એના લીધે દર્દીઓને વિવિધ સુવિધા મળી રહે છે. ડો. કિશન મકવાણા સુરત થી આવે છે તેમણે જણાવ્યું હતું કે તમારે ડોકટરની મદદમાં દર્દીનુ ઓકિસજન લેવલ તપાસ કરવાની તેમજ જરૂરી પેપર વર્ક અને બીજી સહાયક કામગીરી કરવાની હોય છે અને આ કામગીરીમાં દર્દી ના આશીર્વાદ પણ અમને મળે છે.

ડો.વૈશાલી વાઘેલાએ પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે અમને આ સારવાર દરમિયાન ઘણું નવું શીખવા મળ્યું છે.

(1:02 pm IST)