Gujarati News

Gujarati News

News of Tuesday, 27th October 2020

આતશબાજીનું હચુ-ડચુ : દિવાળી કાર્નિવલ કેન્સલ થશે

શહેરમાં કોરોનાની સ્થિતિ હળવી થઇ છે પરંતુ વાયરસથી બચવું જરૂરી : આ સંજોગોમાં ભીડ એકત્ર ન થાય તે માનવ સમાજ માટે હીતાવહ : સરકાર માર્ગદર્શન આપે તે મુજબ તહેવારોમાં જાહેર કાર્યક્રમ યોજવા નિર્ણય : મેયર બીનાબેન આચાર્ય

રાજકોટ, તા. ર૭ : દર વર્ષે દિવાળીનાં તહેવારોમાં મ.ન.પા. દ્વારા આતશબાજી તેમજ પાંચ દિવસના દિવાળી કાર્નિવલનું આયોજન થાય છે. આ વર્ષે પણ આ માટે અલગથી બજેટ જોગવાઇ કરવામાં આવી છે. પરંતુ વર્તમાન કોરોનાં સંક્રમણની સ્થિતિમાં આવા જાહેર કાર્યક્રમ યોજના હે કેમ ? તે બાબતે શાસકોએ હજુ સુધી કોઇ  ચોક્કસ નિર્ણય લીધો નથી.

આ અંગે સત્તાવાર પ્રાપ્ત વિગતો મુજબ દિવાળીના તહેવારોમાં વર્ષોથી મ.ન.પા. દ્વારા માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય આતશબાજીનો કાર્યક્રમ યોજવામાં આવે છે. અને શહેરીજનો ત્થા બાળકો તેનો ભરપુર આનંદ મેળવે છે.

દર વખતે ધનતેરસનાં દિવસે આ આતશબાજી યોજવામાં આવે છે. પરંતુ હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોનાં સંક્રમણની સ્થિતિ છે.  ત્યારે કેન્દ્ર અને રાજય સરકારે નવરાત્રી-ઇદ-દિવાળી- ગુરૂનાનક જયંતિ જેવા તહેવારોમાં ભીડ એકત્રીત નહીં કરવા, સોશ્યલ ડીસ્ટન્સીંગ અને માસ્ક પહેરીને જ બહાર નીકળવાં સહિતનાં કોવિડ-૧૯ને લગત નિયમોનું જાહેરનામુ પ્રસિધ્ધ કર્યુ છે. ત્યારે આગામી દિવાળીનાં તહેવારોમાં મ.ન.પા. આતશબાજી તથા દિવાળી કાર્ર્નિવલ યોજશે કે કેમ ? તેવા સવાલો નગરજનોમાં ઉઠવા પામ્યા છે.

દરમિયાન આ બાબતે મેયર બીનાબેન આચાર્ય એ આ બાબતે જણાવ્યું હતું કે હાલમાં શહેરમાં કોરોનાની સ્થિતિ સુધરી છે. કેસ ઓછા થયા છે. અને દેશભરમાં કોરોના થોડો હળવો થયો છે. પરંતુ વાયરસથી બચાવું જરૂરી છે. આથી જ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ દેશનાં પ્રત્યેક નાગરિકને ''જબ તક દવાાઇ નહી તબ તક ઢિલાઇ નહી ''નું સુત્ર આપી અને તહેવારોમાં લોકોને સંયમ જાળવવા અપીલ કરી છે.

આ સંજોગોમાં મ.ન.પા. દ્વારા આતશબાજી ત્થા દિવાળી કાર્નિવલ જેવા જાહેર કાર્યક્રમોનું આયોજન પુરી સાવચેતી અને સાવધાનીપૂર્વક કરવું પડે કેમકે આ બધા કાર્યક્રમોમાં લોકોની ભીડ એકત્રીત થવાનો ભય છે. જો આમ થાય તો સ્થિતિ ફરી ગંભીર બની શકે માટે દિવાળી કાર્નિવલ લગભગ કેન્સલ કરવો પડે. જયારે આતશબાજી યોજવી કે નહીં ? અને જો કાર્યક્રમ યોજવામાં આવે તો કેવી રીતે આયોજન કરવુ વગેરે બાબતોએ રાજય સરકારનું માર્ગદર્શન આવે તે મુજબ નિર્ણય થઇ શકશે.

આમ આ વખતે આતસબાજી અને દિવાળી કાર્નિવલ જેવા કાર્યક્રમો યોજાવાની શકયતા નહીવત છે.

(3:28 pm IST)