Gujarati News

Gujarati News

News of Tuesday, 27th October 2020

નોન એનએફએસએ બીપીએલ કાર્ડ ધારકોના સર્વેમાં શિક્ષકોને મુકિત આપો

શહેર માધ્યમિક શિક્ષક સંઘ દ્વારા પ્રાંત અધિકારીને રજુઆત

રાજકોટ તા. ૨૭ : શહેર માધ્યમિક  શિક્ષક સંઘ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી માધ્યમિક શિક્ષકોને નોન એન.એફ.એ. બીપીએલ રેશનકાર્ડ ધારકોના ડોર ટુ ડોર સર્વેની કામગીરીમાંથી મુકત રાખવા રજુઆત કરાઇ છે.

રજુઆતમાં જણાવ્યુ છે કે છેલલા બે માસથી એટલે કે લોકડાઉન સમયથી અનાજ વિતરણ કાર્ય પણ શિક્ષકો સંભાળતા આવ્યા. પરપ્રાંતિય મજુરોને ટ્રેન મારફત રવાના કરવાની વ્યવસ્થામાં પણ તેઓને જોડવામાં આવ્યા. કોરોના સંક્રમિત લોકોની ડોર ટુ ડોર સર્વે કામગીરીમાં પણ જોડવામાં આવ્યા, ખાનગી હોસ્પિટલોમાં કેટલી બેડ ખાલી છે તે જાણવાની કામગીરી પણ તેઓ પાસેથી કરાવાઇ અને હજુ બાકી હતુ તે નોન એફએસએ બીપીએલ રેશનકાર્ડ ધારકોના ડોર ટુ ડોર સર્વેમાં પણ શિક્ષકોને કામ સોંપવામાં આવ્યુ.

હવે શિક્ષકોને દિવાળીનું વેકેશન શરૂ થઇ રહ્યુ હોય વતનથી દુર ફરજ બજાવવા આવતા શિક્ષકો વતન જવાની તૈયારીમાં હોય કમસેકમ આ નોન એફએસએ સર્વે કામગીરીમાંથી તેઓને મુકત કરવા રજુઆતમાં જણાવાયુ હોવાનું શહેર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ નરશીભાઇ પટોરીયા, મહામંત્રી વિલાસગીરી ગોસ્વામી અને મીડીયા કન્વીનર ભાવેશભાઇ ઇલાણી (મો.૯૮૯૮૮ ૧૨૦૦૦) ની યાદીમાં જણાવાયુ છે.

(3:32 pm IST)