Gujarati News

Gujarati News

News of Tuesday, 27th October 2020

ઈસ્લામ ધર્મના સ્થાપક હઝરત મોહંમદ પયગંબર સાહેબના જન્મદિવસની સાદગીભેર ઉજવણી થશે

કોરોનાના પગલે ઈદ-એ- મિલાદ પ્રસંગે ધર્મસભા આમન્યાઝના કાર્યક્રમો રદ્દ : મહામારી સામેની લડતમાં જરૂરિયાતમંદોને માસ્ક, સેનેટાઈઝર અને નાસના મશીનોનું વિતરણ કરવાની અપીલ કરતાં યુસુફભાઈ જુણેજા

રાજકોટ તા. ૨૭: ઇસ્લામ ધર્મના સ્થાપક અને સમગ્ર વિશ્વને એકતા અને ભાઈચારાનો સંદેશો આપનાર હઝરત મોહમંદ પયગંબર  સાહેબના જન્મદિવસ ઈદ-એ-મિલાદની પ્રતિવર્ષ સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટમાં અલ્હાઝ યુસુફ ભાઈ જુણેજાના માર્ગદર્શન હેઠળ યોમ્મુનબી કમિટી તેમજ મુસ્લિમ સમાજ દ્વારા શાનો-શોકતથી ભવ્યતાથી ઉજવણી કરવામાં આવે છે. પરંતુ આ વખતે વૈશ્વિક મહામારી કોરોના વાઇરસના ફૂંફાડાના પગલે હઝરત મોહંમદ પયગંબર સાહેબના વિલાદત્ત પર્વ ઈદ-એ-મિલાદ પ્રસંગે રેસકોર્સમાં આમન્યાઝ અને ધર્મસભાના કાર્યક્રમો રદ્દ કરવામાં આવેલ હોવાની જાહેરાત યોમુન્નબી કમિટીના પ્રેસિડેન્ટ અલ્હાજ યુસુફભાઈ જુણેજાએ કરી છે.ઉલ્લેખનીય છે કે ઈદ-એ-મિલાદ પ્રસંગે પ્રતિવર્ષ શહેરના રાજમાર્ગો પર વિરાટ જુલૂસ તેમજ રેસકોર્સ ગ્રાઉન્ડમાં અલ્હાજ યુસુફભાઈ જુણેજાના માર્ગદર્શન હેઠળ ધર્મસભા, આમન્યાઝ, નાતશરીફ સહિતના કાર્યક્રમો આયોજીત કરાતા હતા પરંતું કોરોના વાયરસના ફૂંફાડાના કારણે રેસકોર્સ ગ્રાઉન્ડમાં પ્રતિવર્ષ યોજાતા આ ધર્મસભા અને આમન્યાઝના કાર્યક્રમો રદ્દ કરવામાં આવેલ છે.

 યોમુન્નબી કમિટીના પ્રેસિડેન્ટ અલ્હાજ યુસુફભાઈ જુણેજાએ કોરોના વાયરસની મહામારીના કારણે સાવચેતીના પગલારૂપે ઈદ-એ-મિલાદનો પર્વ સાદગીપૂર્ણ રીતે પોતાના ઘેર જ મનાવવા મુસ્લિમ બિરાદરોને અપીલ કરી જણાવ્યું છે કે આ મહામારી સામેની લડતના ભાગરૂપે માસ્ક, સેનેટાઈઝર અને નાસના મશીનોનું જરૂરિયાતમંદોને વિતરણ કરવા આહવાન કરેલ છે.

 યોમુન્નબી કમિટીના પ્રેસિડેન્ટ અલ્હાજ યુસુફભાઈ જુણેજાએ વિશેષમાં જણાવેલ છે કે સમગ્ર વિશ્વને પ્રેમ, શાંતિ, અમન, ભાઈચારનો સંદેશ આપનાર ઇસ્લામ ધર્મના મહાન પયગંબરે જગતમાં માનવતાના ઉચ્ચ મૂલ્યોનું સિંચન કરી વિશ્વબંધુત્વની ભાવના જગાડનાર નબી કે જેમણે વતનની મહોબ્બતને ઈમાનનો હિસ્સો કહેલ છે. એવા રહેમતુલ્લિલ આલમીનનો ૧૨ રબી ઉલ અવ્વલ ૨૨ એપ્રિલ ૫૭૧ ના રોજ જન્મ થયેલ.

દુનિયામાં ઊંચનીચ, કાળા-ગોરાના ભેદભાવને મીટાવી ભાઈચારાનો સબક આપનાર નબી કે જેમણે અજ્ઞાનતાના અંધકારમાં માનવજાતના દિલોમાં જ્ઞાનના દીપ પ્રજવલિત કરનાર એવા નબી'ના જન્મદિવસની ખુશીમાં આ પર્વ પ્રતિવર્ષ ભવ્યતાથી મુસ્લિમ સમાજ દ્વારા ઉજવવામાં આવે છે... પરંતુ આ વખતે કોરોનાની રફતારને લઈ સરકાર અને વહીવટી ત ંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે પ્રતિબંધાત્મક હુકમો અમલી બનાવેલ હોય ઈદ-એ-મિલાદ પ્રસંગે રેસકોર્સ ગ્રાઉન્ડમાં આયોજીત કરાતા આમન્યાઝ અને ધર્મસભાના કાર્યક્રમો આ વખતે રદ્દ કરાયેલ છે.હજરત મોહમ્મદ પયગંબર સાહેબના જન્મદિવસ પ્રસંગે પ્રતિવર્ષ સેવાકાર્યો યોમ્મુનબી કમિટી દ્વારા કરવામાં આવે છે. જેને અનુસરી મૂંગા પ્રાણીઓને ઘાસચારો નાખવા તેમજ વૃદ્ઘાશ્રમોમાં વૃદ્ઘો અને જરૂરિયાતમંદોને ભોજન પૂરૃં પાડવા તેઓએ અપીલ કરી છે. તેની સાથોસાથ આ પર્વ પ્રસંગે મુસ્લીમ બિરાદરોને પોતપોતાના ઘરમાં રહી નાતખ્વાની કરવા ગુજારીશ હાજી યુસુફભાઈ જુણેજા દ્વારા કરવામાં આવી છે.

(3:36 pm IST)