Gujarati News

Gujarati News

News of Friday, 27th November 2020

રેલનગરમાં મહિકાના તલાટી મંત્રી ગૌરવભાઇ જોશીના ઘરમાંથી રૂ. ર૩ હજારના ઘરેણાની ચોરી

રાજકોટ તા. ર૭: રેલનગર પાછળ ક્રિષ્ના બંગ્લોઝમાં રહેતા મહીકા ગામના તલાટી મંત્રીના ઘરને તસ્કરોએ નિશાન બનાવી રૂ. ર૩,૮૦૦ની કિંમતના સોના-ચાંદીના ઘરેણા ચોરી જતા ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ રેલનગર ક્રિષ્ના બંગ્લોઝ-૩ શેરી નં. ર માં બ્લોક નં. બી/૩૭ માં રહેતા ગૌરવભાઇ દીલીપભાઇ જોશી (ઉ.વ. ર૬) એ પ્ર.નગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, પોતે મહિકા ગામમાં તલાટી મંત્રી તરીકે ફરજ બજાવે છે. તા. ૩૧/૧૦ ના રાત્રે પોતે તથા પરિવારના સભ્યો ઘરના ઉપરના માળે સુતા હતા ત્યારે મોડી રાત્રે પોતાની સેન્ટ્રો કારનું સાઇરન વાગતા પોતાની નિંદર ઉડી જતા પોતે રૂમની બહાર નીકળી નીચે ગયા ત્યારે બારી ખુલ્લી હતી અને તેનો લોક તુટેલો અને હોલનો દરવાજાનો લોક ખુલેલો જોવા મળ્યો હતો. જેથી પોતે તપાસ કરતા નીચેના રૂમમાં રહેલા લાકડાના કબાટનું લોકર તુટેલું હતું. તેમાં જોતા સોનાની ચીપવાળા એક જોડી પાટલા અને એક જોડી ચાંદીની લકકી મળી રૂ. ર૩૮૦૦ની મતા જોવા ન મળતા ચોરી થઇ હોવાની ખબર પડી હતી બાદ ચોરી કરનાર કોઇ જાણ ભેદુ હોવાની શંકાના આધારે પોતે તપાસ કરતા કોઇ હકીકત ન મળતા પોતે ગઇકાલે પ્ર.નગર પોલીસ મથકમાં જાણ કરતા પોલીસે ગૌરવભાઇની ફરિયાદ દાખલ કરી પીએસઆઇ એ. એલ. ઝાલાએ તપાસ હાથ ધરી છે.

(2:49 pm IST)