Gujarati News

Gujarati News

News of Friday, 27th November 2020

રાજકોટ નજીક દારૂના મોટા જથ્થા સાથે પકડાયેલ વાહન છોડવા હાઇકોર્ટનો હુકમ

રાજકોટ, તા.ર૭ : રાજકોટ નજીક લીલી સાજડીયાડી ગામે, આજીડેમ પો.સ્ટે.ના પોલીસ અધિકારીઓએ મોટા જથ્થામાં દારૂ પકડી પાડેલ અને જે તે સમયે વાહનો અને આરોપીઓ પાસેથી મોબાઇલ વિગેરે પણ કબ્જે લેવામાં આવેલ.

ફરીયાદની વિગત મુજબ તા. ૦૩/૦૩/ર૦ર૦ના રોજ રાત્રીના ૧ર કલાકે આજી ડેમ પો.સ્ટે.ના અધિકારીઓ પ્રોહિબીશન ડ્રાઇવ અનુસંધાને પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાનગી વાહનોમાં પેટ્રોલીંગમાં હતાં. ત્યારે ખાનગી બાતમીદાર દ્વારા હકીકત જાણવા મળેલ કે લીલી સાજડીયાડી ગામની સીમમાં જમાલગાળા વાળીમાં લાખા સંગ્રામ ધીયાળ રહે. લીલી સાજડીયાડી ગામે પોતાની વાડીમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો રાખે છે અને હેરાફેરી કરે છે. જેથી બે રાહદારી પંચોને સાથે રાખે તેનું પ્રાથમિક પંચનામુ કરી, પોલીસ સ્ટાફ દ્વારા રાત્રે ૩ વાગ્યે લીલી સાજડીયાડી મુકામે બાતમીદારએ બતાવેલ વાડી ઉપર કોર્ડન કરી, રેડ કરવામાં આવેલ. જયાં વાડીના માલીક લાખા સંગ્રામ ઘીયાળ, અશોક ઉર્ફે ભુરો માણસુર સુવા તથા રત્ના નાગજી કળોતરા સ્થળ ઉપર મળી આવેલ અને મારૂતિ સુઝુકી અર્ટીગા વિદેશી દારૂની પેટીઓ સાથે મળી આવેલ. દારૂની બોટલોની ગણતરી કરતા કુલ ૧૪પર બોટલ પેટીઓમાં મળી આવેલ અને આ દારૂ ચતુર શિવા પલાડીયા આપી ગયાનું જણાવેલ. જેથી આરોપી એકબીજા સાથે મીલાપીપણુ કરી દારૂની હેરાફેરી કરતા હોય તેઓ સામે પ્રોહિબીશન એકટની કલમ-૬પ(ઇ), ૧૧૬(બી), ૯૮(ર) તથા કલમ-૮૧ મુજબ ફરીયાદ કરવામાં આવેલ અને દારૂનો જથ્થો તથા સ્થળ ઉપર મળી આવેલ મારૂતિ અર્ટીંગા કાર પોલીસએ ફરીયાદના કામે કબ્જે કરેલ.

આ કામમાં પોલીસ દ્વારા કબ્જે લેવાયેલ મારૂતિ આર્ટીગા પરત મેળવવા વાહન માલીક રતનભાઇ નાગજીભાઇ કળોતરાએ ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી જણાવેલ કે તપાસના કામે કબ્જે લેવાયેલ વ્હીકલ લાંબો સમય પોલીસ સ્ટેશનએ રાખી મૂકવાથી ફીઝીકલ ડેમેજ થાય તેમ છે અને અરજદાર માટે બિનઉપયોગી બનતા અરજદારને મોટુ આર્થીક નુકશાન થાય તેમ છે.

અરજદારની ઉપરોકત રજુઆત ગ્રાહ્ય રાખી ગુજરાત હાઇકોર્ટએ જવાબદાર અધિકારીને અરજદારનું વાહન પરત કરવા આદેશ કરેલ છે.

આ કામમાં અરજદાર વતી ગુજરાત હાઇકોર્ટમાં એડવોકેટ દરજ્જે બ્રિજ વિકાસ શેઠ તથા રાજકોટના ભાવેશ બાંભવા એડવોકેટ દરજ્જે રોકાયેલ હતાં.

(3:34 pm IST)