Gujarati News

Gujarati News

News of Thursday, 28th January 2021

હરિપરમાંથી પકડાયેલા કોલ સેન્ટરમાં ૪ શખ્સોને ૧૨ હજારનો પગાર અને ૧ હજાર ડોલરની ઠગાઇમાં ૩૦૦૦ કમિશન અપાતું

ઝડપથી નજરે ન ચડે એટલે કોલ સેન્ટર માટે ગામડુ પસંદ કર્યુઃ છતાં રાજકોટ શહેર એસઓજીની નજરે પડી ગયા : અમેરીકન નાગરિકોને મોબાઇલ એપ્લીકેશન મારફતે ઇન્ટરનેટ કોલ કરી લોન અપાવી દેવાની લાલચ આપી છેતરતા'તાઃ એકાદ મહિનાથી ચાલતો હતો ઠગાઇનો ધંધોઃ તપાસનો દોર અમદાવાદ તરફ લંબાયો : હેડકોન્સ. વિજેન્દ્રસિંહ ઝાલા, કોન્સ. અઝહરૂદ્દીન બુખારીની બાતમીઃ પીઆઇ આર.વાય. રાવલની રાહબરીમાં પીએસઆઇ અન્સારીની ટીમનો દરોડો

રાજકોટ તા. ૨૮: શહેર પોલીસે પાંચ મહિનામાં ત્રીજુ કોૈભાંડીયુ કોલ સેન્ટર પકડી લીધું છે. સરધારના હરિપર ગામે એક મકાનમાં અમદાવાદના ૪ શખ્સો અમેરિકન નાગરિકોને લોન અપાવી દેવાના અને તેનો ક્રેડિટ સ્કોર વધારી દેવાના બહાને તેઓને ભોળવી તેની સાથે ઠગાઇ કરતાં હોવાની બાતમી પરથી શહેર એસઓજીની ટીમે દરોડો પાડી ૪ યુવાનોને પકડી લીધા હતાં. સહેલાઇથી પોલીસની નજરે ન ચડી જવાય અને રાતે ગામડામાં  રૂમમાં કામ કરતાં હોય તો પણ લોકોને ખબર ન પડે એ માટે ગયા મહિનાથી અહિ આ કોલ સેન્ટર ચાલુ કર્યુ હતું. પકડાયેલાઓને ૧૨-૧૨ હજાર પગાર અને તે જેટલી છેતરપીંડી કરી તેના પર કમિશન એટલે કે ૧ હજાર ડોલરે ૩ હજાર કમિશન મળતું હતું. કોૈભાંડની તપાસનો દોર અમદાવાદ સુધી લંબાયો છે.

એસઓજીના હેડકોન્સ. વીજેન્દ્રસિંહ ઝાલા તથા કોન્સ. અઝહરૂદ્દીન બુખારીને મળેલી ચોકકસ બાતમીને આધારે સરધારના હરીપર ગામ ના એક મકાનમાં પીઆઇ આર.વાય. રાવલની રાહબરીમાં પીએસઆઇ એમ. એસ. અંસારી અને ટીમે દરોડો પાડી ચાર શખ્સો મનોજ સત્યરામ શર્મા (ઉ.વ-૨૦, રહે. ઇશનપુર મોૈની હોટલ પાસે રાજહંસ પાર્ક મકાન નં-૧૩ નારોલ અમદાવાદ મુળ ગામ લલખોર તા.શેફઇ જી.ઇટાવા યુ.પી.), રતન શત્રુઘ્નભાઇ કરણ (ઉ.વ-૨૦, રહે.વટવા નારાયણનગર સોસાયટી બચુભાઇનો કુવો મકાન નં-૩૪ કમલાકરસિંહના મકાનમાં ભાડેથી અમદાવાદ મુળ.આશોક બખરી જી.મુજ્જફરપુર બીહાર), વીકકી સંજયભાઇ સિંહ (ઉ.વ-૨૦ રહે. વટવા બચુનગર મકાન નં-બી/૪૬ બીબી મરીયમ દરગાહ પાસે અમદાવાદ મુળ, શાહબાઝપુર જીલ્લો-મુજ્જફરપુર-બીહાર) તથા શાહીલ અરવીંદભાઇ ઓડ (ઉ.વ-રહે.નારોલ રંગોલીનગર મકાન નં-૧૭ અમદાવાદ)ને પકડી લઇ લેપટોપ, એડેપ્ટર, મોબાઇલ ફોન, લાઇટ બિલ, સ્ક્રિપ્ટ લખેલી બૂક મળી રૂ. ૩૯૦૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

પોલીસ તપાસમાં ખુલ્યા મુજબ આ ચારેય શખ્સો કોલ સેન્ટરના ઓઠા તળે અમેરીકન નાગરીકોના મોબાઇલ નંબર અને ડેટા મેળવી, તૈયાર કરેલી સ્ક્રિપ્ટને આધારે   અમેરીકન નાગરીકોને પર્સનલ વિગતની વેરીફાઇ અમેરીકામાં સ્થિત એસ.કેસ એક્ષપ્રેસ તથા સ્પીડ કેશ નામની લોન કંપનીના નામે લોન લેવા ઇચ્છુક હોય તેને ભારતમાંથી ટેકસનાઉ TEXTNOW retail cc a (8*8 WORK ) નામની મોબાઇલ એપ્લીકેશન મારફતે ઇનટરનેટથી કોલ કરી લોન અપાવી દેવાની લાલચ આપી વિશ્વાસમાં લઇ તેમજ તેના એકાઉન્ટમાં બેલેન્સ ઓછુ હોય તો ક્રેડિટ સ્કોર વધારવાની લાલચ આપી તેના સોશ્યલ સીકયુરીટી નંબર (SSN) નંબરના છેલ્લા ચાર આંકડાનો નંબર મેળવી વોલમાર્ટ તથા રાઇટએડના ગિફટ વાઉચર ખરીદ કરી હજારો ડોલર છેતરપીંડીથી મેળવી લેતાં હતાં.

જે ચાર શખ્સ પકડાયા તેમાં મનોજ ધો-૧૧ સુધી અંગ્રેજી માધ્યમમાં ભણેલો છે. રતને અંગ્રેજી માધ્યમમાં મિકેનીકલ એન્જિનીયરીંગ કર્યુ છે. જ્યારે વિક્કી અંગ્રેજી માધ્યમમાં ધોરણ ૧૨ સુધી ભણેલો છે. જ્યારે શાહિલ અંગ્રેજી માધ્મયમાં બીકોમ સેમેસ્ટર-૪માં અભ્યાસ કરે છે.

જે ચાર પકડાયા તે માત્ર ચીઠ્ઠીના ચાકર પગારદાર હોવાની અને સુત્રધાર કોઇ બીજુ જ હોવાની શંકાએ પોલીસે તપાસનો દોર અમદાવાદ તરફ લંબાવ્યો છે. છેલ્લા એકાદ મહિનાથી હરિપરમાં મકાન ભાડે રાખી કોૈભાંડ ચલાવતાં હોવાનું સામે આવ્યું છે. મકાન કોણે અપાવ્યું? તેની પણ તપાસ થઇ રહી છે.

પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ ડી.વી. બસીયાની રાહબરીમાં પીઆઇ આર.વાય. રાવલના માર્ગદર્શન મુજબ પીએઅસાઇ એમ. એસ. અન્સારી અને ટીમના હેડકોન્સ. વીજેન્દ્રસિંહ ઝાલા, કોન્સ. અનીલસિહ ગોહીલ, પરેોલ સ્કવોડના હેડકોન્સ. ઝહીરખાન ખફીફ, કોન્સ. અઝહરૂદીનભાઇ બુખારી અને સોનાબેન મુળીયાએ આ કામગીરી કરી હતી.

ચારેય આરોપીઓને કોવિડ-૧૯ ટેસ્ટ બાદ કોર્ટમાં રજૂ કરી સાત દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવશે. મુખ્ય સુત્રધાર અમદાવાદ છે કે પછી વિદેશમાં તે અંગે પણ તપાસ થઇ રહી છે. નોંધનીય છે કે રાજકોટ પોલીસે પાંચ માસમાં આ ત્રીજુ આવુ કોૈભાંડીયુ કોલસેન્ટર પકડ્યું છે.

(1:12 pm IST)