Gujarati News

Gujarati News

News of Thursday, 28th January 2021

વિંછીયા પંથકમાં પિતાની હત્યાના ગુનામાં પકડાયેલ આરોપી પુત્રના જામીન મંજુર

રાજકોટ તા. ર૮: પિતાની હત્યાના બનાવમાં આરોપી પુત્રને જામીન મુકત કરવાનો ગુજરાત હાઇકોર્ટે હુકમ કર્યો હતો.

આ કેસની વિગત મુજબ તા. ૧ર-૦૪-ર૦ર૦ના રોજ વિંછીયા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદી કનુબેન ભીખાભાઇ ગોરવાડીયા દ્વારા તેમના પતિ ભીખાભાઇ જેરામભાઇ ગોરવાડીયા તથા ફરીયાદીને ગત તા. ૦૪-૦૪-ર૦ર૦ના રોજ રાતરીના સમયે મોઢે બુકાની બાંધેલ ત્રણ ઇસમો ઘરમાં આવી ફરીયાદીને તથા તેના પતિ ભીખાભાઇ ગોરવાડીયાને માર મારેલ હોય અને ઇજા કરેલ હોય જે અનુસંધાને સૌ પ્રથમ વિંછીયા સરકારી દવાખાને સારવાર લીધેલ ત્યારબાદ બોટાદ હોસ્પીટલ ખાતે ગયેલા ત્યાંથી વધુ સારવાર માટે ભાવનગર હોસ્પીટલ ખાતે દાખલ કરેલા. જેમાં ફરીયાદીના પતિનું તા. ૧૦-૪-ર૦ર૦ના રોજ અવસાન થયેલ.

ત્યારબાદ ફરીયાદી કનુબેનના પુત્ર અશોકભાઇ દ્વારા તેમના પિતાના નામે રહેલ જમીન પોતાને નામે કરી આપવાની વાત કરેલ અને જણાવેલ કે મેં મારા બાપુજીનું પુરૃં કરી નાખેલ છે અને ખેતીની જમીન મારા નામે નહીં કરો તો જાનથી મારી નાખીશ તેમજ મેં અને મારા મિત્ર હેંમત ઉર્ફે મુનો રણછોડભાઇ સોલંકી તથા તેના મિત્ર સાથે મળી બાપુને માર મારેલાનું જણાવેલ, આ મુજબની પોલીસ ફરીયાદી દ્વારા નોંધાવવામાં આવેલ જે અનુસંધાને વિંછીયા પોલીસ સ્ટેશનના તપાસનીસ અધિકારી દ્વારા તપાસ કરી અને પુરાવાઓ એકઠા કરી આરોપી અશોક ઉર્ફે પોલો ભીખાભાઇ ગોરવાડીયા હેંમત ઉર્ફે મુનો તથા તેના મિત્ર સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવેલ.

ત્યારબાદ આરોપી અશોક ઉર્ફે પોલો ભીખાભાઇ ગોરવાડીયા દ્વારા રાજકોટની સેશન્સ અદાલતમાં જામીન પર મુકત થવા માટે અરજી ગુજારવામાં આવેલ. જે નામંજુર થતા ગુજરાત હાઇકોર્ટ ખાતે આરોપી દ્વારા જામીન અરજી કરવામાં આવેલ જેમાં તમામ સંજોગોને ધ્યાને લઇ તેમજ વડી અદાલત તથા સર્વોચ્ચ અદાલતના ચુકાદાઓ ધ્યાને લઇ ગુજરાત હાઇકોર્ટ દ્વારા આરોપી અશોક ઉર્ફે પોલો ભીખાભાઇ ગોરવાડીયાને જામીન મુકત કરવાનો હુકમ કરવામાં આવેલ હતો.

આ કામે આરોપી તરફે રાજકોટના જાણીતા એડવોકેટ પ્રાણલાલ એમ. મહેતા, રાજેશ કે. મહેતા, ધવલ પી. મહેતા, ગૌરવ પી. મહેતા, સી. વી. અઘેરા, સુરેન્દ્રસિંહ એન. જાડેજા તથા હાઇકોર્ટના એડવોકેટ આનંદ પટેલ રોકાયેલ હતા.

(3:05 pm IST)