Gujarati News

Gujarati News

News of Thursday, 28th January 2021

ઇ-મેમોથી ગુજરાતની પ્રજા ત્રાહિમામઃ કેમેરાનો ઉપયોગ દંડવા માટે જ!

રાજકોટ ૧માં ''યુવા લોયર્સ'' દ્વારા કાનુની લડતના મંડાણઃ કોરોના સમયમાં લોકો ઉપર દંડની વસુલીઃ હાઇવેટચ કટારીયા ચોકડી સહિત ચોકડીએ ''હેલ્મેટ''ના અપાતા મેમોઃ ગુનેગારોને પકડવાના બદલે ગરીબ-મધ્યમવર્ગના લોકોને ખંખેરવામાં પોલીસ વ્યસ્તઃ ઇ-મેમો કાયદાની જોગવાઇ વિરૂદ્ધ અપાઇ છેઃ માત્ર એન.સી.કેસો કરવાના બદલે તોતીંગ દંડ વસુલાઇ છે

રાજકોટઃ આડેધડ અપાતા ઇ-મેમોથી પ્રજા ત્રાહિમામ પોકારી ગયેલ છે. આજે રાજકોટના યુવા લોયર્સના વકીલોની ટીમ ''અકિલા''ની મુલાકાતે આવી હતી તસ્વીરમાં પત્રકાર નયનભાઇ વ્યાસ અને યુવા લોયર્સના વકીલો દર્શાય છે.

રાજકોટ તા. ર૮ : રાજકોટ-સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાત માસ્ક અને હેલ્મેટના મુદ્દે અપાતા ઇ-મેમો પ્રશ્ને સમગ્ર ગુજરાતની જનતા ત્રાહિમામ પોકારી ગયેલ છે. ત્યારે રાજકોટના ''યુવા લોયર્સ'' એસોસીએશન સાથે જોડાયેલા વકીલોની ટીમે ગુજરાત સરકાર દ્વારા કાનુની લડતના મંડાણ શરૂ કર્યા છે. અને ઇ-મેમાની કાર્યવાહી રદ કરવા અને સ્થીતી ઉપર જ વાહન ચાલકો પાસેથી ટોકન લઇને માસ્ક આપી દેવાનું આજે ''અકિલા''ની મુલાકાતે આવેલ યુવા લોયર્સની ટીમે જણાવ્યું હતું.

આ અંગે ટ્રાફીક પોલીસ તંત્ર દ્વારા આપવામાં આવી રહેલ ટ્રાફીક વાયોસેશન નોટીસ (ઇ-મેમો) થી પ્રજા ત્રાહીમામ થઇ ગયેલ હોય આ પ્રશ્નનું પ્રજાના હિતમાં નિરાકરણ લાવવા ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીને પત્ર પાઠવીને યોગ્ય નિકાલ લાવવા રજુઆત કરી છે.

પત્રની વિગતમાં જણાવાયું છે કે છેલ્લા ઘણા સમયથી રાજમાર્ગો પર સી.સી. ટી.વી. કેમેરાઓ લગાડવામાં આવેલ છે તે કેમેરાઓનો ઉપયોગ વાન ચાલકો-પ્રજાજનો વિરૂદ્ધ કરવામાં આવી રહેલ છે. ખરી હકકીતે સી.સી.ટી.વી. કેમેરાઓ નાખવાનો ઉદેશ લોકોના જાન-માલના રક્ષણ કરવા માટે અને ગેરકાયદેસર પ્રવૃતિઓ, દબાણો અટકાવવા માટે હતો પરંતુ આ સી. સી. ટી.વી.કેમેરાઓનો ઉપયોગ ગરીબ તથા મધ્યમ વર્ગના લોકોને હેરાન પરેશાન કરી અને ખુબજ મોટા સમાધાન શુલ્કના નામે મેમો આપીને સરકારશ્રીને સારૂ લગાડવા માટે ટ્રાફીક પોલીસ ડીપાર્ટમેન્ટ દ્વારા બંધારણીય અધિકારોનો ભંગ થાય તેવી અન્યાયી કાર્યવાહી કરવામાં આવી રહેલ છે.

સી.સી.ટી.વી.ના ઉપયોગની માર્ગદર્શન મુજબ માત્ર ટ્રાફીક નીયમોના ભંગ બદલ દંડ વસુલ કરવાની કોઇ યોજના ન હોવા છતા ટફીક પોલીસ ડીપાર્ટમેન્ટ દ્વારા રાજકોટ શહેરની પ્રજાજનોને ખોટા ઇ-મેમો આપવામાં આવે છે અને લોકોને જેની આવકના સાધનો ન હોવા છતાં મોટી રકમના દંડ ભરવા કાયદાથી વિરૂદ્ધ દબાણ કરવામાં આવે છે જે હકીકત ધ્યાન ઉપર આવતા લોકોને મદદ મળી રહે તે માટે યુવા લોયર્સ એશો.ના એડવોકેટોની ટીમ દ્વારા કાનુની લડત ચલાવવાનું નકકી કરેલ છે.

સી.સી.ટી.વી.કેમેરા (આઇવે પ્રોજેકટ) લગાડવાનો ઉદેશ એવો હતો કે ગેરકાયદેસર રોડ રસ્તા પર થયેલ દબાણ અને હુમલા-લુંટ અને ધાડ મારામારી, એકસીડન્ટ જેવા બનાવો બને તો તંત્રને તપાસમાં મદદરૂપ થઇ શકાય પરંતુ હાલમાં માત્ર વાહન ચાલકો પાસેથી મોટી રકમના દંડ વસુલવાનું સાધન બનાવી દીધેલ છે. તેમજ ગેરકાયદેસર બાંધકામો, દબાણો, ન્યુસન્સ તેમજ રસ્તા ઉપર થયેલ દબાણો અને લોકોને જે ટ્રાફીકજામ જેવી સમસ્યાઓ અને ટ્રાફીક સમસ્યાઓ, ચાલવા અંગે જે મુશ્કેલીઓ જે તેની કાર્યવાહી કરવામાં આવતી નથી.

લોકોને ઇ-મેમોના દંડની રકમ નહી ભરવામાં આવે તો ફરીયાદ દાખલ કરવાની અને લાયસન્સ રદ કરવાની, વાહન જપ્ત કરવાની અને વાહન વેચાણ કરવા માટે ટ્રાન્સફર અટકાવીશું આ પ્રકારની કાયદા વિરૂદ્ધની સમાજમાં વાતો થઇ રહેલ છે. અને ઇ-મેમોના દંડની રકમનો કેસ જો૬ માસમાં કોર્ટમાં દાખલ કરવામાં ન આવે તો આપોઆપ તે લેણું કાયદા મુજબ વસુલ કરી શકાતું નથી.

હાલમાં દેશ કોરોના (કોવીડ-૧૯) ની મહામારીનો સામનો કરી રહેલ છે અને ઘણા લાંબા સમય લોકડાઉનનો સામનો સામાન્ય પ્રજાજનોએ કરેલ છે પ્રજાજનો બની રહેલ છે અને તેઓ કાનુની -કોર્ટ કાર્યવાહીમાં ફસાય ગયેલ છે કાનુની ખર્ચ તમામ લોકો ભવિષ્યમાં ઉઠાવી શકે તેમ ન હોય અને કાયદાથી અજાણ હોય ખુબજ મુશ્કેલીમાં મુકાય ગયેલ છે તેવી ફરીયાદો અને રજુઆતો યુવા લોયર્સના એડવોકેટ મીત્રો પાસે આવેલ હતી. જેથી કાયદા વિરૂદ્ધની વાતો ફેલાવી લોકોને ડરાવીને કાર્યવાહી થતી હોય તેની સામે યુવા લોયર્સ એશો.એ અવાજ ઉઠાવેલ છે.

જયારે કોઇપણ વ્યકિતને ઇ-મેમો આપવામાં આવે ત્યારે આ પ્રકારની કોઇપણ જાતની સમજણ લેખીતમાં અપાતી નથી ઉલ્ટાનું રકમ ભરવા કાયદાકીય કાર્યવાહીની વાતો કરી રૂપિયા ભરવા દબાણ કરવામાં આવે છે તેવી ફરીયાદો પણ મળેલ છે.

ઇ-મેમા સબંધે જે કલમો હેઠળ આપવામાં આવે છે. તેમાંથી મોટા ભાગની કલમોમાં માત્ર દંડની જોગવાઇ રહેલ છે અને સજાની જોગવાઇ નથી અને તે એન.સી.(નોન કોગ્નીઝેબલ) પ્રકારનો ગુન્હો છે. અને કોઇ વ્યકિત સમાધાન શુલ્ક ભરવાની ના પાડે તો તેની સામે કોર્ટમાં એન.સી.ફરીયાદ દાખલ કરી ટફીક પોલીસએ કોર્ટ સમક્ષ કાર્યવાહી કરવાની રહે છે તેવી સ્પષ્ટપણે કાયદાકીય જોગવાઇ હોવા છતા ટ્રાફીક પોલીસ તંત્ર દ્વારા આવી કાયદાકીય સમજણ આપ્યા વગર લોકો પાસેથી ગરીબ અને મધ્યમ વર્ગના લોકો પાસેથી સમાધાન શુલ્કના નામે મોટી રકમની વસુલાત કરવામાં આવે છે અને જો રકમ નહી ભરવામાં આવેતો તમારા વિરૂદ્ધ ફરીયાદ દાખલ કરવામાં આવશે અને વાહન ડીટેઇન કરવામાં આવશે તેવી વાત કહેવામાં આવે છે જેનાથી પ્રજામાં ભય ફેલાઇ રહેલ છે.

ટુ વ્હીલર ધારકોને હાઇવે ઉપર હેલમેટ પહેરવી તેવું કાયદા મુજબ અમલવારી કરાવવામાં આવી રહી છે પરંતુ કોઇ જગ્યાએથી હાઇવે શરૂ થાય છે તે કયાંય જણાવેલ કે પ્રસિધ્ધ કરાવેલ નથી જેથી શહેરની હદમાં રહેતા પરંતુ હાઇવે ટચ સોસાયટીઓમાં રહેતા લોકોને તેઓ શહેરમાં પ્રવેશે ત્યારે તેઓને હેલ્મેટ ભંગના મેમો આપવામાં આવે છે જેથી તાત્કાલીક જે સર્કલ ઉપર હેલ્મેટનો નિયમ લાગુ પડતો હોય ત્યાં પ્રજાની જાણ માટે બોર્ડ દ્વારા દર્શાવવું જરૂરી રહે છે જેથી લોકો જાગૃત થાય. છેલ્લા ઘણા સમયથી સીગ્નલ આખો દિવસ ચાલુ રાખવામાં આવે છે અને સ્ટોપ લાઇન અંગે પણ વિવાદ રહે છે અને તંત્રની ભુલના કારણે અનેક લોકો ભોગ બને છે.

કોઇપણ વ્યકિત પોતાનું વાહન લઇને રોડ ઉપર પસાર થાય ત્યારે તેને ટ્રાફીક પોલીસ અટકાવી તેની પાસે ગાડીના ઓરજીનલ કાગળો જેમ કે આર. સી. બુક, વીમા પોલીસી, ડ્રાઇવીંગ લાયસન્સ, કે પીયુસીની ઓરીજીનલ કોપી જોવા માટે માગણી કરે છે ત્યારે તે વ્યકિત પાસે પેપર્સ હાજર ન હોય તો વાહન ડીટેઇન કરી લેવામાં આવે છે ખરી હકિકત કાયદાની જોગવાઇ મુજબ કોઇપણ વ્યકિત કાગળો વગર પસાર થાય તો ટ્રાફીક પોલીસ પેપર્સ અટકાવે અને કાગળો ન હોય તો કાયદા મુજબ ૭ દિવસમાં ઓરીજીનલ કાગળો  બતાવવાનો સમય આપવો જોઇએ.  આમ ટ્રાફીક પોલીસ દ્વારા ખોટી રીતે વાહન ડીટેઇન થતાં હોય તે અંગેની પ્રજાજનો પાસેથી ઘણી બધી ફરીયાદો મળેલ છે.

તાજેતરમાં રાજકોટમાં ૬ જેટલા ઓવરબ્રીજ અને અંડરબ્રીજના કામ થઇ રહેલ છે જેના કારણે તમામ વિસ્તારોમાં હાલમાં ભયંકર ટ્રાફીક જામ સર્જાય રહેલ છે ત્યારે ત્યાં વ્યવસ્થા જાળવવી જરૂરી રહેલ છે.

આ અરજી દ્વારા રજૂઆત કરવાની કે લોકો ખુબ જ ત્રાહીમામ પોકારી ગયેલ છે અને માનસીક ત્રાસ અનુભવી રહેલ છે ત્યારે સરકાર દ્વારા તાત્કાલીક આ તમામ પ્રકારના લોકો સાથે જોડાયેલ પ્રશ્નનું નીરાકરણ લાવવા કાર્યવાહી કરવા અરજ છે.

ટ્રાફીક પોલીસ તંત્ર અને કોર્ટ તંત્ર સાથે મળીને ઇ-મેમો સંદર્ભે ખાસ લોક અદાલતનું અયોજન કરીને લોકોના પ્રશ્નનું નીરાકરણ કરવું જોઇએ તેવી પત્રમાં રજૂઆત કરવામાં આવી છે.

યુવા લોયર્સના સીનીયર જૂનીયર એડવોકેટની વિશાળ ટીમ પ્રમુખ કિરીટ નકુમના માર્ગદર્શન હેઠળ કન્વીનર હેમાંશુ પારેખ તથા અજય પીપળીયા, વિરેન રાણીંગા, આનંદ પરમાર, નિવીદ પારેખ, જગદીશ કુવાડીયા, નીશાંત જોશી, રીતેશ ટોપીયા, દર્શન ભાલોડી, સંજય ટોળીયા, ધવલ પડીયા, હર્ષીલ શાહ, કેતન સાવલીયા, જયવીર બારૈયા, રવિરાજસિંહ જાડેજા, મીલન જોષી, દીપ વ્યાસ, જીતેન્દ્ર ધુળકોટીયા, કુલદીપ ચૌહાણ, નયન મણીયાર, વિજય પટગીર, કિશન વાલ્વા, અમીત ગડારા, નીલ શુકલ, ખોડુભા સાકરીયા જયપાલ સોલંકી ઉપરાંત અગ્રણી યુવા વકીલો નિમેષ કોટેચા, પ્રશાંત લાઠીગ્રા, જયકિશન છાંટબાર, તુષાર સોંડાગર, આનંદ રાધનપુરા, મોહીત ઠાકર, જીગર નશીત, વિક્રાંત વ્યાસ, ચંદ્રેશ સાકરીયા, અજીત પરમાર, પ્રફુલ રાજાણી, રાહુલ મકવાણા, ધર્મેશ સખીયા, કલ્પેશ મોરબીયા, પારસ શેઠ, નીરજ કોટડીયા, રાજેન્દ્ર જોષી, ચીરાગ કુકરેચા, જય મગદાણી, ભાવીન બારૈયા જય બુદ્ધદેવ, નીકુંજ મહેતા, ઘનશ્યામભાઇ વાંક, અશ્વીન અખેજા, વીશાલ કોટેચા, ધવલ પડીયા તથા અનેક એડવોકેટોએ વડાપ્રધાનશ્રી અને ગુજરાતના મુખ્ય મંત્રીશ્રીને પત્ર પાઠવી આ પ્રશ્નનું નિરાકરણ લાવવા રજુઆત કરી છે.

  • ઇ-મેમો સંબંધે દંડ કરવાની સત્તા માત્ર કોર્ટને જ છેઃ પ્રજા પાસેથી વસુલાતો દંડ કાયદા વિરૂધ્ધઃ યુવા લોયર્સ

રાજકોટ તા. ર૮: ઇ-મેમોના વિરોધમાં યુવા લોયર્સની ટીમે કેટલાંક કાનુની આધારો સાથે વકીલોએ ''અકિલા'' સાથે વાતચીત કરી હતી. જેના કેટલાક મુદ્દાઓ અત્રે અપાયા છે.

સુપ્રીમ કોર્ટની ડીવીઝન બેંચ દ્વારા માર્ગદર્શક ચુકાદાઓ આપેલ છે જે ચુકાદાઓ મુજબ સુપ્રીમ કોર્ટ દ્વારા ૧૯૯પ (૧) એસ.સી.સી. ૩૦૪ના ચુકાદામાં તેવું જણાવેલ છે કે દંડ કરવાની સત્તા માત્ર સેકશન ૧૧૬ દ્વારા ક્રિમીનલ કોર્ટને જ છે. કોઇપણ ઓફીસર કોઇ દંડ જાતે કરી શકતા નથી અને કોર્ટ પણ આવી ફરીયાદ આવે ત્યારે જ તેને સ્વીકારી શકે છે. તે પ્રકારનો સીધ્ધાંત ઉપરોકત ચુકાદામાં પ્રતીપાદીત કરે છે.

એ.આઇ.આર. ર૦૦૦ (બોમ્બે) ર૪૬ બોમ્બે હાઇકોર્ટના ચુકાદા મુજબ જે કેસમાં દંડની જોગવાઇ હોય તે દંડ ફોજદારી કાર્યવાહી કર્યા બાદ જ થઇ શકે, અધીકારીઓને દંડ કરવાની કોઇ સત્તા નથી. તે પ્રકારનો સીધ્ધાંત ઉપરોકત ચુકાદામાં પ્રતીપાદીત કરેલ છે.

સી.આર.પી.સી. ૪૬૮ મુજબ કોઇપણ સરકારી લેણું વસુલવા માટે જે કલમમાં દંડની જોગવાઇ હોય તેમાં વધુમાં વધુ ૬ માસમાં તંત્ર દ્વારા કોર્ટમાં કેસ દાખલ કરવો પડે જો આ પ્રકારની કાર્યવાહી કરવામાં ન આવે તો તે સરકારી લેણું (દંડ) આપોઆપ લીમીટેશન મુજબ રદ થવાને પાત્ર છે.

આમ ઉપરોકત વિગતે કાયદાઓની સ્પષ્ટ જોગવાઇ હોવા છતાં તંત્ર દ્વારા કોઇપણ જાતની કાયદાકીય સમજણ આપ્યા વગર ખોટી કાયદાકીય વાતો કરીને સમાધાન શુલ્કના નામે પ્રજાજનો પાસેથી મોટી રકમો વસુલ કરવામાં આવે છે. તેની સામે યુવા લોયર્સ એશો. નામદાર કોર્ટમાં ફરીયાદો દાખલ કરવાની તૈયારી કરી રહેલ છે.સમાધાન શુલ્કની મોટી રકમો ન હોવી જોઇએ અને માનવતા અભીગમ દાખવી અને પ્રજાજનોને ઓછી રકમમાં સમાધાન શુલ્ક સ્વીકારવું જોઇએ તેવી અનેક રજુઆતો લોકો દ્વારા કરવામાં આવી રહેલ છે.

ટ્રાફીક વાયોલન્સની ખોટી નોટીસ એટલે કે ઇ-મેમો મોકલી હેરાન પરેશાન કરી ખર્ચના ખાડામાં પ્રજાજનોને ઉતારવામાં આવે છે જે કાયદા વિરૂધ્ધ છે

(3:11 pm IST)