Gujarati News

Gujarati News

News of Thursday, 28th January 2021

કોરોના પોઝિટિવ ઉમેદવાર - મતદાર અંગે ચૂંટણી પંચની ગાઇડ લાઇન આવશે

મતદાનના દિવસે કોરોના પોઝિટિવ દર્દી - હોમ આઇસોલેશન પરિવાર અંગે છેલ્લી કલાક ફાળવાય તેવી શકયતા : કલેકટરની પત્રકારો સાથે વાતચીત : બેલેટ પેપર પણ એક શકયતા : ઉમેદવાર પોઝિટિવ હોય તો ફોર્મ કઇ રીતે ભરી શકશે ?! : મતદારને મતદાનના દિવસે બૂથ ઉપર કોરોના નીકળે તો શું કરવું ?! : કોર્પોરેશન - જિલ્લા - તાલુકા પંચાયત ચૂંટણીમાં ઉઠેલા અનેક ગંભીર સવાલો : દરેક બૂથ ઉપર : PPE કીટ પણ રખાશે : માસ્ક - સેનેટાઇઝર - ગ્લોવ્ઝ - સાબુ - ફેશશીલ્ડ અંગે લોકલ ઓર્ડરો અપાશે : રેમ્યા મોહન : ઇશ્વરીયા પાર્ક - ઓસમ ડુંગર ખોલવા અંગે હજુ નિર્ણય લીધો નથી : વીક એન્ડમાં કાર્યવાહી કરી લેવાશે : સમરસનું કોવીડ સેન્ટર બંધ કરાયું છે : ચૂંટણી અંગે આજે સાંજે નાયબ મામલતદારોના ખાસ ઓર્ડરો

રાજકોટ તા. ૨૮ : રાજકોટ જિલ્લા કલેકટર શ્રી રેમ્યા મોહને આજે કોર્પોરેશન - જિલ્લા - તાલુકા પંચાયતની ચૂંટણી અંગે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, કોરોના કાળમાં ચૂંટણી આવી છે, તૈયારીઓ થઇ રહી છે, રોજના એવરેજ હજુ ૫૦ થી ૬૦ કેસો આવી રહ્યા છે, પરંતુ કોરોના પોઝિટિવ ઉમેદવાર - મતદાર તથા હોમ આઇસોલેશન રહેલા લોકોનું મતદાન કેમ લેવું, તેઓ કઇ રીતે મતદાન કરી શકે, ફોર્મ કઇ રીતે ભરી શકે વિગેરે બાબત વિચારણા માંગી લેતી છે, કારણ કે કોઇપણ મતદારનો મતાધિકાર એ તેનો હક્ક છે, તેમને ના પાડી શકાય નહિ, તો ઉમેદવારને ફોર્મ ભરવા માટે ખાસ રૂબરૂ આવવું પડે, ઓનલાઇન મતદાન કે ફોર્મ ભરવાનું બંધ છે, આ ઉપરાંત કોરોના પોઝિટિવ મતદાર કે તેમના હોમ આઇસોલેશન પરિવાર કે જે તે સમયે હોસ્પિટલમાં દાખલ થયેલ મતદાર માટે મતદાન માટે છેલ્લી કલાક ફાળવવી કે કેમ તથા પોસ્ટલ બેલેટ પેપરનો ઉપયોગ કરી શકાય કે કેમ વિગેરે બાબતો વિચારણા માંગી લેતી છે, અને આથી ઉપરોકત તમામ બાબતે રાજ્ય ચૂંટણી પંચની ગાઇડ લાઇનની રાહ જોવાઇ રહી છે, પંચની SOP આવે, ગાઇડ લાઇન આવે બાદ નિર્ણય લઇ શકાશે.

કલેકટરે ઉમેર્યું હતું કે, મુકત અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણી થાય તે માટે તમામ પગલા લેવાઇ રહ્યા છે, જે તે R.O., ARO તેમને જરૂરીયાત મુજબનો સ્ટાફ જે તે સરકારી કચેરીમાંથી મંગાવી લેશે, આ માટે કચેરીઓ ફાળવાઇ ગઇ છે, સ્ટાફ હાજર નો થાય, લીસ્ટ નો આવે તો કડક પગલા પણ લેવા સૂચના અપાઇ છે.

તેમણે જણાવેલ કે, ચૂંટણી માટે મહેકમ મંજુર થયું છે, હવે જરૂરીયાત મુજબ આજ સાંજ સુધીમાં નાયબ મામલતદાર - કારકૂન અને અન્યના ઓર્ડરો કાઢવામાં આવશે, સીટી સર્વેની કચેરીમાં સ્ટાફ જ નથી, એક અધિકારી ત્રણ - ત્રણ સ્થળે ચાર્જમાં છે, આ બધી બાબતો જોઇ પછી ઓર્ડરો થશે.

સમરસનું કોવીડ સેન્ટર બંધ કરવા અંગે તેમણે જણાવેલ કે, હવે હાલ જરૂરીયાત નથી, આ હોસ્ટેલ ૧ હજાર વિદ્યાર્થીઓની છે, હાલ કોઇ દર્દી નથી અને નજીકના સમયમાં કોલેજો ચાલુ થાય તો આ હોસ્ટેલની જરૂરીયાત પડશે, આથી આ સેન્ટર બંધ કરી ત્યાં રહેલ ઓકસીજન લાઇન પદ્મકુંવરબા અને સીવીલ હોસ્પિટલમાં ફીટ કરી દેવાશે.

ઇશ્વરીયા પાર્ક - ઓસમ ડુંગર ખોલવા અંગે કલેકટરે જણાવ્યું હતું કે હજુ નિર્ણય લીધો નથી પરંતુ વીક એન્ડમાં નિર્ણય લેવાઇ જશે.

(3:15 pm IST)