Gujarati News

Gujarati News

News of Thursday, 28th January 2021

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષામાં મહા છબરડો : ફીઝીકસના પ્રશ્નપત્રમાં કેમેસ્ટ્રીના પ્રશ્ન પૂછાતા હોબાળો

૧૮ પરીક્ષા કેન્દ્રો ઉપર મેઈલ મારફત પ્રશ્નો મોકલ્યા : પરીક્ષાર્થીઓને ૧૫ થી ૩૦ મિનિટનો વધુ સમય આપવામાં આવ્યો

રાજકોટ, તા. ૨૮ : છબરડા ફેઈમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અવનવા પરીક્ષામાં છબરડાઓ થતા રહે છે. ત્યારે આજે મહા છબરડો પ્રકાશમાં આવતા દોડધામ મચી ગઈ હતી.

જાણવા મળતી વિગતો મુજબ આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ચોથા તબક્કાની પરીક્ષામાં બીએસઈ સેમેસ્ટર-૩માં ફીઝીકસનું પ્રશ્નપત્ર હતું. જે હાથમાં આવતા જ પરીક્ષાર્થીઓ ચકરાવે ચડી ગયા હતા. ફીઝીકસ બીએસઈ સેમેસ્ટર-૩ વિષયના પ્રશ્નપત્રમાં પેઈજ નં.૧ અને ૪માં ફીઝીકસ વિષયના પ્રશ્નપત્રો પૂછાયા હતા. જયારે પેઈજ ૨ અને ૩માં કેમેસ્ટ્રી વિષયના પ્રશ્નપત્ર પૂછાયા હતા. આ પ્રશ્નપત્ર હાથમાં આવતા વિદ્યાર્થીઓએ સુપરવાઈઝર અને પરીક્ષા સંચાલકને રજૂઆત કરી હતી.

આ છબરડાની જાણ પરીક્ષા નિયામક નિલેશ સોનીને થતા તેઓએ તુરંત ઈ-મેઈલ મારફત તમામ પરીક્ષા કેન્દ્રો ઉપર પેઈજ નં.૨ અને ૩ના નામના ફીઝીકસના પ્રશ્નપત્ર મોકલ્યા હતા. જયાં ઝેરોક્ષ કરીને પરીક્ષાર્થીઓને આપવામાં આવેલ.

પરીક્ષામાં વિદ્યાર્થીઓનો સમય બગડતા તમામ વિદ્યાર્થીઓને અંદાજે ૧૫ થી ૩૦ મિનિટનો વધુ સમય આપવામાં આવ્યો હતો.

(3:44 pm IST)