Gujarati News

Gujarati News

News of Thursday, 28th January 2021

રાજકોટ કોર્પોરેશન ચૂંટણીનું ૧લીએ જાહેરનામુઃ ગોંડલ પાલિકા તથા જીલ્લા- તાલુકા પંચાયત ચૂંટણીનું ૮મીએ જાહેરનામુ : સવારે ૭ થી સાંજે ૬ સુધી મતદાન

પત્રકારોને વિગતો આપતા રેમ્યા મોહનઃ રાજકોટ મહાનગરપાલિકાની મતગણતરી ર૩ ફેબ્રુઆરીએ : રાજકોટ કોર્પોરેશનમાં એક મતદાર વધુમાં વધુ ૪ ઉમેદવારોને મત આપી શકશેઃ કુલ ૧૮ વોર્ડની ૭ર બેઠકો : જીલ્લા-તાલુકા પંચાયતમાં સીંગલ ચોઇસ EVM વપરાશેઃ તમામ ચૂંટણી થઇને કુલ ૯૯૬૪ બેલેટ યુનિટ અને કન્ટ્રોલ યુનિટનો ઉપયોગ : ગોંડલ નગરપાલીકાની મત ગણતરી ર માર્ચે થશેઃ ૧૧ વોર્ડમાં ૪૪ બેઠકોઃ ૯૦ મતદાન મથકો ફાઇનલ : રાજકોટ જીલ્લા પંચાયત-૧૧ તાલુકા પંચાયતની મતગણતરી પણ ર માર્ચે જીલ્લા પંચાયતની-૩૬ તથા ૧૧ તાલુકા પંચાયતની કુલ ર૦ર બેઠકો માટે ૧૧૪૧ મતદાન મથકોઃ ૯ાા લાખ મતદારો

રાજકોટ તા. ર૮ :.. આવી રહેલ રાજકોટ મહાનગરપાલિકા-રાજકોટ જીલ્લા પંચાયત - તાલુકા પંચાયત તથા ગોંડલ નગરપાલિકાની ચૂંટણી અંગે આજે એક અનૌપચારિક પત્રકાર પરીષદમાં કલેકટર શ્રી રેમ્યા મોહને પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી ૧૮ વોર્ડમાં ૭ર બેઠકો માટે થશે, ૧લી ફેબ્રુઆરીએ જાહેરનામું બહાર પડશે, તા. ૬ સુધી ફોર્મ ભરી શકાશે. એક મતદાર વધુમાં વધુ જે તે વોર્ડમાં ૪ ને મતદાન કરી શકશે. મતદાનને સમય દરેક ચૂંટણીમાં સવારે ૭ થી સાંજે ૬ સુધીનો રહેશે, મતદાન ર૧ મીએ અને મતગણત્રી તા. ર૩ ફેબ્રુઆરીએ યોજાશે, રાજકોટ મહાનગરપાલિકામાં કુલ ૯૮ર મતદાન મથકો ફાઇનલ કરાયા છે, અને કુલ ૧૦ લાખ ૬૮ હજારથી વધુ મતદારો પોતાના મતાધીકારનો ઉપયોગ  કરશે આમાં ૧૩રપ કન્ટ્રોલ યુનિટ અને રપ૬૦ બેલેટ યુનિટનો ઉપયોગ થશે, દરેક મતદારે મત આપ્યા બાદ બેલેટ યુનિટનું બટન દબાવવુ ફરજીયાત છે, જો નહિ દબાવે તો મત રજીસ્ટર નહિ થાય, ચૂંટણીમાં નોટાનો પણ વિકલ્પ રહેશે.

કલેકટરે ઉમેર્યુ હતું કે ગોંડલ નગરપાલીકાની ૧૧ વોર્ડની ૪૪ બેઠકો માટે અને રાજકોટ જીલ્લા પંચાયતી ૩૬ બેઠકો તથા જીલ્લાની ૧૧ તાલુકા પંચાયતની કુલ ર૦ર બેઠકો માટે તા. ૮ થી ૧૩ ફેબ્રુઆરી દરમિયાન ફોર્મ ભરી શકાશે. ર૮ મીએ મતદાન તથા ર માર્ચના રોજ મતગણતરી થશે.

ગોંડલ પાલીકાના ૧૧ વોર્ડની ૪૪ બેઠકો માટે ૪૦ મતદાન મથકો રહેશે, કુલ ૮૮૭૩૮ મતદારો છે, આમાં ૧૬ર કન્ટ્રોલ યુનિટ અને ૪૪૮ બેલેટ યુનિટ રહેશે.

રાજકોટ જીલ્લા-તાલુકા પંચાયતની બેઠકો માટે ૧૧૪૧ મતદાન મથકો, અને ૯ લાખ ૪૧ હજારથી વધુ મતદારો, રહેશે, આ બેઠકો માટે સીંગલ ચોઇસ EVMનો ઉપયોગ થશે,  આમાં કુલ ર૩પ૩ કન્સેલ યુનિટ અને ર૭૧૬ બેલેટ યુનિટ રહેશે.

તમામ મતદાન મથકો ચૂંટણીના આગલા દિવસે સેનેટાઇઝ કરાશે. દરેક મતદાન મથકે ૧-૧ મીટરના અંતરે સોશ્યલ ડીસ્ટન્સ્ના સર્કલો રહેશે, કોરોના ગાઇડ લાઇન અંગે તમામ નિયમોનું પાલન થશે, લોકો નિર્ભય પણે વધુને વધુ સંખ્યામાં મતદાન કરે તેવી કલેકટરે અપીલ કરી છે.

(3:48 pm IST)