Gujarati News

Gujarati News

News of Saturday, 28th November 2020

મ.ન.પા. કોરોનાના આંકડા છુપાવતી હોવાનું છતુ ? : ૩૫૦ના ૩૫ થઇ ગયા

સાચું હોય તો શરમજનક : કોવિડ કન્ટ્રોલના ડેશ બોર્ડ પર થોડીવાર માટે ૩૫૦ કેસ દેખાયા પછી ડીલીટ : સાચા આંકડાની કાચી ચિઠ્ઠીનો વહીવટ માત્ર 'આકાઓ' પાસે જ

રાજકોટ તા. ૨૮ : શહેરમાં કોરોનાના કેસનું પ્રમાણ ઓછું દર્શાવાતુ હોવાનું અવાર-નવાર લોકમુખે ચર્ચાતુ હોય છે ત્યારે આ બાબતને સમર્થન આપતી ઘટના બની હતી. જેમાં ગઇકાલના કોરોનાના કુલ ૩૫૦ કેસનો આંક થોડીવાર પછી ૩૫માં ફેરવાઇ ગયાનું મ.ન.પા.ની લોબીમાં ચર્ચાતી વિગતો મુજબ મ.ન.પા. દ્વારા કોવિડ કંટ્રોલરૂમના ડેશ બોર્ડ પર દરરોજ કેસની વિગતો દર્શાવાય છે.

જેમાં ખાનગી લેબોરેટરી, સિવિલ હોસ્પિટલ, મ.ન.પા.ના આરોગ્ય કેન્દ્રો અને ૭ ટેસ્ટીંગ બુથ આ તમામ ઉપરાંત શહેરના એન્ટ્રી પોઇન્ટના ટેસ્ટીંગ બુથ વગેરેના ટેસ્ટીંગની સંખ્યા તેમજ તેમાં આવેલા પોઝિટિવ વ્યકિતઓનો આંકડો દર્શાવાય છે.

આ તમામ આંકડાઓનો કુલ આંક દરરોજ સાંજે ડેશ બોર્ડ પર મુકાય છે. જેમાં ગઇકાલે કુલ ૩૫૦ કેસ થોડીવાર માટે દેખાયા હતા. અને પછી ગમે તેમ બન્યું આ ૩૫૦ આંકડાઓ ગાયબ થઇ ગયા ડીલીટ થઇ ગયા અને આજે ૩૫ કેસ જાહેર થયા. તેથી ગઇકાલે જે-જે લોકોએ ૩૫૦નો આંકડો જોયો હતો તેઓ આશ્ચર્યમાં મુકાયા હતા.

આ બાબત ઓપરેટરની ભૂલથી થઇ હોવાની શકયતા છે કેમકે સાચા આંકડાનો અલગ રીપોર્ટ 'આકાઓ' માટે અલગથી તૈયાર કરીને મોકલવામાં આવે છે જે રીપોર્ટ ભૂલથી ડેશ બોર્ડમાં જાહેર થઇ ગયાનું મ.ન.પા.ની લોબીમાં જોરશોરથી ચર્ચાઇ રહ્યું છે.

(3:16 pm IST)