Gujarati News

Gujarati News

News of Tuesday, 29th September 2020

મીકેનીકલ એન્જીનીયરીંગમાં વિપુલ તકો

એવરગ્રીન બ્રાંચ પ્રથમ પસંદગી બની રહી છે : સાવલીયા-પારેખ-રૈયાણી-દેશકરે

રાજકોટ તા. ૨૯ : કોરોના મહામારીના સમયમાં ભારત સહિત વિશ્વનો જીડીપી વિકાસ દર જયારે માઇનસમાં જઇ રહ્યો છે ત્યારે મીકેનીકલ એન્જીનીયરીંગનું હબ ગણાતા સૌરાષ્ટ્ર કચ્છમાં આગામી દાયકામાં મીકેનીકલ એન્જીનીયરીંગની આવતીકાલ કેવી રહેશે તે અંગે ત્રણ યુવા ઉદ્યોગપતિ સાથે વીવીપી એન્જી. કોલેજ દ્વારા કરાયેલ રસપ્રદ છણાવટના અંશો અહીં રજુ છે.

શાપર વેરાવળ સ્થિત કાવ્યમ એનર્જી પ્રા.લી.ના મેનેજીંગ ડીરેકટર આનંદભાઇ સાવલીયાએ મીકેનીકલ એન્જીનીયરીંગમાં ઉપલબ્ધ તકો વિષે વાત કરતા જણાવેલ કે સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છ મીકેનીકલ એન્જીનીયરીંગનું હબ છે. ઓટોમોબાઇલનાં મોટા ભાગનાં પાર્ટસનું ઉત્પાદન મીકેનીકલ એન્જીનીયરીંગને આભારી છે. ઓટોમોબાઇલનું હ્ય્દય મીકેનીકલ એન્જીનીયરીંગ છે. અનેક શાખાઓમાં મીકેનીકલ એન્જીનીયર માટે વિપુલ તકો છે.

ઓમ્નીટેક એન્જીનીયરીંગ પ્રા.લી.ના મેનેજીંગ ડીરેકટર ઉદયભાઇ પારેખે જણાવેલ કે ભારત આત્મ નિર્ભર બનવા જઇ રહ્યુ છે. ત્યારે 'વોકલ ફોર લોકલ'ની સ્વદેશી ભાવના બળવતર બની રહી છે. તેમાં પણ આગામી દશકો મીકેનીકલ એન્જીનીયરો માટે સુવર્ણકાળ બની રહેશે.

રેડ્રેન એનર્જી પ્રા.લી.ના મેનેજીંગ ડીરેકટર પ્રજ્ઞેશ રૈયાણીએ નવીનતમ વ્યવસાય વિષે વાત કરતા જણાવેલ કે આગામી યુગ સોલાર એનર્જીનો છે. ભારત સરકારે વિશ્વનો સૌથી મોટો રીન્યુએબલ એનર્જી એકસ્પાન્શન પ્રોગ્રામ રજુ કર્યો છે. આજનો સમય સોલાર પંપીંગ, સોલાર વોટર હીટીંગ સીસ્મટમનો છે. સરકાર ખેતીવાડીમાં ઇરીગેશન માટે ૧૦ લાખ સોલાર પંપની યોજના લાવી છે. આ બધુ જોતા મીકેનીકલ એન્જીનીયર માટે શ્રેષ્ઠ રોજગારની તકો ઉભી થશે.

અંતમાં વીવીપી એન્જીનીયરીંગ કોલેજના આચાર્ય ડો. જયેશ દેશકરે જણાવેલ કે એન્જીનીયરીંગના ભણતર ઉપરાંત પ્રેકટીકલ ટ્રેનીંગ ખુબ જરૂરી છે. સૌરાષ્ટ્ર કચ્છ મીકેનીકલ એન્જીનીયરીંગ હબ હોવાના કારણે અભ્યાસક્રમ સાથે પ્રેકટીકલ ટ્રનિંગનો સુભગ સમન્વય થવાથી ૧૦૦ ટકા પ્લેસમેન્ટની ઉજવણી તકો રહેલી છે.

(3:22 pm IST)