Gujarati News

Gujarati News

News of Wednesday, 30th September 2020

પીજીવીસીએલનું ૧પ કરોડના ખર્ચે બનેલ સ્કાડા સેન્ટર ધૂળ ખાય છેઃ એજન્સી સામે કેન્દ્રને રીપોર્ટ

૨૦૦ કિ.મી. અન્ડરગ્રાઉન્ડ કેબલ નખાયા બાદ કામગીરી ઠપ્પઃ નાણાના અભાવે એજન્સીએ કામ અટકાવ્યું : એજન્સી 'ચેમટ્રોન' દ્વારા સંખ્યાબંધ એમટીયુ નાંખ્યા નથીઃ એજન્સી બ્લેક લીસ્ટ થાય તેવો નિર્દેશ

રાજકોટ, તા., ૩૦: પીજીવીસીએલ દ્વારા લક્ષ્મીનગરમાં અંદાજે ૧૫ કરોડના ખર્ચે સ્કાડા સેન્ટર બનાવાયું છે.

અને તે કન્ટ્રોલ રૂમ દ્વારા સમગ્ર રાજકોટમાં કોઇ પણ વિસ્તારમાં લાઇટો ગુલ થાય. ફોલ્ટ આવે સબ સ્ટેશન બંધ થાય, જનરેટરમાં કે ટ્રાન્સફોર્મરમાં ધડાકા થાય તો તુરત જ જાણી શકાય અને સ્કાડાના કન્ટ્રોલ રૂમમાંથી જ લાઇટો ચેન્જ ઓવર કરી જે તે વિસ્તારમાં પુનઃ વીજ પુરવઠો કાર્યાન્વીત કરી શકાય તે પ્રકારે સુપર વ્યવસ્થા ગોઠવાઇ છે.

પરંતુ સ્કાડા સેન્ટર કે જે ૧પ કરોડના ખર્ચે બન્યું છે તે એજન્સીએ મુકેલા અધુરા કામને કારણે ધૂળ ખાઇ રહયાનું અધીકારી સુત્રો જ ઉમેરી રહયા છે.

સુત્રોએ ઉમેર્યુ હતું કે જે એજન્સીને કેન્દ્ર દ્વારા કામ સોંપાયું છે તે 'ચેમટ્રોન' દ્વારા નાણાના અભાવે કામ અધુરૂ મુકી દેવાયું છે. એમટીયુ અને એમઆરટીયુ જે સંખ્યાબંધ ઉભા કરવાના બાકી રાખી દીધા છે અને તેના પરીણામે આખુ કામ સ્થગીત થઇ ગયું છે. એજન્સીને પીજીવીસીએલના તંત્રે અનેક વખત રીમાઇન્ડર કર્યા પરંતુ કોઇ કાર્યવાહી કરાઇ નથી. આથી વીજ તંત્રે કેન્દ્રને આ એજન્સી વિરૂધ્ધ પગલા લેવા અંગે ગંભીર રીપોર્ટ કરી દિધાનું બહાર આવ્યું છે. અધીકારી સુત્રોએ ઉમેર્યુ હતું કે રીપોર્ટ થયો છે હવે કેન્દ્ર આ એજન્સીને બ્લેક લીસ્ટમાં મુકે તેવી શકયતા છે.

અત્રે એ નોંધનીય છે કે વીજતંત્રે રાજકોટમાં ર૦૦ કી.મી.નો અન્ડર ગ્રાઉન્ડ કેબલ નાંખી સેંકડો થાંભલા ખસેડી લીધા પરંતુ હવે કામ અટકી ગયું છે. કોર્પોરેશન આ બાબતે મંજુરી આપે પછી કામગીરી થશે.

(11:33 am IST)