Gujarati News

Gujarati News

News of Wednesday, 30th September 2020

રાજકોટ જેલમાં અમદાવાદની જડતી સ્કવોડ ત્રાટકીઃ વોશબેશીનની પાઇપમાંથી મોબાઇલ ફોન મળ્યો!

અગાઉ સીટની ટીમે કેદીઓ-જેલ કર્મચારીઓની સંડોવણીનો પર્દાફાશ કર્યો હતો : નવી જેલ વિભાગ ૦૨ યાર્ડ નં. ૧૦૧ની બેરેક નં. ૩૦૩માં કયા કેદીએ ફોન છુપાવ્યો'તો તેની તપાસ

રાજકોટ તા. ૩૦: થોડા દિવસો પહેલા રાજકોટ જેલમાંથી મળતાં મોબાઇલ ફોનના ગુના શોધી કાઢવા પોલીસ કમિશનરશ્રીએ સીટની રચના કરી તપાસ કરાવી હતી. જેમાં કેદીઓ ઉપરાંત જેલ કર્મચારીઓની સંડોવણી પણ સામે આવી હતી. ત્યાં ગઇકાલે અચાનક અમદાવાદની જેલ જડતી સ્કવોડે રાજકોટ જેલમાં ત્રાટકી તપાસ કરતાં નવી જેલની બેરેકમાં વોશબેશીન નીચે છુપાવેલો મોબાઇલ મળી આવતાં અજાણ્યા કેદી સામે ગુનો દાખલ કરાવ્યો છે.

આ અંગે અમદાવાદના જેલજડતી સ્કવોડના ગ્રુપ-૨ના જેલર ડી.આર. કરંગીયાએ અજાણ્યા સામે પ્રિઝન એકટ ૪૨,૪૩, ૪૫ની પેટા કલમ મુજબ પ્ર.નગર પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો છે.

જેલરશ્રીએ ફરિયાદમાં જણાવ્યું છે કે  ૨૯મીએ રાજ્યના જેલવડાની સુચના અંતર્ગત હું તથા રેડ પાર્ટીના સુબેદાર હિતેનભાઇ પટેલ, હવાલદાર વિક્રમજી ઠાકોર, હવાલદાર રિઝવાનભાઇ ગોરી, સિપાહી રણજીતજી ઠાકોર, સિપાહી કમલેશભાઇ ગરૈ્યા, જેલ સહાયક સુરપાલસિંહ સોલંકી સરકારી વાહનમાં રાજકોટ જેલ ખાતે આવ્યા હતાં અને મુખ્ય ગેઇટ પર એન્ટ્રી કરાવી અંગ જડતી કરાવી ડ્યુટી જેલર તથા ફરજ પરના સ્ટાફને સાથે રાખી અંદર પ્રવેશ્યા હતાં.

નવી જેલ વિભાગ-૦૨ યાર્ડ નં. ૧૦૧ની બેરેક નં. ૩૦૩માં પ્રવેશતાં ડાબી બાજુ આવેલા વોશ બેશીનની નીચેની પાઇપમાંથી કેચોડા કંપ્નીનો કાળા રંગનો મોબાઇલ ફોન સિપાહી કમલેશભાઇ ગરૈયાને મળી આવ્યો હતો. આ મોબાઇલ કોનો છે? તે બાબતે બેરેક નં. ૩૦૩ના ૩૩ કેદીઓને પુછતાછ કરી હતી. પરંતુ કોઇએ કબુલાત આપી નહોતી.

આશરે સો રૂપિયાની કિંમતનાઆ મોબાઇલ ફોનમાં બેટરી હતી, ચાલુ હાલતમાં હતો પણ સિમકાર્ડ નહોતું. કયા કેદીએ ગેરકાયદેસર રીતે વાપર્યો છે તેની તપાસ કરવાની હોઇ આ મોબાઇલ જેલની બેરેક અંદર ઘુસાડવામાં જેલના કોઇ કર્મચારી કે બીજા કોઇ સંડોવાયા હોઇ તેવી શંકા હોઇ તપાસ કરાવવા માટે ગુનો દાખલ કરાવ્યો છે.

નોંધનીય છે કે અગાઉ જેલમાંથી વારંવાર મળતાં મોબાઇલ ફોનને મામલે પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલે સીટની રચના કરી હતી અને આવા ગુનાઓ આચરનારા કેદીઓને શોધી કાઢ્યા હતાં. તેમજ જેલ કર્મચારીઓની સંડોવણી ખુલી હોઇ તેની સામે પણ પગલા લેવાયા હતાં. ત્યાં ફરીથી અમદાવાદની જડતી સ્કવોડે ઓચીંતા ત્રાટકી જેલની એક બેરેકમાંથી મોબાઇલ ફોન શોધી કાઢતાં ચર્ચા જાગી છે. પ્ર.નગર પીએસઆઇ બી. વી. બોરીસાગરે તપાસ હાથ ધરી છે.

(11:36 am IST)