Gujarati News

Gujarati News

News of Wednesday, 30th September 2020

નવાગામ બામણબોરમાં ભવાનને પિતા-ભાઇઓએ લાકડીથી ફટકાર્યો

જ્યાં દોડવું હોય ત્યાં દોડી લેજે...કૂવા સુધી જવાનો રસ્તો નહિ જ મળે...

રાજકોટ તા. ૩૦: નવાગામ બામણબોરના કોળી યુવાનને ગામમાં જ તેના પિતા-ભાઇઓ સહિતે આંતરી તને કૂવા સુધી જવાનો રસ્તો નહિ જ મળે, જ્યાં દોડવું હોય ત્યાં દોડી લેજે...કહી લાકડીથી ફટકારતાં સારવાર લેવી પડી છે.

આ અંગે કુવાડવા રોડ પોલીસે નવાગામ બામણબોરમાં રહેતાં અને ખેતી કરી ગુજરાન ચલાવતાં ભવાનભાઇ તેજાભાઇ બાવળીયા (કોળી) (ઉ.વ.૪૦)ની ફરિયાદ પરથી તેના પિતા તેજાભાઇ બાવળીયા, ભાઇ વલ્લભ તેજાભાઇ, મહેશ તેજાભાઇ અને મહેશના સસરા દાનાભાઇ વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે.

ભવાનભાઇના કહેવા મુજબ તે ગઇકાલે પોતાનું બાઇક જીજે૧૩આરઆર-૫૬૩૮ હંકારી જારડા ગામે ગાય વિહાણી હોઇ અને બિમાર હોઇ તેનો દોરો કરવા ગયા હતાં. ત્યાંથી પાછા આવતાં હતાં ત્યારે બામણબોરથી ગારીડા તરફ રસ્તામાં પીરની દરગાહ પાસે પહોંચતા તેના પિતા, ભાઇઓ અને એક ભાઇના સસરાએ અટકાવી 'તને વાડીમાં કુવા તરફ જવાનો રસ્તો નહિ મળ,ે તારે જ્યાં દોડવું હોય ત્યાં દોડી લેજે' તેમ કહી લાકડથી માર મારતાં દેકારો મચાવતાં  દિકરો રસીક બચાવવા દોડી આવતાં પિતા-ભાઇઓ સહિતના ભાગી ગયા હતાં. એ પછી ભવાનભાઇને સારવાર માટે ૧૦૮ મારફત હોસ્પિટલમાં ખસેડાયા હતાં.

ભવાનભાઇએ ફરિયાદમાં જણાવ્યું હતું કે ભાઇઓ વચ્ચે જમીનના ભાગ પડી ગયા છે. પરંતુ કૂવો હજુ સહિયારો છે. આ કૂવા તરફ જવાનો રસ્તો પોતાની જમીનમાં ન હોઇ જેથી રસ્તાની માંગણી કરતાં પિતા-ભાઇઓ સહિતનાએ રસ્તો નહિ આપવા મામલે હુમલો કર્યો હતો. હેડકોન્સ. જે. એમ. ઝાલાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(12:40 pm IST)