Gujarati News

Gujarati News

News of Wednesday, 30th September 2020

લ્યો બોલો...વધુ પૈસા કમાવવા બીએચએમએસ ડોકટરે કોરોનાની સારવાર શરૂ કરી દીધી!: ઇન્જેકશનના કાળાબજાર પણ કરી લીધા

ક્રાઇમ બ્રાંચે વધુ એક કોૈભાંડ ઉઘાડુ ભાડી નાણાવટી ચોકના શુભમ્ કલીનીકના ડોકટર તથા તેને ઇન્જેકશન આપનાર ખાનગી હોસ્પિટલના કર્મી મુકેશ રાઠોડ તથા પંકજ દોમડીયાને પકડ્યાઃ સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે કલશ એપાર્ટમેન્ટમાં તબિબને રંગેહાથ પકડ્યા : મંજુરી ન હોવા છતાં અને આવી સારવાર આપવા પોતે સક્ષમ ન હોવા છતાં ડો. દિપક ગઢીયાએ ધીરજબેન ભેંસદડીયાની સારવાર કરી પૈસા પડાવ્યા

રાજકોટ તા. ૩૦: પૈસા માટે ઘણા લોકો ખોટુ કરતાં પણ અચકાતા નથી. ખુદ તબિબ પણ કાળાબજાર કરવા માંડે છે...શહેર ક્રાઇમ બ્રાંચે કોરોનાની સારવારના નામે દર્દીઓને ખંખેરવાનું વધુ એક કોૈભાંડ ઉઘાડુ પાડી બીએચએમએસ ડોકટર, ખાનગી હોસ્પિટલના કર્મચારીઓ સહિત ત્રણને પકડી લીધા છે. વધુ પૈસા કમાવવાની લ્હાયમાં આ ડોકટર પોતાને કોઇ મંજૂરી ન હોવા છતાં અને કોવિડની સારવાર માટે સક્ષમ ન હોવા છતાં એક દર્દીની ઘરે જઇ સારવાર કરી મોટી ફી વસુલતો હતો અને રેમડેસિવિર ઇન્જેકશનના કાળાબજાર પણ કરતો હોવાનું સામે આવતાં ચર્ચા જાગી છે.

ક્રાઇમ બ્રાંચના કોન્સ. હિરેનભાઇ પરમારની ફરિયાદ પરથી આ મામલે ડીસીબી પોલીસ સ્ટેશનમાં વાંકાનેર સોસાયટી કોપર સીટી ફલેટ નં. આઇ-૪૦૩માં રહેતાં અને નાણાવટી ચોકમાં શુભમ્ કલીનીક નામે દવાખાનુ ચલાવતાં બીએચએમએસ ડો. દિપક દેવરાજભાઇ ગઢીયા (ઉ.વ.૨૯) તથા તેના મિત્ર નિલકંઠ કોવિડ હોસ્પિટલના મેડિકલ સુપરવાઇઝર મુકેશ ભીખુભાઇ રાઠોડ અને મેડિકલ સ્ટોરના કર્મચારી પંકજ દોમડીયા સામે આઇપીસી ૪૨૦, ૧૧૪, ગુજરાત વૈદ્યક વ્યવસાયીઓ અધિનિયમ ૧૯૬૩ની કલમ ૩૦, આવશ્યક ચીજવસ્તુ ધારાની કલમો તથા ડિજાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમો હેઠળ ગુનો નોંધી ત્રણેયની અટકાયત કરી છે.

પીએસઆઇ એસ.વી. સાખરા અને કોનસ. સંજયભાઇ ચાવડાને બાતમી મળી હતી કે કલશ એપાર્ટમેન્ટના ચોથા માળે ફલેટ નં. ૪૦૧માં રહેતાં તુષારભાઇ ગાંડુભાઇ ભેંસદડીયાના માતા ધીરજબેને કોરોનાથી સંક્રમિત થયા હોઇ અને હાલ કવોરન્ટાઇનમાં હોઇ તેની સારવાર કરવા નાણાવટી ચોકના શુભમ્ કલીનિકવાળા ડો. દિોપક ગઢીયા આવે છે અને સારવારના રૂ. ૩૦હજાર લીધા છે. વળી તે રેમડેસિવિર ઇન્જેકશનના પણ વધુ પૈસા વસુલે છે.

આ બાતમીને આધારે ટીમે તુષારભાઇની ઘરે પહોંચી તેને સમજ આપી હતી. તુષારભાઇએ આ વાત સાચી હોવાનું સ્વીકાર્યુ હતું. પોલીસે તેને સમજ આપી હતી. એ પછી પોલીસના માણસોએ ઘરમાં વોચ રાખી હતી અને બીજી ટીમ નજીકમાં ઉભી હતી. ડો. દિપક ગઢીયાએ પોણા છએક વાગ્યે ફલેટ પર પહોંચી 'ધીરજબેનને કેમ છે?' તેવું પુછતાં અને ઇન્જેકશન આપવાનું છે તેના ૭૦૦૦ થશે તેમ કહી તુષારભાઇ પાસેથી પૈસા વસુલી ખિસ્સામાં મુકતાં જ અંદર રહેલા પોલીસ કર્મીએ બહારથી પીએસઆઇ સહિતને બોલાવી લીધા હતાં.

તબિબને પુછતાછ કરતાં પોતાનું નામ-સરનામુ જણાવ્યા હતાં અને પોતે કોરોનાની સારવાર ન કરી શકે તેમજ આ માટે મંજુરી પણ નહિ હોવાનું સ્વીકાર્યુ હતું. ૫૪૦૦ લેખે રેમડેસિવિર ઇન્જેકશન પોતે નિલકંઠ કોવિડના સુપરવાઇઝર એવા પોતાના મિત્ર મુકેશ ભીખુભાઇ રાઠોડ પાસેથી લાવ્યાનું અને ૭ હજાર લેખે તુષારભાઇ પાસેથી નાણા વસુલ્યાનું પણ કબુલતાં પોલીસે મુકેશ રાઠોડને સકંજામાં લેતાં તેણે મેડિકલ સ્ટોરના કર્મચારી પંકજ દોમડીયા પાસેથી આ ઇન્જેકશન લાવ્યાનું કબુલતાં ત્રણેય સામે ગુનો નોંધી કાર્યવાહી કરાઇ હતી. ડો. દિપક ગઢીયાએ અત્યાર સુધીમાં કોરોનાના સાતથી આઠ દર્દીઓની સારવાર કર્યાનું પણ કબુલ્યું છે. વધુ પૈસાની લ્હાયમાં પોતાને મંજુરી ન હોવા છતાં અને પોતે આવી સારવાર કરવા સક્ષમ ન હોવા છતાં આમ કર્યાની તેણે કબુલાત આપી હતી.

પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ડી. વી. બસીયાની સુચના મુજબ પીઆઇ વી. કે. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ એસ. વી. સાખરા, હેડકોન્સ. ધીરેનભાઇ માલકીયા, યોગેન્દ્રસિંહ જાડેજા, કોન્સ. હિરેનભાઇ સોલંકી, કિરીટસિંહ ઝાલા, સંજયભાઇ ચાવડા, વિરેન્દ્રસિંહ જાડેજા સહિતે આ કામગીરી કરી હતી.

રેમડેસિવિર ઇન્જેકશનના કાળા બજારમાં હેમત સહિત પાંચેયના રિમાન્ડઃ વધુ કંઇ નહિ કર્યાનું રટણ

. રેમડેસિવિર ઇન્જેકશનના કાળા બજાર કરવાના ગુનામાં ક્રાઇમ બ્રાંચે પકડેલા પાંચ આરોપીઓ દેવ્યાની જીતેન્દ્રભાઇ ચાવડા, વિશાલ ભુપતભાઇ ગોહેલ, અંકિત મનોજભાઇ રાઠોડ, જગદીશ ઇન્દ્રવદનભાઇ શેઠ અને સિવિલ હોસ્પિટલના બ્રધર હિમત કાળુભાઇ ચાવડાને ગઇકાલે રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરાતાં આગામી તા. ૧ સુધી ત્રણ દિવસના રિમાન્ડ મંજુર થતાં પીએસઆઇ વી. જે. જાડેજા અને ટીમે વધુ તપાસ હાથ ધરી છે. જો કે હિમતે સિવિલમાંથી માત્ર પાંચ જ ઇન્જેકશન ચોરી વેંચી દીધાનું રટણ ચાલુ રાખ્યું છે. અન્ય ચારેયએ પણ વધુ કોઇ કોૈભાંડ નહિ કર્યાનું રટણ યથાવત રાખ્યું છે.

જ્યારે કોવિડને લગતાં ૨૦૬ ઇન્જેકશનના ખોટા બિલ બનાવી કોૈભાંડ આચરનારા થિઓસ ફાર્માસ્યુટિકલ પેઢીના સંચાલક સચીન હરેશભાઇ પટેલ (ઉ.વ.૩૦) તથા મવડી બાયપાસ સંસ્કાર એવન્યુ એ-૧૦૪માં રહેતાં ઝાયડસ કેડિલા કંપનીના સોૈરાષ્ટ્રના એમ.આર.  રજનીકાંત પરષોત્તમભાઇ ફળદુ (પટેલ) (ઉ.વ.૨૯)ની ધરપકડ કરી વિશેષ પુછતાછ માટે રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરાઇ છે.

(12:42 pm IST)