Gujarati News

Gujarati News

News of Wednesday, 30th September 2020

ડો.આંબેડકર નગરની મહિલાઓ ગંદા પાણીની બોટલ સાથે મ.ન.પા. કચેરીએ ઉમટીઃ ઉગ્ર રજૂઆત

કોંગી કોર્પોરેટર જાગૃતીબેન ડાંગરની આગેવાનીમાં સ્થાનિક વિસ્તરવાસીઓ દ્વારા ડે.કમિશ્નર એ.આર.સિંઘને રજૂઆત

શહેરનાં વોર્ડ નં.૧૩નાં  આંબેડકર નગર વિસ્તારમાં ચોખ્ખું પાણી આપવાની માંગ સાથે  કોંગી કોર્પોરેટર જાગૃતીબેન ડાંગરની આગેવાનીમાં વિસ્તારનાં મહિલાઓ દ્વારા  ડે.કમિશ્નર એ.આર.સિંઘને લેખિત પત્ર પાઠવી રજૂઆત કરી હતી.તે વખતની તસ્વીર(તસ્વીરઃ અશોક બગથરીયા)

રાજકોટ,તા.૩૦: શહેરનાં વોર્ડ નં.૧૩માં આવેલ પછાત વિસ્તાર આંબેડકર નગર સહિતનાં વિસ્તારોમાં છેલ્લા ઘણા દિવસોથી દુષિત પાણીનુંં વિતરણ થતું  હોય વિસ્તારવાસીઓને પાણીની ભયંકર મુશકેલી સર્જાય રહી છે અનેક રજૂઆતો બાદ પણ સમસ્યા યથાવત રહેતા આજે કોંગ્રેસનાં કોર્પોરેટર જાગૃતીબેન ડાંગરની આગેવાનીમાં વિસ્તારની મહિલાઓ ઢેબર રોડ પર આવેલ મ્યુ.કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે ગંદા પાણીની બોટલ સાથે ઉમટી આ સમસ્યાનો કાયમી  ઉકેલ લાવવા ડે.કમિશ્નર એ.આર.સિંઘને રજૂઆત કરી હતી.

આ અંગે જાગૃતીબેનએ પાઠવેલ પત્રમાં જણાવ્યુ હતુ કે, વિસ્તારવાસીઓનાં બહેનોનાં જણાવ્યા મુજબ છેલ્લા કેટલાક સમયથી ડો.આંબેડકર નગરની બે થી ત્રણ શેરીમાં ગટરનું દુર્ગંધ મારતુ દુષિત પાણી પીવાનાં પાણીની પાઇપલાઇનમાં ભળી ગયું હોય ઉપયોગમાં લેવાય નહિ તેવુ પાણી વિતણર થઇ રહ્યુ છે. આ બાબતે તંત્રમાં અનેક વખત રજૂઆતો કરવામાં આવી છતા હજુ દુષિત પાણી વિતરણ થાય છે પરિણામે અહિનાં લોકોને પાણીની ભયંકર મૂશકેલી વેઠવી પડે છે. તેમજ રોગચાળો ફેલાવાનો ભય ઉભો થયો છે.

આ સમસ્યા તાકીદે ઉકેલવામાં નહિ આવેતો કોંગી કોર્પોરેટર દ્વારા આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.

(3:51 pm IST)