Gujarati News

Gujarati News

News of Wednesday, 30th September 2020

મ.ન.પા.નું તંત્ર વોંકળા ગેંગ મજુરો પાસે કોરોનાની કામગીરી ના કરાવી શકેઃ કર્મચારી મંડળ

મજુરો પાસે સર્વેલન્સની કામગીરી મૌખીક આદેશથી કરાવાય છે.: મજુરો સંક્રમિત થવા લાગતા ફફડાટઃ પછાત વર્ગ મ્યુ.કર્મચારી મંડળે મ્યુ.કમ્શિનરને આવેદન પાઠવ્યું

રાજકોટ તા.૩૦ : મ.ન.પા. દ્વારા વોંકળા ગેંગના મજુરોને માત્ર મૌખિક આદેશથી કોરોનાની કામગીરી સોંપવામાં આવે છેતે અન્યાયી હોવાથી રજુઆત પછાત વર્ગ મ્યુ.કર્મચારી મંડળ દ્વારા મ્યુ.કમિશ્નરને આવેદનપત્ર પાઠવીને કરી છે.

આ આવેદનમાં જણાવાયું છે કે મહાનગરપાલિકા દ્વારા કોવીડ-૧૯ કરોના સંક્રમણ અટકાવવાની સઘન કામગીરી હાથ ધરવામાં આવેલ છે. જે અન્વયે વર્ગ-૩ નાં કર્મચારીઓનાં હુકમ કરવામાં આવેલ છે. અને વર્ગ-૪ નાં કર્મચારીઓ પાસેથી મૌખિક આદેશથી ગેરકાયદેસર રીતે આરોગ્ય સર્વેલન્સની કામગીરી કરાવવામાં આવે છે. ત્યારે મંડળની રજૂઆત છે કે, વોર્ડ નં. ૧ થી ૧૮ માં ડોર ટુ ડોર એપીએકસ (આરોગ્ય) સર્વેલન્સની કામગીરી હાલ ચાલુ છે. જેમાં વોર્ડ નં. ૧૮ કોઠારીયાના પ્રભારી અને શાખા અધિકારી તથા વોર્ડ ઓફીસર દ્વારા છેલ્લા ર૦ દિવસથી વર્ગ-૪ ના વોકળાં ગેંગ મજૂર, કન્ઝરવંશી મજૂર,  સો. વે. મે. શાખાના પટ્ટાવાળા પાસે વોર્ડ નં. ૧૮ ના જુદા જુદા વિસ્તારોમાં ડોર ટુ ડોર આરોગ્ય સર્વેલન્સની કામગીરી કોઇપણ જાતના હુકમ વગર કરાવવામાં આવે છે.

વર્ગ-૪ નાં મજૂરો અને પટાવાળાઓ પાસે કોરોના સંક્રમણ અટકાવવાની આરોગ્ય વિષયક કામગીરી કરાવવામાં આવે છે. જેમાં તેઓને આ કામગીરી બાબતની કોઇ જાણકારી નથી કે, કોઇપણ પ્રકારની ટ્રેનીંગ આપવામાં આવેલ નથી. તદુપરાંત આ કામગીરી દરમ્યાન સલામતીના સાધનો પણ ફાળવેલ નથી.

એટલુ જ નહી આટલી જોખમી કામગીરીને કારણે મજુરો સંક્રમિત થવા લાગ્યા છે.

આજે પણ કન્સર્વન્સી વિભાગના મજુરનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતા ફફડાટ ફેલાયો છે ત્યારે આ બાબતે ન્યાયી કાર્યવાહી કરવા મંડળના હોદેદારોએ રજુઆતના અંતે માંગ ઉઠાવી છે.

(3:50 pm IST)