Gujarati News

Gujarati News

News of Friday, 30th October 2020

કોસ્મો કોમ્પલેક્ષમાં આવેલી ફાયનાન્સની ઓફિસના ઉઠમણાઃ કાર લે-વેંચના ઓઠા તળે કરોડોનું ફુલેકુ

રાજકોટ તા. ૩૦: મહિલા કોલેજ અન્ડર બ્રિજ પાસે આવેલી એક ફાયનાન્સની ઓફિસનું ઉઠમણું થઇ જતાં અને અનેક લોકોના પાંચેક કરોડ ચાંઉ થઇ જતાં દોડધામ મચી ગઇ છે. આ મામલે પોલીસ ફરિયાદની તજવીજ થઇ રહી છે. નવી જુની કાર લે-વેચનો ધંધો ચાલુ કરવામાં આવ્યા બાદ એકાદ વર્ષ બધુ બરાબર ચાલ્યું હતું. પણ બાદમાં અચાનક ઓફિસને તાળા લાગી જતાં કાર લે-વેંચમાં નાણા રોકનારા રાતે પાણીએ રડ્યા હતાં. અંદાજે પાંચેક કરોડનું ફુલેકૂ ફરી ગયાની ચર્ચા છે.

જાણકારોમાં થતી ચર્ચા મુજબ ભગવાનના નામથી શરૂ એકાદ વર્ષ પહેલા ફાયનાન્સની ઓફિસ શરૂ થઇ હતી. જેમાં કોઇને પણ નવી કાર ખરીદ કરવી હોય તો આ ઓફિસનો સંચાલક અને ભાગીદાર વચેટીયા તરીકે કામ કરી આપતા હતાં. કોઇને જુની કાર વેંચવી હોય તો જે ભાવ હોય એના કરતાં થોડા ઘણા ઓછા-વધુ ગણાવી કાર અને કાગળો લઇ લેવાતા હતા. એ પછી બીજા કોઇને કાર લેવી હોય તો તેની પાસેથી પૈસા લઇ લેવાતા હતાં અને બીજાની કાર વેંચવા આવી હોઇ તે બતાવી દેવાતી હતી. બાદમાં જો કે કારની ડિલીવરી થતી નહોતી આ દરમિયાન કેટલાક દિવસથી આ ઓફિસ બંધ થઇ જતાં દેકારો બોલી ગયો હતો. વાત પોલીસ સુધી પહોંચી હોવાનું પણ કહેવાય છે. જો કે હજુ મોડી બપોર સુધી ફરિયાદ નોંધાઇ નથી.

કોઇને નવી મોંઘીદાટ ગાડી લેવી હોય તો તેને સસ્તામાં આવી ગાડી આપી દેવાની લાલચ આપી તેની પાસેથી એડવાન્સમાં  નાણા લઇ લેવાતા હતાં. એ પછી કારની ડિલીવરી પણ અપાતી હતી. શરૂઆતમાં આ રીતે કાયદેસરનો ધંધો કરી વિશ્વાસ કેળવાયો હતો. એ પછી મોટી સંખ્યામાં ગ્રાહકો આવવા માંડ્યા હતાં. પરંતુ આ બધા પાસેથી કારના પૈસા લઇ લીધા બાદ ડિલીવરી નહિ અપાયાની ચર્ચા છે.

(3:49 pm IST)