Gujarati News

Gujarati News

News of Monday, 30th November 2020

કાલે વિશ્વ એઇડ્સ દિવસ જન જન જાગે એઇડ્સ ભાગે

આ વર્ષનું વૈશ્વિક લડત સુત્ર 'વૈશ્વિક ભાગીદારી અને સહીયારી જવાબદારી'

વિશ્વ અરોગ્ય સંસ્થાના અહેવાલ મુજબ દુનિયામાં ૩ કરોડ ૮૦ લાખથી વધુ લોકો એચ.આઇ. વી. સાથે જીવી રહ્યા છે. વૈશ્વિક સ્તરે અંદાજીત નવા એચ.આઇ.વી.ના સંક્રમણની સંખ્યા ૧૭ લાખ, ભારતમાં ૬૯.૨૨ હજાર અને ગુજરાતમાં ૩.૩૭ હજાર છે. નેશનલ એઇડ્સ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (નાકો), આરોગ્ય અને પરિવાર કલ્યાણ અને ઇન્ડિયન કોઉન્સિલ ઓફ મેડિકલ રેસર્ચ દ્વારા ૨૦૧૯ માં કરવામાં આવેલા અનુમાન પ્રમાણે ભારતમાં આશરે ૨૩.૪૯ લાખ લોકો એચ.આઇ.વી. સાથે જીવી રહ્યા છે. આ અનુમાન મુજબ ભારતમાં પુખ્ત વયની વ્યકિતઓમાં એચ.આઇ.વી.નું પ્રમાણ વર્ષ ૨૦૧૯માં ૦.૨૨% છે, જે ગુજરાતમાં ૦.૨૦% છે. એ જ પ્રમાણે ગુજરાતમાં સગર્ભા માતાઓમાં એચ.આઇ.વી.નું પ્રમાણ વર્ષ ૨૦૧૯ માં વર્ષ ૨૦૧૭ ની તુલનામાં ઘટયું છે. એ જ રીતે નવા એચ.આઇ.વી. ના ચેપનું પ્રમાણ પણ ઘટયું છે.

ગુજરાતમાં એચ.આઇ. વી. ના ટેસ્ટને લગતી સુવિધાઓ દરેક સ્વાસ્થ્ય કેન્દ્ર પર ઉપલબ્ધ છે. ગુજરાત માં એચ.આઇ. વી સાથે જીવતા ૭૦,૮૮૯ લોકોને જરૂરી સારવાર અને એ.આર.ટી. દવાઓ ૩૪ એ.આર.ટી. સેન્ટરો અને ૬૬ લીંક એ.આર.ટી. સેન્ટરો દ્વારા પૂરી પાડવામાં આવે છે.

૨૦૨૦ નું વર્ષ માતામાંથી બાળકમાં થતાં એચ.આઇ. વી.ના ચેપને અટકાવવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ વર્ષ છે. આ કાર્યક્રમ અંતર્ગત એચ.આઇ.વી. ધરાવતી માતાને સાગર્ભાવસ્થી લઈને બાળક ૧૮ મહિનાનું થાય ત્યાં સુધી ખાસ સંભાળ લેવામાં આવે છે તથા બાળકની નિશ્ચિત સમયના અંતરે એચ.આઇ.વી. ની તપાસ કરવામાં આવે છે. આ દરમ્યાન જો બાળકને એચ.આઈ.વી. હોવાનું જણાય તો તેની તરત જ સારવાર શરૂ કરવામાં આવે છે.

ચાલુ વર્ષે કોરોનાની મહામારીના મુશ્કેલીભર્યા સમયમાં પણ ગુજરાત સ્ટેટ એઈડ્સ કંટ્રોલ સોસાયટી, ગુજરાત સરકાર દ્વારા સેવાભાવી સંસ્થાઓ, અન્ય સરકારી વિભાગો જેમ કે ટીબી વિભાગ, બ્લડ બેન્ક સાથે મળીને એચ.આઈ. વી.ની નિયમિત તપાસ થાય તથા એચ.આઈ. વી. ધરાવતા લોકોને સમયસર અને પૂરતા પ્રમાણમાં એ.આર.ટી. દવાઓ મળી રહે, તેની નિયમિતતા જળવાય અને અન્ય લાભો મળી રહે એની ખાસ તકેદારી રાખવામાં આવી હતી.

એચ.આઈ.વી.ના ચેપ વિષે લોકોમાં જાગૃતિ વધે, એચ.આઈ.વી.ના ચેપને ફેલાવતો અટકાવી શકાય, એચ.આઈ. વી. ધરાવતી વયકિતની સમયસર તપાસ થઈ તેને પૂરતી સારવાર મળી રહે તેના માટે સરકાર પ્રતિબદ્ઘ છે. આ માટે ગુજરાત સ્ટેટ એઈડ્સ કંટ્રોલ સોસાયટીની આગેવાની હેઠળ વિવિધ કાર્યક્રમો અને યોજનાઓ અસ્તિત્વમાં છે જેમ કે – સરકારી દવાખાનાઓમાં એચ.આઈ.વી.ની મફત તપાસ અને સારવાર, એચ.આઈ.વી ધરાવતા વ્યકિતઓને સામાજિક અને તબીબી સહાય, એ.આર.ટી. અને તકવાદી ચેપોની સારવાર માટે મુસાફરી ખર્ચ સહાય યોજના, પાલક માતા-પિતા યોજના અને શિષ્યવૃત્તિ યોજના. વધુ જોખમ ધરાવતા જૂથો (દેહ વિક્રયના વ્યવસાય સાથે સંકળાયેલ બહેનો, સજાતીય સંબંધ ધરાવતા પુરુષો, ઇન્જેકશનથી નશો કરનાર લોકો) તથા જોખમની સંભાવના ધરાવતા લોકો (સ્થળાંતરીત શ્રમિકો અને ટ્રકર્સ) લોકો માટે રાજયમાં ૮૮ લક્ષિત દરમ્યાનગીરી પ્રોજેકટ અમલીકરણ હેઠળ છે, જેમાં જોખમી જાતિય વર્તણૂક ધરાવતી વ્યકિતઓના જોખમી વર્તણૂકની તરાહમાં ફેરફાર કરી તેઓને જરૂરી સેવાઓ (કાઉંસેલીંગ, કોન્ડોમ વિતરણ, વર્તન પરિવર્તનનુ સાહિત્ય વગેરે) ઉપલબ્ધ કરાવવામાં આવે છે.

આજના યુવાઓમાં એચ.આઈ.વી.-એઇડ્સ પ્રત્યે જાગરૂકતા વધે અને આ રોગ સાથે સંળાયેલી ખોટી માન્યતાઓ દૂર થાય એ માટે નાકો દ્વારા યુનિસેફના સહયોગથી નેશનલ એઇડ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશને એચ.આઈ. વી.-એઇડ્સ નામની મોબાઈલ એપ્લિકેશન બનાવવામાં આવી છે. આ એપ્લિકેશન ગુજરાતી સહિત ભારતની ૧૧ ભાષાઓમાં ઉપલબ્ધ છે. આ એપ્લિકેશનનો ઉપયોગ કરીને નજીકના એચ.આઈ.વી. તથા અન્ય જાતીય રોગોની તપાસ અને સારવારના કેન્દ્રોની માહિતી મેળવી શકાય છે.એઇડ્સ પ્રિવેન્શન કલબ દ્વારા ૯૮૨૫૦ ૭૮૦૦૦ મોબાઈલ હેલ્પલાઇન ચાલે છે. વિશ્વ એઇડ્સ દિવસ નિમિતે આ વર્ષનું સુત્ર 'વૈશ્વિક ભાગીદારી અને સહિયારી જવાબદારી' રીલીઝ કરાયુ છે.

આવનારા દિવસોમાં પણ એચઆઇવીને લગતી ગુણવત્તા પૂર્વકની સેવાઓ અવિરતપણે મળતી રહે અને એચઆઇવી સાથે જીવતી વ્યકિત સાથે કોઈપણ પ્રકારનો સામાજીક ભેદભાવ ન થાય એ માટેની કામગીરી માટેના સુદ્રઢ પ્રયત્નો ચાલુ જ રહેશે.

- અરૂણ દવે

ચેરમેન : એઇડ્સ પ્રિવેન્સન

કલબ મો.૯૮૨૫૦ ૭૮૦૦૦

(11:35 am IST)