Gujarati News

Gujarati News

News of Monday, 30th November 2020

રેલ્વે પાઇલોટના ઘરમાં પુત્રીએ જ પ્રેમી સાથે મળી કરાવી ચોરી

રેલનગર રામેશ્વર પાર્કમાં થયેલી ૭.૩૪ લાખની ચોરીનો ભેદ ક્રાઇમ બ્રાંચ-પ્ર.નગર પોલીસે કલાકોમાં ઉકેલી નાંખ્યો : દોઢ વર્ષ પહેલા સરિતા વિહારના પાર્થ ભટ્ટ સાથે લિવ ઇન રિલેશનશીપ કરી ત્રણેક મહિના સાથે રહ્યા બાદ રિયાંશી હાલ પિતાના ઘરે હતીઃ ૨૪મીએ રાતે દિલ્હી જવાનું હતું એ દિવસે બપોરે પાર્થને ઘર નજીક બોલાવી ચાવી આપી, તે ફટાફટ ડુપ્લીકેટ બનાવડાવી અસલી ચાવી પાછી આપી ગયોઃ ૨૫મીએ બપોરે નિરાતે ઘરે આવી હાથફેરો કરી ગયો'તો : પાઇલોટ ફ્રાન્સીસ ક્રિશ્ચીયનની દિકરી રિયાંશી અને પ્રેમી પાર્થને જોબ પ્લેસમેન્ટ એજન્સી ખોલવા પૈસાની જરૂર હોવાથી ચોરી કર્યાની કબુલાતઃ તમામ મુદ્દામાલ કબ્જે

જ્યાં ચોરી થઇ હતી તે લોકો પાઇલોટનું ઘર અને તેમાં વેર વિખેર ચીજવસ્તુઓ જોઇ શકાય છે : વિગતો જણાવી રહેલા એસીપી ક્રાઇમ ડી. વી. બસીયા, પીઆઇ વી. કે. ગઢવી, પીઆઇ એલ. એલ. ચાવડા, સાથે પીએસઆઇ એમ. વી. રબારી, પ્રતાપસિંહ ઝાલા, એભલભાઇ બરાલીયા, દિગુભા જાડેજા, પુષ્પરાજસિંહ સહિતના જોઇ શકાય છે (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૩૦: રેલનગર રામેશ્વર પાર્કમાં રહેતાં રેલ્વેના લોકો પાઇલોટના ચાર દિવસ બંધ રહેલા ઘરમાં મુખ્ય દરવાજાનું ઇન્ટરલોક ખોલી અંદર પ્રવેશી રોકડ-સોનાના બિસ્કીટ, ચેઇન મળી ૭ લાખ ૩૪ હજારની માલમત્તા ચોરી જવામાં આવી હતી. પાઇલોટ સપરિવાર દિલ્હી પુત્રવધુના ઘરે ગયા હતાં. મકાનની ચાવી પોતાની ભાણેજને આપી ગયા હતાં. ગઇકાલે તેઓ પરત આવ્યા ત્યારે ચોરી થયાની જાણ થઇ હતી. જાણભેદૂની સંડોવણીની શકયતાએ તપાસ શરૂ થઇ હતી. ક્રાઇમ બ્રાંચ અને પ્ર.નગર પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી નાંખ્યો છે. પાઇલોટના ઘરમાં ખુદ તેની જ દિકરીએ પ્રેમી સાથે મળી ચોરી કરાવ્યાનું ખુલતાં બંનેની ધરપકડ કરવામાં આવી છે. આ બંનેને સ્વતંત્ર રીતે જોબ પ્લેસમેન્ટ માટેની એજન્સી ખોલી ધંધો શરૂ કરવા પૈસાની જરૂર હોઇ ચોરી કર્યાનું કબુલ્યું છે. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કર્યો છે.

બનાવ અંગે રેલનગર રામેશ્વર પાર્ક-૨ બ્લોક નં. ૫૭-બી-૨માં રહેતાં અને રેલ્વેમાં લોકો પાઇલોટ તરીકે ફરજ બજાવતાં ફ્રાન્સીસભાઇ લલીતસેન ક્રિશ્ચીયન (ઉ.વ.૫૫)ની ફરિયાદ પરથી પ્ર.નગર પોલીસે ગુનો નોંધ્યો હતો.

ફ્રાન્સીસભાઇએ ફરિયાદમાં જણાવ્યું હતું કે ૨૪/૧૧ના રોજ પોતે અને પત્નિ તથા દિકરો, દિકરી તેમજ ભાણેજના દિકરી સાથે રાજકોટથી દિલ્હી ટ્રેનમાં ગયા હતાં. રહેણાંકની ચાવી ભાણેજ નિલોફરને આપી ગયા હતા. એ પછી ગઇકાલે સવારે સાડા દસેક વાગ્યે તેઓ દિલ્હીથી અમદાવાદ ટ્રેનમાં આવ્યા હતા. ત્યાંથી રાજકોટ આવવા ટ્રેનમાં બેઠા હતાં. ભાણેજ નિલોફરને જમવાનું બનાવી રાખવા માટે ફોન કર્યો હતો. એ પછી દસેક મિનીટ બાદ ભાણેજે ફોન કરી કહેલુ કે તમારા મકાનનો પાછળનો દરવાજો ખુલ્લો છે. આથી તેમણે ભાણેજને મકાનની ચાવી હોઇ ખોલીસને અંદર તપાસ કરવાનું કહેતાં તેણે અંદર જઇ તપાસ કરી હતી.

એ પછી તેણે જાણ કરી હતી કે મકાન અંદર સામા વેરવિખેર છે, લોકર તૂટેલુ છે. આથી ભાણેજને પોલીસને જાણ કરવાનું કહ્યું હતું. ત્યારબાદ બપોરે એકાદ વાગ્યા પછી ફ્રાન્સીસભાઇ ઘરે પહોંચ્યા હતાં. તેમણે તપાસ કરતાં ઘરમાંથી રૂ. ૨૦૦૦ અને ૫૦૦ તેમજ ૧૦૦ના દરની ચલણી નોટો રૂ. ૧,૬૦,૦૦૦ની, સોનાના બે બિસ્કીટ રૂ. ૫,૪૯,૦૦૦ના તેમજ રૂ. ૨૫ હજારનો ચેઇન ગાયબ હતાં. રસોડાનો પાછળનો દરવાજો ખુલ્લો હતો.

મકાનના મુખ્ય દરવાજામાં ઇન્ટર લોક હતું. તે લોક ખોલીને કોઇએ ઘરમાં પ્રવેશ કરી કબાટની વચ્ચે ફિટ કરાવેલું લોકર તોડી તેની અંદરથી રોકડ, સોનાના બિસ્કીટ, ચેઇન મળી કુલ રૂ. ૭,૩૪,૦૦૦ની ચોરી કરી છે. પીઆઇ એલ. એલ. ચાવડા, પીએસઆઇ કે. ડી. પટેલ, આનંદભાઇ સહિતે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

મોટી મત્તાની ચોરી થઇ હોઇ  પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ ડી. વી. બસીયા અને એસીપી પી. કે. દિયોરાની સુચના મુજબ ક્રાઇમ બ્રાંચની ટીમે પણ પ્ર.નગર પીઆઇ સાથે રહી ઘટના સ્થળની વિઝીટ કરી હતી. દરવાજો કે લોક તૂટ્યા ન હોઇ ડુપ્લીકેટ ચાવીનો ઉપયોગ થયાની દ્રઢ શંકા ઉદ્દભવી હતી. આથી ડીસીબીની ટીમે પ્ર.નગર પોલીસ સાથે સંકલનમાં રહીને તપાસ શરૂ કરી હતી.

દરમિયાન પીએસઆઇ એમ. વી. રબારીની ટીમના હેડકોન્સ. પ્રતાપસિંહ ઝાલા, દિગુભા જાડેજા અને પુષ્પરાજસિંહ જાડેજાને બાતમી મળી હતી કે ફરિયાદી લોકો પાઇલોટની દિકરી રિયાંશી (ઉ.વ.૨૨)એ અગાઉ પાર્થ ભટ્ટ સાથે રિલેશનશીપ કરી છે અને ચોરીમાં તેની જ સંડોવણી છે. આ બાતમી પરથી યુનિવર્સિટી રોડ સરિતા વિહાર સોસાયટી કવાર્ટર નં. ૧૩૨માં રહેતાં પાર્થ નવનીતભાઇ ભટ્ટ (ઉ.વ.૨૮)ના ઘરે પીએસઆઇ એમ. વી. રબારી સહિતની ટીમ પહોંચી ત્યારે જ પાર્થ પોતાનું જ્યુપીટર વાહન ચાલુ કરી બહાર નીકળતાં તેને સકંજામાં લઇ પુછતાછ કરતાં ગલ્લા તલ્લા કર્યા બાદ ભાંગી પડ્યો હતો અને રિયાંશી સાથે મળી ડુપ્લીકેટ ચાવી બનાવી ચોરી કર્યાનું કબુલતાં પાર્થ અને રિયાંશીની ધરપકડ કરવામાં આવી હતી.

પાર્થના વાહનની ડિક્કીમાંથી સોનાના બિસ્કીટ, રોકડ અને ડુપ્લીકેટ ચાવી મળી આવતાં તમામ મુદ્દામાલ અને વાહન કબ્જે કરાયા હતાં. પોલીસે વિશેષ પુછતાછ કરતાં એવી માહિતી બહાર આવી હતી કે પાર્થ વાહન લે-વેંચનો ધંધો કરે છે. ત્રણેક વર્ષ અગાઉ તે રેલનગર વિસ્તારમાં રહેતો હતો ત્યારે રિયાંશી સાથે પ્રેમસંબંધ બંધાતા બંનેએ લિવઇન રિલેશનશીપ કરાર કર્યા હતાં. ત્રણેક મહિના બંને સાથે રહ્યા હતાં. પછી અલગ પડી ગયા હતાં. પાર્થ અલગ રહેવા જતો રહ્યો અને રિયાંશી માતા-પિતા સાથે રહેતી હતી. જો કે બંનેનો પ્રેમ ફરીથી જાગૃત થયો હતો અને હવે પોતાની રીતે આત્મનિર્ભર થવાનું નક્કી કર્યુ હતું.

આ બંનેને જોબ પ્લેસમેન્ટ એજન્સી ચાલુ કરવા માટે પૈસાની જરૂર હોઇ રિયાંશીએ પોતાના જ ઘરમાંથી હાથફેરો કરવાનો પ્લાન ઘડ્યો હતો.

બંને તકની રાહમાં હતાં ત્યાં ૨૪મીએ બધાને દિલ્હી જવાનું નક્કી થતાં એ દિવસે બપોરે રિયાંશીએ પાર્થને ફોન કરી ઘર નજીક બોલાવી ઘરની અસલી ચાવી આપી હતી. જેના પરથી પાર્થ નકલી ચાવી બનાવી ફટાફટ અસલી ચાવી પાછી આપી ગયો હતો. રિયાંશી એ રાતે જ માતા-પિતા-પરિવારજનો સાથે દિલ્હી જવા રવાના થઇ ગઇ હતી. એના બીજા દિવસે બપોરે પાર્થ આવ્યો હતો અને ડૂપ્લીકેટ ચાવીથી ઇન્ટરલોક ખોલી ઘરમાં પ્રવેશી કબાટની વચ્ચેના ભાગે બનાવાયેલુ છુપ્પુ લોકર તોડી રોકડ-બિસ્કીટ-ચેઇન મળી ૭.૩૫ લાખની મત્તા ચોરી ગયો હતો.

પીઆઇ વી.કે. ગઢવી, પીઆઇ એલ. એલ. ચાવડા, પીએસઆઇ એમ. વી. રબારી, પીએસઆઇ કે. ડી. પટેલ, હેડકોન્સ. પ્રતાપસિંહ ઝાલા, દિગુભા જાડેજા, એભલભાઇ બરાલીયા, પુષ્પરાજસિંહ જાડેજા, સોકતભાઇ ખોરમ, ભુમિકાબેન ઠાકર સહિતે આ કામગીરી કરી હતી.

  • પાર્થએ ચોરેલો ચેઇન ફાયનાન્સ કંપનીમાં ગિરવે મુકી ૪૮ હજાર રોકડા કરી લીધા!

પાર્થ ભટ્ટે રોકડ, તેમજ સોનાના ૫,૪૯,૦૦૦ના બે બિસ્કીટ અને સોનાનો એક ચેઇન ચોરી કર્યા હતાં. ચોરેલો ચેઇન તેણે ફાયનાન્સ પેઢીમાં ગીરવે મુકી ૪૮ હજારની રોકડી પણ કરી લીધી હતી. તે બાર ધોરણ સુધી પાસ છે અને હાલમાં બેકાર જેવો છે. પ્રેમિકા સાથે મળી તેણીના જ ઘરમાંથી લાખોનો હાથફેરો કરી આત્મનિર્ભર થવું હતું. પણ પ્લાન ઉંધો વળી ગયો હતો.

(3:02 pm IST)